Western Times News

Gujarati News

હેકરે વિદ્યાર્થીનીના મોર્ફ ફોટાગ્રાફ અપલોડ કર્યા

Files Photo

અમદાવાદ: આનંદનિકેતન સ્કૂલમાં ચાલુ ઓનલાઇન ક્લાસમાં હેકરે ફોટોની લિંક મૂકી, સાથે જ મેઇલ કરીને ઓનલાઇન ક્લાસ બંધ કરવા અને વિદ્યાર્થીઓના ફોટા ફરતા કરવાની ધમકી આપી હતી. આ અંગે સાઈબર ક્રાઇમમાં ફરિયાદ અને સ્કૂલે પ્રાઈવેટ ડિટેક્ટિવ એજન્સી પણ હાયર કરી છે. આનંદનિકેતન સ્કૂલમાં ચાલુ ઓનલાઇન ક્લાસમાં હેકરે ઘુસીને ફોટોની એક લિંક મૂકી હતી,

સાથે જ સ્કૂલ મેનેજમેન્ટને મેઇલ કરીને ઓનલાઇન ક્લાસ તાત્કાલિક ધોરણે બંધ કરવાની ધમકી પણ આપી હતી. જાેકે આ પહેલાં પણ અનેક માગ સાથે હેકર દ્વારા ૧૨ જેટલાં મેઇલ કરાયા છે. મેઇલ બાદ સ્કૂલ મેનેજમેન્ટે વાલીઓને જણાવ્યું હતું કે, સ્કૂલ પરિવાર એક સાથે છે, બાળકો પર કોઇ નેગેટિવ અસર ન થાય તે માટે કોઇપણ લિંક કે ફોટો ઓપન ન કરવાની સલાહ આપી છે.

આનંદનિકેતન સ્કૂલમાં ઇ-મેઇલ પર ધમકી આપવાનો સિલસિલો સતત વધી રહ્યો છે. આ વખતે સ્કૂલમાં ચાલતા ઓનલાઇન ક્લાસીસ બંધ કરવાની ધમકી આપતો ઇ-મેઇલ કરાયો છે. પરંતુ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા ઓનલાઇન ક્લાસ ચાલુ જ રખાશે. મેઇલ મોકલનાર વ્યક્તિ ડાર્ક વેબનો ઉપયોગ કરતી હોવાથી અત્યાર સુધી તેના સુધી પહોંચી શકાયું નથી.

ઇ-મેઇલ મોકલનારે વિદ્યાર્થીઓના ફોટો વાઇરલ કરવાની પણ ધમકી આપી હતી. જેથી આ અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરાઇ હતી. જાેકે આ સિવાય સ્કૂલે પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સી પણ હાયર કરી છે. જે સાઇબર ક્રાઇમથી અલગ થઈ પોતાની રીતે આ ઈ-મેઇલ કરનારાને શોધી તેના સુધી પહોંચવાની કોશિશ કરશે. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ તપાસ કરી રહી છે.

પરંતુ હજુ સુધી અજાણ્યા હેકર સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી નથી. સાયબર ક્રાઈમના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ડાર્ક વેબ દ્વારા અલગ-અલગ આઇપી એડ્રેસ બદલી મેઇલ અને હેકિંગ કરવામાં આવી રહ્યું હોવાથી આરોપી પકડાયો નથી. જાે કે ટૂંક સમયમાં જ આરોપીને ઝડપી લેવાશે. આનંદનિકેતન સ્કૂલના પ્રવક્તા બિનુ થોમસે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના ચાલુ ક્લાસે હેકરે એક લિંક મૂકી હતી. પરંતુ થોડા જ સમય બાદ તે આપોઆપ ડિલિટ થઇ ગઇ હતી. અમે તમામ વાલીને મેસેજ કરીને જાગૃત રહેવા જણાવ્યું છે. સ્કૂલ પરિવાર અને વાલીઓ આ સમસ્યા સામે પણ એક પરિવારની માફક લડશે. અમારું શૈક્ષણિક કાર્ય ચાલુ જ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.