Western Times News

Gujarati News

રાજ્ય સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા હકારાત્મક વલણ ધરાવે છેઃ મુખ્યમંત્રી

સુરત, રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતના પ્રવાસે હતા. અહીં તેમણે અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. જે પૈકી સુરતા પાલ ઉમરા બ્રિજના લોકાર્પણ બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે, આ ૯૦ કરોડના ખર્ચે બનેલા આ બ્રિજના કારણે ૧૦ લાખ લોકોને રાહત થશે. જાે કે આ મંચ પરથી મુખ્યમંત્રીએ કોંગ્રેસ તથા આપ પર પણ નિશાન સાધ્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે લોકોને ઘરનું ઘર આપવાના ઠાલા વચનો આપીને છેતર્યા નથી. જે બોલ્યા છીએ તે કરી દેખાડ્યું છે. અમે સહાય ઓછીને મોટી મોટી જાહેરાતો કરી નથી. સુરત સાચા અર્થમાં ખુબસુરત થાય તેવા પ્રયાસો અમારી સરકારે કર્યા છે.

કોરોના કાળમાં સંપુર્ણ લોકડાઉન લાદીને લોકોનાં પેટ પર લાત મારવાનું કામ અમે નથી કર્યું. આપત્તિને અવસરમાં બદલીને મેડિકલ ક્ષેત્રમાં અનેક સુધારા કર્યા અનેક યોજના લાવ્યા અને લોકોની પડખે અમે સતત ઉભા રહ્યા. અત્રે નોંધનીય છે કે, પાલ ઉમરા બ્રિજ સુરત શહેરનો ૧૧૫મો બ્રિજ છે અને તાપી નદી પર બંધાયેલો ૧૪મો બ્રિજ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત મુખ્યમંત્રીએ ડાયમંડ બુર્સની પણ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતના ખજાેદ ખાતે આકાર લઈ રહેલા રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘સુરત ડાયમંડ બુર્સ’ની મુલાકાત નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સાથે લીધી હતી.

મુખ્યમંત્રીએ અહીં બુર્સની કોર કમિટીના સભ્યો-હોદ્દેદારો, ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ અને હીરા વ્યવસાયીઓ સાથે બેઠક યોજી આ પ્રોજેક્ટની પ્રગતિની વિગતો મેળવી હતી. તેમણે પૂર્ણતાના આરે પહોંચેલા પ્રોજેક્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રકશનની કામગીરી નિહાળી હતી. મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મહાનુભાવોએ ‘સુરત ડાયમંડ બુર્સ’ સંબંધિત પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.

બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૌથી મોટો સોલાર રિન્યુએબલ એનર્જી પાર્ક, સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ જેવા અનેક આયામોથી ગુજરાતની આગવી ઓળખ બની છે, એ જ રીતે હવે સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે.

અહિયાં દેશવિદેશના ડાયમંડ વેપારીઓને વિશ્વ કક્ષાનું એક નવું વ્યાપાર કેન્દ્ર મળશે. જેનો સીધો લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થવાની સાથે હજારો લોકોને રોજગારીના અવસરો પણ મળશે. સુરતના ડાયમંડ ઉદ્યોગના વિકાસમાં કોઈ અડચણ ન આવે તે માટે રાજય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન થકી ઉદ્યોગ મૈત્રીપૂર્ણ અભિગમ થી હંમેશા હકારાત્મક વલણ ધરાવે છે.

ડાયમંડ બુર્સના નિર્માણ બાદ સુરતમાં હીરાનું મોટા પાયે ખરીદવેચાણ થશે. અને દેશવિદેશમાં સુરતનું નામ ડાયમંડ ટ્રેડિંગમાં ઉચ્ચ શિખરે પહોંચશે એમ જણાવી સુરતના ડાયમંડ બુર્સ પ્રગતિના શિખરો સર કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્ય સરકાર આ માટે હરહંમેશ મદદરૂપ થશે એવી ખાતરી ઉચ્ચારી હતી.

આ પ્રસંગે સુરત ડાયમંડ બુર્સના ડિરેકટર મથુર સવાણીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ૩૬ એકરની વિશાળ જગ્યામાં આકાર લઈ રહેલાં ડાયમંડ બુર્સના નિર્માણથી દુનિયાના વ્યાપારીઓ સુરત આવીને પોલિશ્ડ ડાયમંડની ખરીદી કરશે.

ડાયમંડ બુર્સને ટૂંકા ગાળામાં ઝડપભેર નિર્મિત કરવામાં રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓનો ઉચિત સહકાર પ્રાપ્ત થયો છે એમ જણાવી તેમણે ડાયમંડ બુર્સ કાર્યરત થતાં ડાયમંડ ટ્રેડિંગ ક્ષેત્રમાં સુરત મોખરે રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.