વિજળીની આત્મનિર્ભરતા જરૂરી છે : મોદી
નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના રીવા સ્થિત ૭૫૦ મેગાવોટના સોલર પ્લાન્ટને રાષ્ટ્રને સમર્પિત કર્યો. આ એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ છે. જેનું પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ધાટન કર્યું અને પોતાના સંબોધનમાં કહ્યું કે આજે રીવાએ ઈતિહાસ રચ્યો છે. જ્યારે આપણે આ પ્લાન્ટનો વીડિયો આકાશમાંથી જોઈએ છીએ તો એવું લાગે છે કે હજારો સોલર પેનલ પાક બનીને લહેરાઈ રહી હોય.
રીવાનો સોલર પ્લાન્ટ આ સમગ્ર વિસ્તારને ઉર્જાનું કેન્દ્ર બનાવશે, તેનાથી એમપીના લોકોને લાભ મળશે અને દિલ્હી મેટ્રોને પણ વીજળી મળશે. તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારત માટે વિજળીની આત્મનિર્ભરતા પણ ખુબ જરૂરી છે. આ સાથે જ તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ હવે દેશનું લક્ષ્ય છે કે સોલર પેનલ સહિત તમામ ઉપકરણો માટે આપણે આયાત પર આપણી નિર્ભરતા ખતમ કરીએ. પીએમ મોદીએ કહ્યું કે હવે રીવાના લોકો શાનથી કહેશે કે દિલ્હી મેટ્રો અમારા રીવાથી ચાલે છે. જેનો લાભ મધ્ય પ્રદેશના ગરીબ મધ્યમ વર્ગના લોકો, ખેડૂતો, અને આદિવાસીઓને થશે. આજે ભારત સોલર ઉર્જા મામલે ટોપના દેશોમાં સામેલ છે.
પીએમ મોદીએ કહ્યું કે વિજળીની જરૂરિયાતો જોતા સોલર ઉર્જા મહત્વની છે. સરકાર તેને વિસ્તાર આપી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આત્મનિર્ભરના વિષયમાં ઈકોનોમી એક જરૂરી પક્ષ છે. વર્ષોથી એ જ મંથન છે કે અર્થવ્યવસ્થાનું વિચારીએ કે પર્યાવરણનું પણ ભારતે દેખાડી દીધુ છે કે બંને એક સાથે થઈ શકે છે. તેમણે કહ્યું કે વિજળીની જરૂરિયાત જે રીતે વધી રહી છે તે જોતા આવામાં વિજળીની આત્મનિર્ભરતા ખુબ જરૂરી છે. ત્યારે જ આત્મનિર્ભર ભારત બની શકે છે. જેમાં સોલર ઉર્જા એક મહત્વની ભૂમિકા ભજવશે અને આપણા પ્રયત્નો ભારતની આ તાકાતને વિશ્વાસ આપવાના છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે અમારી સરકારના સમયમાં સ્વચ્છ ભારત, એલપીજી આપવો, એલઈડી આપવો અને સોલર ઉર્જા સહિત અનેક નિર્ણયો લેવાયા. જેનાથી અર્થવ્યવસ્થા અને પર્યાવરણ સર્વોપરી છે.
પીએમએ કહ્યું કે છેલ્લા ૬ વર્ષમાં સરકારે ૩૬ કરોડ એલઈડી બલ્બ વહેચ્યા છે. એક કરોડથી વધુ બલ્બ સ્ટ્રીટ લાઈટમાં લગાવ્યાં છે. અમારી સરકારે એલઈડીની કિંમત દસ ગણી ઘટાડી છે. તેમણે કહ્યું કે તેનાથી ૬૦૦ અબજ યુનિટ વીજળીની બચત થઈ રહી છે. દર વર્ષે લોકોને વીજળીનું બિલ ઓછું આવે છે. પીએમ મોદીએ કહ્યું કે ૨૦૧૪ અગાઉ સોલર પાવરની કિંમત વધુ હતી. પરંતુ હવે તેની કિંમત ઘણી સસ્તી કરાઈ છે. ભારત હવે ક્લિન એનર્જીનું સૌથી શાનદાર માર્કેટ બન્યું છે. આ ક્ષેત્રમાં હવે ભારત એક મોડલ બની ચૂક્યું છે.
ભારત આ વિસ્તારમાં સમગ્ર દુનિયાને ભેગી કરી રહ્યું છે. જેથી કરીને દુનિયાનું મોટું સંકટ દૂર થઈ શકે. હવે એક સામાન્ય માણસ ઘરની છતથી લઈને બગીચા સુધી વિજળી પેદા કરી શકે છે. આ સાથે જ અન્નદાતાને ઉર્જા દાતા બનાવવામાં આવી રહ્યાં છે. જે જમીન પર ખેડૂતને પાક લેવામાં મુશ્કેલી આવે છે હવે ત્યાં પ્લાન્ટ લગાવવામાં આવે છે.