રવિવારની મેચ રોહિત શર્માની કારકિર્દીની અંતિમ મેચ બની શકે છે
ભારતીય પસંદગીકારો લોડ્ર્ઝની મેચ બાદ રોહિતને પસંદ કરે તેવી શક્યતા નથી
રોહિત શર્માએ છેલ્લી આઠ વન-ડેમાં માત્ર ૨૪૧ રન નોંધાવ્યા છે અને તેમાં તેની સરેરાશ માંડ ૩૦.૧ની અને સ્ટ્રાઇક-રેટ ૮૮.૬નો રહ્યો છે
મુંબઈ, ભારતીય ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિએ આગામી વન-ડે વર્લ્ડ કપ અગાઉ યશસ્વી જયસ્વાલને વધુ તક આપવાના તથા રોહિત શર્માના ભાવિ અંગે સંકેત આપી દીધા છે ત્યારે રવિવારે લોડ્ર્ઝ ખાતે રમાનારી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વન-ડે ક્રિકેટ મેચ રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની અંતિમ મેચ બની શકે છે. રાષ્ટ્રીય પસંદગી સમિતિ યુકેમાં ચાલી રહેલી વર્તમાન સિરીઝ બાદ વન-ડેના આ મહાન બેટ્સમેન તથા કેપ્ટનને ભવિષ્યની વન-ડે ટીમમાં સામેલ કરે તેવી શક્યતા ઘણી ઓછી છે. રોહિત શર્માએ છેલ્લી આઠ વન-ડેમાં માત્ર ૨૪૧ રન નોંધાવ્યા છે અને તેમાં તેની સરેરાશ માંડ ૩૦.૧ની અને સ્ટ્રાઇક-રેટ ૮૮.૬નો રહ્યો છે. આ દરમિયાન તેણે માત્ર એક જ અડધી સદી ફટકારી છે.
પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકર હાલમાં ઇંગ્લેન્ડમાં છે. અને તે સ્પષ્ટ છે કે તેઓ આવતા વર્ષના વન-ડે વર્લ્ડ કપ માટે બે વખત આઈસીસી ટ્રોફી જીતનારા ૩૯ વર્ષીય ભારતીય કેપ્ટનને ધ્યાનમાં લઈ રહ્યા નથી.બીસીસીઆઈના એક વરિષ્ઠ સૂત્રએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય પસંદગીકારો ઈચ્છે છે કે યશસ્વી જયસ્વાલને લાંબી તક મળે. વર્લ્ડ કપ અગાઉ લગભગ ૨૦ વન-ડે મેચ બાકી છે અને જયસ્વાલને તે તમામ ૨૦ મેચમાં તક આપવી જરૂરી છે. જયસ્વાલે ત્રણ ઇનિંગ્સમાં બે સદી ફટકારી છે.”તેમણે ઉમેર્યું હતું કે “કોઈ રોહિતને નિવૃત્ત થવા માટે કહી શકતું નથી, પરંતુ તે સ્પષ્ટ છે કે સપ્ટેમ્બરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની હોમ સિરીઝથી આગળ વધવા માટે પસંદગીકારો નવી દિશામાં વિચારવા માંગે છે.
રોહિતનું ભવિષ્ય એવો નિર્ણય છે જે તેણે પોતે લેવાનો છે.” ઉલ્લેખનીય છે કે ટીમના ચીફ કોચ ગૌતમ ગંભીર અને અગરકર એકમત છે કે વિરાટ કોહલી તેની ફોર્મ અને ફિટનેસને કારણે ટીમમાં આપોઆપ પસંદ થઈ શકે છે પરંતુ રોહિત શર્મા માટે આમ કહી શકાય તેમ નથી. એમ મનાય છે કે જો ઇંગ્લેન્ડ પછી પણ રોહિતને ચાલુ રાખવામાં આવે તો એવી કોઈ શક્યતા નથી કે લાઈનમાં આગામી ખેલાડી યશસ્વી જયસ્વાલને મૂલ્યવાન મેચ રમવાની તક ગુમાવવી પડે. SS1
