Western Times News

Gujarati News

રોડ પર નાઈટ પાર્કિંગ માટે સમય મર્યાદા નક્કી કરાશે

Files Photo

અમદાવાદ: સોસાયટીના પાર્કિંગમાં જગ્યા ના હોય ત્યારે ઘણાં લોકો ગેટની બહાર રોડ પર પોતાનું વાહન પાર્ક કરે છે. પરંતુ થોડા જ દિવસોમાં ગલી કે રોડ પર થતું પાર્કિંગ તમારો હક નહીં રહે, તમારે તેના રૂપિયા ચૂકવવા પડશે. રહેણાંક સોસાયટીઓની બહાર પાર્કિંગ કરવા માટે તમારે દર મહિને રૂપિયા ૩૦૦થી રૂપિયા ૧,૫૦૦ની રકમ ચૂકવવી પડી શકે છે. પાર્કિંગનું પેમેન્ટ જે-તે વિસ્તારના જંત્રીના ભાવને આધારિત રહેશે. તાજેતરમાં જ પાર્કિંગ પોલીસી જાહેર થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાર્કિંગ રેટ નક્કી કર્યા છે.

પોલીસીને રાજ્ય સરકારની મંજૂરી મળશે તે પછી પાર્કિંગ રેટ પણ લાગુ કરી દેવાશે. સૂત્રોનું માનીએ તો ફાઈનલ રેટની જાહેરાત થાય ત્યારે રકમ ૫-૧૦ ટકા ઉપર-નીચે હોઈ શકે છે. સ્થાનિકોએ સોસાયટીઓની બહાર પાર્કિંગ કરવા માટે માસિક, ત્રિમાસિક અથવા વાર્ષિક પરમિટ લેવી પડશે. એએમસીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, સોસાયટીની બહાર પાર્કિંગ કરવા માટેના માસિક પાસની રકમ જે-તે વિસ્તારના જંત્રીના ભાવ પરથી નક્કી કરવામાં આવશે.

સોસાયટીઓની બહાર પાર્કિંગ કરવા ઓન-સ્ટ્રીટ પાર્કિંગની મંજૂરી આપતી વખતે અમે ચોક્કસપણે દિવસ અને રાતના સમયના ચાર્જ અલગ રાખીશું. નાઈટ પાર્કિંગ ફી રૂપિયા ૩૦૦થી ૧,૫૦૦ની વચ્ચે જે-તે વિસ્તારના જંત્રી રેટ મુજબ તેમજ રોડનો પટ્ટો કોમર્શિયલ છે કે હાઈ-એન્ડ રેસિડેન્શિયલ એરિયા છે તે ધ્યાને લઈને નક્કી કરાશે, તેમ એએમસીના એસ્ટેટ ડિપાર્ટમેન્ટના અધિકારીએ જણાવ્યું. રોડ પર નાઈટ પાર્કિંગ માટે સમય મર્યાદા પણ નક્કી કરવામાં આવશે. અધિકારીએ જણાવ્યું, નાઈટ પરમિટ હોય તે લોકોએ બીજા દિવસે સવારે ૯ વાગ્યા સુધીમાં પોતાનું વાહન રોડ પરથી હટાવી લેવું પડશે અને જાે તેમ નહીં થાય તો વાહન ટો કરીને લઈ જવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.