Western Times News

Gujarati News

યુવાનો માટે સ્‍વરોજગારીની તકો ઊભી કરતું વલસાડ જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર

વાજપેય બેન્‍કેબલ યોજનામાં સહાય મેળવી આન્‍ત્રપ્રનોર બન્‍યા કાનુરબરડાના અમિતભાઇ પટેલ

કોઇ પણ દેશનું ભવિષ્‍ય કેવું હશે તે જોવા માટે તે દેશના યુવાનો કયા કાર્યો કરી રહ્યા છે તેનું પુથ્‍થક્કરણ કરવું પડે છે. જેમ એક કુમળા છોડને સારૂ પોષણ આપવામાં આવે તો તે ઘટાદાર વૃક્ષ બની અનેક લાભ આપે છે તેમ યુવા પેઢીને યોગ્‍ય દિશા સમાન ધ્‍યેય અને પોષણ સમાન તક આપવામાં આવે તો તે સમગ્ર દેશને વિકાસના પથ ઉપર લઇ જાય છે. સ્‍વયં પ્રગતિ કરે છે અને અન્‍ય માટે પ્રેરણા રૂપ બની આવનાર પેઢીનું ભવિષ્‍ય ઉજજવળ બનાવે છે.

આપણા દેશમાં યુવાનો સ્‍વરોજગારી મેળવી દેશના વિકાસમાં સહભાગી થઇ શકે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ ધંધો શરૂ કરવા માટે લોન આપવામાં આવે છે. જેનો ઉપયોગ કરી વલસાડ જિલ્લાના અનેક યુવાનો ઘર આંગણે સફળ બિઝનેસ કરતા થયા છે. જેમાંથી એક સફળ આન્‍ત્રપ્રનોર (બીઝનેસમેન) છે-અમિતભાઇ અરવિંદભાઇ પટેલ.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કાનુરબરડા ગામના અમિતભાઇ વાપીની ખાનગી કંપનીમાં ૧૫ હજાર પગારની નોકરી કરતા હતા. નોકરીમાં પોતાના ઘર-પરિવારને પુરતો સમય ન આપી શકવાના કારણે સતત ચિંતામાં રહેતા હતા. નજીકના મિત્રને આર.ઓનો સફળ બિઝનેસ કરતા જોઇ, સરકારની યુવાઓને મદદરૂપ થવાની સારી સુર્વણતક ઝડપી લઇ પોતાનો બિઝનેસ શરૂ કરવાનો ધ્‍યેય લીધો. આર.ઓ. પ્‍લાન્‍ટ સ્‍થાપવા માટે નોકરી છોડી અથાગ મહેનત, ઇમાનદારીથી કામ કરીશું તો ચોક્કસ સફળતા મળશે જ, એવો વિચાર કરી આ લઘુ ઉદ્યોગમાં ઝંપલાવ્‍યું.

અમિતભાઇએ ૨૦૧૮-૧૯માં જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રની મદદથી રૂપિયા ૩.૫ લાખની લોન લીધી જેના ઉપર વાજપેયી બેન્‍કેબલ યોજના હેઠળ ૨૫ ટકાની સબસીડી મેળવી પોતાના ઘરે જ શીવ વોટર સપ્‍લાયના નામથી આર.ઓ પ્‍લાન્‍ટ શરૂ કર્યો.
આર.ઓ પ્‍લાન્‍ટમાં ફીલ્‍ટર, મેમરન, ચીલર, ૧૦૦ કુલર જગ અને ૧૫૦ સાદા જગ વસાવ્‍યા છે. ૨ હજાર લીટરની ૨ ટાંકી વસાવી છે. આ ટાંકીમાં આધુનિક મશીન દ્વારા પાણી ફીલ્‍ટર તેમજ ઠંડુ થાય છે. એક ટાંકીથી ૫૦ જગ ભરી શકાય છે.
આ ઉપરાંત પોતાના ટેમ્‍પાની મદદથી લોકોને ઘરે-ઘર તાજું અને સ્‍વચ્‍છ પીવાનું પાણી પહોંચાડી રહ્યા છે. નાના-મોટા પ્રસંગોમાં, માર્કેટ, દુકાનો વગેરે સ્‍થળે પાણી પહોંચાડી દિવસના ૭૦૦ થી ૮૦૦ રૂપિયા મેળવી પોતાના ભાઇ સાથે મળી એક સફળ બિઝનેસ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.