ભાઈની પત્નીને દુષ્કર્મની ધમકી આપતાં ફરિયાદ
અમદાવાદ: શહેરના બાપુનગરમાં એક જ પરિવારના સભ્યોનો વિવાદ પોલીસસ્ટેશનમાં પહોંચ્યો છે. આ પરિવારની મહિલાના ઘર પાસે કૂતરું ગંદકી કરતા તેને માર્યું હતું. જેથી મહિલાનો જેઠ ત્યાં આવ્યો અને બાદમાં બબાલ શરૂ કરી હતી. આ જેઠ એ તેની ભાભીનો હાથ પકડી પોતાની લૂંગી ઊંચી કરી મર્દ છું બળાત્કાર કરીશ તેવી ધમકી આપી હતી. જોકે આ જેઠે પણ તેની ભાભીના પરિવાર સામે ફરિયાદ આપતા બાપુનગર પોલીસે ક્રોસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. બાપુનગરમાં ૩૮ વર્ષીય મહિલા તેના પરિવાર સાથે રહે છે.
નજીકમાં પાડોશમાં જ આ મહિલાના પિતરાઈ જેઠ પણ પરિવાર સાથે રહે છે. તેઓ ઘરે હતા ત્યારે તેમના ઘર પાસે કૂતરું આવીને ગંદકી કરતું હતું. જેથી આ મહિલાએ તેને માર્યું હતું અને ભગાડતા જ તેનો આ જેઠ આવ્યો હતો. જેઠએ આવીને બબાલ કરી અને પોતાની ભાભીને કૂતરાને કેમ મારે છે? તેવું પૂછ્યું હતું. જેઠ ગાળો બોલતા જ ભાભી પણ અકળાઈ હતી અને તેને ગાળો કેમ બોલે છે તેવું કહેતા જ તેનો જેઠ આવેશમાં આવી ગયો હતો. અને આ જેઠ એ તેની ભાભીનો હાથ પકડી પોતાની લૂંગી ઊંચી કરી હું મર્દ છું તારા પર બળાત્કાર કરીશ તેમ કહી મારામારી કરી હતી.
જેથી આ મહિલાના પતિ અને બાળકો આવતા જ સમગ્ર હકીકત તેઓને જણાવતા આખરે બાપુનગર પોલીસસ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે મહિલાના જેઠ એ પણ સામે ક્રોસ ફરિયાદ ત્રણ લોકો સામે આપી છે. તેનો પણ આક્ષેપ છે કે આ લોકોએ મારામારી કરી તેને ઈજાઓ પહોંચાડી ધમકીઓ આપી હતી. જેથી સમગ્ર મામલે બાપુનગર પોલીસે બને પક્ષે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.