Western Times News

Gujarati News

કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશનના અમલ માટે જિલ્લા વહિવટી તંત્ર સજ્જ

ફેસ માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર એસેન્શિયલ કોમોડિટી જાહેર કરાતાં બ્લેકમાર્કેટીંગ કરી ઉંચા ભાવે વેચનાર વેપારીઓ સામે કરાશે દંડાત્મક કાર્યવાહી

કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને કોરોના વાયરસના ફેલાવા સામે અટકાયતી પગલા અંગે બેઠક યોજાઈ

જાહેરમાં થુંકનાર પાસેથી વસુલાશે રૂ.૫૦૦નો દંડ, સરકારી કચેરીઓ સહિતના જાહેર સ્થળોએ સેનિટાઈઝેશનની વ્યવસ્થા કરવા સુચના

માહિતી બ્યુરો, પાટણ : કોરોના વાયરસ COVID-19 ની ભવિષ્યની અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની ત્વરીત કામગીરીના ભાગરૂપે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન અંતર્ગત વિવિધ રોગ નિયંત્રણ કામગીરી અંગે સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને સુચનાઓ આપવામાં આવી.

જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે જણાવ્યું કે, કોરોના વાયરસનો ચેપ લાગતો અટકાવવા અને રોગ નિયંત્રણ માટે સેનિટાઈઝેશન પ્રાથમિક ઉપાય છે. બેંક, યુનિવર્સિટી તથા સરકારી કચેરીઓ જેવા જાહેર સ્થળોએ સેનેટાઈઝેશનની વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. ફેસ માસ્ક તથા હેન્ડ સેનેટાઈઝર્સ એસેન્શિયલ કોમોડિટી હોઈ તેનું બ્લેક માર્કેટીંગ કરી ઉંચા ભાવે વેચનાર વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

કોરોના વાયરસનો ચેપ ડ્રોપલેટ ઈન્ફેક્શન એટલે કે સંક્રમિત વ્યક્તિના કે વસ્તુના સંપર્કમાં આવવાથી લાગતો હોવાથી સંક્રમિત વ્યક્તિના થુંકવાના કારણે રોગના ફેલાવાની શક્યતાને ધ્યાનમાં રાખી જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના કડક અમલીકરણ માટે જાહેરમાં થુંકનાર વ્યક્તિ પાસેથી રૂ.૫૦૦નો દંડ વસુલ કરવામાં આવશે. સાથે સાથે શ્વાચ્છોશ્વાસ તથા સ્પર્શથી થતો ફેલાવો અટકાવવા માટે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જાહેર રેલી, સરઘસ અને સભાઓને પરવાનગી ન આપવા તથા ખાનગી મેળાવળાઓ ટાળવા અપીલ કરવા અંગે સબંધિત વિભાગના અધિકારીશ્રીઓને સુચનાઓ આપવામાં આવી.

શિક્ષણ વિભાગના પરીપત્ર મુજબ જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટી તથા આંગણવાડીઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા આપવામાં આવેલી સુચનાનો અમલ સુનિશ્વિત કરવા સુચના આપી હતી. સાથે સાથે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને ખાનગી કોચીંગ અને ટ્યુશન ક્લાસીસના સંચાલકો સાથે બેઠક યોજી આગામી તા.૩૧ માર્ચ સુધી શૈક્ષણિક કાર્યની મોકુફી અંગે અપીલ કરવા સુચના આપી હતી.

ઉપરાંત જિલ્લાના તમામ નાટકગૃહો તથા થિયેટર્સ બંધ રાખવા તથા હોટેલ, ગેસ્ટહાઉસ અને ધર્મશાળાઓના સંચાલકો સાથે બેઠક યોજી અન્ય દેશ કે અન્ય રાજ્યમાંથી આવતા લોકોની માહિતી  વહિવટી તંત્રને આપવા સુચના આપવા જણાવવામાં આવ્યું. વધુમાં કોરોના વાયરસ, તેના ઈલાજ સહિતની ગેરમાર્ગે દોરનારી માહિતી કે અફવા ફેલાવનાર સામે વહિવટી તંત્ર દ્વારા કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

રોગ નિયંત્રણ માટે સૌથી અગત્યની બાબત આરોગ્ય શિક્ષણ પર ભાર મૂકતાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં ડોર-ટુ-ડોર જઈ સેનિટાઈઝેશન અને સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ કેળવવા આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવશે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કોરાના વાયરસના રોગ અટકાયત અને નિયંત્રણ માટે એપેડેમિક ડીસીઝ એક્ટ ૧૮૯૭ અન્વયે પરીપત્ર દ્વારા ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન ૨૦૨૦ લાગુ કરવામાં આવ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા સંલગ્ન વિભાગના તમામ અધિકારીશ્રીઓને સંકલનમાં રહી પાટણ જિલ્લામાં તેના સુચારૂ અમલ અને રોગ નિયંત્રણના સઘન અટકાયતી પગલા હાથ ધરવા અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, અધિક નિવાસી કલેક્ટરશ્રી એન.ડી.પરમાર, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એ.પી.ઝાલા, જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી ગીતાબેન દેસાઈ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી રીટાબેન પંડ્યા, આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ, તમામ ચીફ ઑફિસરશ્રીઓ, ડિઝાસ્ટર શાખાના મામલતદારશ્રી હિતેશભાઈ રાવલ સહિત સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.