ગેરકાયદેસર ધમધમતા ફટાકડાના કારખાનાના માલિકો સામે કડક કાર્યવાહી કરાશે
રાજ્યભરમાં તપાસ કરી આવી ફેકટરીઓ શોધવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો પોલીસ તંત્રને આદેશ
અમદાવાદ, શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટ અને ભીષણ આગની દુર્ઘટનાએ સમગ્ર વહીવટી તંત્રને ઊંઘતું ઝડપી લીધું હતું. ૮ નિર્દોષ લોકોનો ભોગ લેનારી આ કાળઝાળ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક અત્યંત મહત્વનું અને મોટું નિવેદન આપ્યું હતું.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ સમગ્ર કમનસીબ ઘટના અંગે પોલીસ પ્રશાસન દ્વારા સ્થળ પર અત્યંત સઘન અને ઝીણવટભરી તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રહેણાંક વિસ્તારની નજીક આવી ગેરકાયદેસર અને જોખમી પ્રવૃત્તિ કરનારા અસામાજિક તત્વો સામે તંત્ર દ્વારા કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે અને ઘટના માટે જવાબદાર મુખ્ય શખ્સોની અટકાયત પણ કરી લેવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સરકાર દ્વારા એક ઉચ્ચ સ્તરીય રિવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્ત્વપૂર્ણ બેઠક પૂર્ણ થયા બાદ સમગ્ર મામલાની ઝીણામાં ઝીણી વિગતો અને સરકાર દ્વારા લેવાયેલા કડક પગલાંની વિસ્તૃત માહિતી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે તેવી ખાતરી તેમણે આપી હતી.
દુર્ઘટનાની વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, જ્યારે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો ત્યારે ધડાકાનો અવાજ સાંભળીને સૌપ્રથમ નજીકમાં જ આવેલા આર.એ.એફ.ના જવાનો સક્રિય થયા હતા. આર.એ.એફ.ની આખી ટીમ, સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ભારે વિસ્ફોટો વચ્ચે પણ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.
હાલમાં રામોલ પોલીસ સ્ટેશન દ્વારા આ સમગ્ર મામલાને અત્યંત ગંભીરતાથી લઈને ફેક્ટરી સંચાલક વિરૂદ્ધ એક્સપ્લોઝિવ એક્ટ (વિસ્ફોટક પદાર્થ અધિનિયમ) અને ભારતીય ન્યાય સંહિતાની અલગ-અલગ કડક કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
જો કે, આ ભયાનક હોનારતે સ્થાનિક વહીવટી તંત્ર, ફેક્ટરી ઇન્સ્પેક્ટર ઓફિસ અને પોલીસ વિભાગની કામગીરી સામે અનેક ગંભીર અને અણિયાળા સવાલો ઊભા કરી દીધા હતા.
ફટાકડાની આ ફેક્ટરીનું લાયસન્સ અગાઉથી જ રદ કરી દેવામાં આવ્યું હોવા છતાં, આટલા લાંબા સમય સુધી જવાબદાર સરકારી અધિકારીઓ દ્વારા સ્થળ પર જઈને તેને સીલ કેમ ન કરવામાં આવી? લાયસન્સ રદ થયા પછી પણ સરેઆમ ધમધમતી આવી જોખમી અને મોતના કુવા સમાન ફેક્ટરી સામે કોઈ નક્કર કે કાયદાકીય પગલાં કેમ ન લેવાયા, તે તંત્રની ઘોર બેદરકારી, આંખ આડા કાન કરવાની નીતિ અને નબળા વહીવટનો જીવતો જાગતો પુરાવો છે.
કાગળ પર લાયસન્સ રદ કરીને સંતોષ માનનારું તંત્ર વાસ્તવિક ધરાતલ પર ઘોર નિદ્રામાં રહ્યું, જે દર્શાવે છે કે ઉચ્ચ સ્તરેથી જાહેર કરાતા નિયમોનું પાલન કરાવવામાં સ્થાનિક અધિકારીઓની ક્યાંક મોટી કચાસ અથવા મિલીભગત રહી ગઈ હતી.
જનતા સોશિયલ મીડિયા અને વિવિધ માધ્યમોથી સવાલ પૂછી રહી છે કે, શું સ્થાનિક વહીવટીતંત્ર કે ઔદ્યોગિક સુરક્ષા વિભાગ દ્વારા આ વિસ્તારમાં ક્યારેય કોઈ આકસ્મિક ચેકિંગ કે સરપ્રાઈઝ વિઝીટ કરવામાં આવી જ ન હતી? પૂર્વ અમદાવાદના રહેણાંક વિસ્તારોની આસપાસ ગેરકાયદેસર રીતે ચાલતા આવા જોખમી એકમો સામે સમયસર કડક હાથ કેમ ન અપનાવાયો? આજે જે ૯ નિર્દોષ ગરીબ શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
