Western Times News

Gujarati News

પશુપતિ કુમાર પારસ શપથ ગ્રહણની તૈયારીમાં કુર્તા ખરીદી રહ્યા છે

પટણા: મોદી કેબિનેટનું ટૂંક સમયમાં જ વિસ્તરણ થવા જઈ રહ્યું છે. એ પહેલાં નવા મંત્રીઓ અંગેની અટકળો વેગવંતી બની છે. એમાંનું એક નામ પશુપતિ પારસનું પણ છે. બિહારમાં લોક જનશક્તિ પાર્ટી બે જૂથમાં વહેંચાઈ ચૂકી છે. એક પશુપતિ કુમાર પારસનું જૂથ છે, તો બીજું ચિરાગ પાસવાનનું.

આ દરમિયાન મંત્રીમંડળના વિસ્તારની શક્યતાઓ વચ્ચે પારસ પટનામાં કુર્તાની ખરીદી કરતાં જાેવા મળ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે શપથ ગ્રહણની તૈયારીઓ કરી રહ્યા છે, કારણ કે તેમને પૂરો વિશ્વાસ છે કે તેમને મોદી મંત્રીમંડળમાં જરૂરથી સ્થાન મળશે.

જ્યારે તેમને એ બાબતે સવાલ પૂછવામાં આવ્યો કે શું આપ શપથ લેવાના છો? શું તમને કેબિનેટમાં સામેલ કરવા બાબતે ફોન આવ્યો હતો? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું- રાજને રાજ જ રહેવા દો. ગયા મહિને ચિરાગ પાસવાનને પાર્ટીના અધ્યક્ષપદેથી દૂર કર્યા બાદ પારસે કહ્યું હતું કે તેઓ કેન્દ્રીય કેબિનેટનો ભાગ બનવા જઈ રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે હું કેન્દ્રીય મંત્રીપદના શપથ લઇશ ત્યારે હું સંસદીય દળના એના પદેથી રાજીનામું આપી દઈશ.

રામ વિલાસ પાસવાનનું ગયા વર્ષે ઓક્ટોબરમાં નિધન થઈ ગયું હતું. તેઓ મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી હતા. સૂત્રોની માનીએ તો પારસને તેમના સ્થાને કેબિનેટમાં જગ્યા મળી શકે છે. ચિરાગ પાસવાનના બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે સારા સંબંધ નથી. નીતીશની જેડીયુ મોદી સરકારનો મહત્ત્વનો ભાગ છે. એવામાં ચિરાગના બદલે પારસને તક આપવામાં આવી શકે છે. આ પહેલાં ૫ જુલાઇએ એલજેપીના સંસ્થાપક રામ વિલાસ પાસવાનની પ્રથમ જયંતી પર પારસે કહ્યું હતું કે પાસવાન સમગ્ર દેશના નેતા હતા. તેઓ અમીર-ગરીબ અને દરેક જાતિના લોકોની ચિંતા કરતા હતા. તેઓ સમયથી પહેલાં જ આપણને છોડીને ચાલ્યા ગયા. હું તેમનો નાનો ભાઈ લક્ષ્મણ છું. અમે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.