Western Times News

Gujarati News

ખાદ્યતેલના ભાવમાં વધારોઃ તહેવારોની સિઝન શરૂ થતાં જ રસોડાના બજેટ પર અસર

રાજકોટ, સાતમ-આઠમ સહિતના તહેવારોની સિઝન શરૂ થતાં જ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારો નોંધાયો છે. છેલ્લા પંદર દિવસમાં સિંગતેલ, કપાસિયા તેલ તેમજ અન્ય ખાદ્યતેલોના ભાવમાં થયેલા વધારાના કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોના રસોડાના બજેટ પર સીધી અસર પડી છે. મોંઘવારીના વધતા બોજ વચ્ચે તહેવારોની તૈયારીઓ કરી રહેલા ગ્રાહકો માટે આ ભાવવધારો ચિંતાનો વિષય બન્યો છે.

બજારના વેપારીઓના જણાવ્યા અનુસાર મગફળીની ઓછી આવક અને બજારમાં પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ ન હોવાના કારણે સિંગતેલના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે.

દર વર્ષે તહેવારો નજીક આવતા ખાદ્યતેલની માંગમાં વધારો થતો હોય છે, જેના કારણે ભાવમાં પણ વધારો નોંધાય છે. આ વર્ષે પણ એ જ સ્થિતિ સર્જાતા ગ્રાહકોને વધારાનો આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે. તાજેતરના બજારભાવ મુજબ ૧૫ કિલોના સિંગતેલના ડબ્બામાં રૂ. ૫૦નો વધારો થતાં તેનો ભાવ હવે રૂ. ૨,૮૨૦ સુધી પહોંચી ગયો છે.

બીજી તરફ કપાસિયા તેલના ૧૫ કિલોના ડબ્બામાં રૂ. ૩૦નો વધારો થતાં તેનો ભાવ રૂ. ૨,૬૭૦ થયો છે. ઉપરાંત પામોલીન, સૂર્યમુખી અને મકાઈના તેલના ભાવમાં પણ વધારો નોંધાતા ગ્રાહકો માટે કોઈ વિકલ્પ સસ્તો રહ્યો નથી.વેપારીઓનું માનવું છે કે જો સરકારની સંસ્થા નાફેડ પોતાના ગોડાઉનમાં રહેલો મગફળીનો અનામત જથ્થો ખુલ્લા બજારમાં મૂકે, તો સિંગતેલના ભાવમાં રાહત મળી શકે છે.

પૂરતો પુરવઠો ઉપલબ્ધ થતાં બજારમાં ભાવ સ્થિર થવાની શક્્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાવવધારાની સીધી અસર ગૃહિણીઓના માસિક બજેટ પર પડી છે. તહેવારો દરમિયાન મીઠાઈ, ફરસાણ અને વિવિધ વાનગીઓ બનાવવા માટે ખાદ્યતેલનો ઉપયોગ વધુ થતો હોવાથી પરિવારોને વધારાનો ખર્ચ કરવો પડી રહ્યો છે.

અનેક ગ્રાહકો ખરીદી મર્યાદિત કરવાની અથવા સસ્તા વિકલ્પો શોધવાની ફરજ પડી રહી છે.વેપારીઓએ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં પુરવઠો વધારવા માટે અસરકારક પગલાં લેવામાં નહીં આવે, તો તહેવારો દરમિયાન ખાદ્યતેલના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.