‘આદિપુરુષ’ મારી કારકિર્દીની સૌથી મોટી ભુલ હતી ઃ મનોજ મુન્તશિર
લગભગ ૬૦૦ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક હતી ‘આદિપુરુષ’
મુંબઈ, વર્ષ ૨૦૨૩માં રિલીઝ થયેલી ‘આદિપુરુષ’ ફિલ્મને લઈને લાંબા સમય બાદ તેના સંવાદલેખક મનોજ મુન્તશિરે જાહેરમાં પોતાની ભુલ કબુલી છે. ફિલ્મના સંવાદો અને તેની તરફેણ કરવા બદલ પસ્તાવો વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે ‘આદિપુરુષ’ તેમની કારકિર્દીની સૌથી મોટી ભુલ હતી અને તેના માટે તેઓ સમગ્ર દેશ પાસે માફી માંગે છે.એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન મનોજ મુન્તશિરે જણાવ્યું કે ફિલ્મ રિૈલીઝ પહેલાં જ તેના વિરોધની શરૂઆત થઈ ગઈ હતી અને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલિંગ થઈ રહ્યું હતું. તે સમયે તેમની પત્નીએ તેમને ફિલ્મનો જાહેરમાં બચાવ ન કરવાની સલાહ આપી હતી, પરંતુ તેમણે તે સલાહને અવગણી હતી.
તેમણે કહ્યું, “શરૂઆતમાં મેં આ ટીકાને ગંભીરતાથી લીધી નહોતી. પરંતુ બે દિવસમાં મને સમજાઈ ગયું કે ‘આદિપુરુષ’ મારા જીવનની સૌથી મોટી ભુલ હતી અને તેનો બચાવ કરવો તો એથી પણ મોટી ભુલ હતી. ફિલ્મને લઈને જે કંઈ બન્યું, તેના માટે મને ખૂબ શરમ આવે છે અને હું દેશના દરેક વ્યક્તિ પાસે માફી માંગું છું.” મનોજ મુન્તશિરે સ્વીકાર્યું કે તેઓ ભગવાન શ્રીરામ અને ભગવાન હનુમાન જેવા પવિત્ર પાત્રો સાથે ન્યાય કરી શક્યા નહીં. તેમણે કહ્યું કે ફિલ્મ અંગે તેમના કેટલાક નિવેદનોને સંદર્ભથી અલગ રીતે રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ આજે જ્યારે તેઓ ફિલ્મના સંવાદો તરફ પાછા વળીને જુએ છે ત્યારે તેમને પોતાની જ લેખનશૈલી પર શરમ આવે છે.
તેમણે કહ્યું, “આજે જ્યારે હું એ સંવાદો જોઉં છું ત્યારે મને શરમ આવે છે કે મેં આવા સંવાદો લખ્યા. તે સમયે હું શું વિચારી રહ્યો હતો તેની મને પણ ખબર નથી.”દિગ્દર્શક ઓમ રાઉતની ‘આદિપુરુષ’ હિન્દુ મહાકાવ્ય ‘રામાયણ’થી પ્રેરિત હતી. ફિલ્મમાં પ્રભાસ ભગવાન શ્રીરામ -રાઘવ, કૃતિ સેનન માતા સીતા -જાનકી, સૈફ અલી ખાન રાવણ – લંકેશ, સની સિંહ લક્ષ્મણ – શેષ અને દેવદત્તા નાગે હનુમાન – બજરંગની ભૂમિકામાં જોવા મળ્યા હતા.લગભગ ૬૦૦ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક હતી. SS1
