Western Times News

Gujarati News

મેનેજર નવ લાખ લઈને ૭ કલાક બસ ઉપર બેસી રહ્યા

મુંબઈ: મહારાષ્ટ્રના ઘણા ભાગમાં વરસાદ અને પૂરને કારણે અકસ્માતમાં અત્યાર સુધીમાં ૧૬૪ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે ૧૦૦ લોકો હજુ ગુમ છે. રત્નાગીરી, કોલ્હાપુર, સાંગલી અને રાયગડ જેવા જિલ્લાઓ હજી પણ પાણીમાં ડૂબેલા છે. ત્યારે રત્નાગિરિનાં ચિપલૂણમાં વરસાદ અને પૂરને કારણે બેકાબૂ પરિસ્થિતિ વચ્ચે બસ ડેપોના મેનેજરે એસટી વિભાગની મોટી રકમ બચાવી હતી. આ માટે તેઓ પોતાની ટીમ સાથે બસની છત પર ૭ કલાક બેઠા રહ્યા હતા.

ગત સપ્તાહમાં ગુરુવારના રોજ ચિપલૂણમાં ભારે વરસાદ બાદ પાણીનું સ્તર વધી રહ્યું હતું, ત્યારે મહારાષ્ટ્ર એસટી બસ ડેપોના મેનેજર સવારે ૪.૩૦ વાગ્યે ઓફિસ પર પહોંચ્યા હતા અને ટિકિટની દૈનિક આવક તરીકે ભેગા થયેલા રુ. ૯ લાખને પાણીમાં જતાં બચાવ્યા હતા. વરસાદને કારણે બસ ડેપોની આજુબાજુ અને સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદ દરમિયાન બસ ડેપો મેનેજર રણજીત રાજશિરકેને એક વિચાર આવ્યો અને પોતાની સાથે ડેપોની તિજાેરીમાં ભેગી થયેલી સરકારી રકમને બચાવવા તેઓ પાણીમાં ગરક થયેલી બસની છત પર ચઢી ગયા.

રણજીત અને તેની ટીમના છ સભ્યો સવારે સાડા છ વાગ્યાના બસની છત પર ચઢી ગયા અને ૭ કલાક ત્યાં જ રહ્યા. તેમણે પૈસાની ભરેલી થેલી પોતાની પાસે રાખી હતી. બાદમાં એનડીઆરએફની બચાવ ટીમે તેમને બચાવી લીધા હતા. તે ક્ષણને યાદ કરતાં રણજીત કહે છે, ‘તે ખૂબ જ ડરામણી સ્થિતિ હતી. એક સમય એવો પણ આવ્યો જ્યારે પાણીની સપાટી ખૂબ જ વધી ગઈ હતી અને બસ હોડીની જેમ ડોલવા લાગી હતી. અમને ડર હતો કે કોઈ પણ ક્ષણે અમે બસ પરથી પડી જઈશું પણ અમે ત્યાં મજબૂતીથી પકડીને બેઠા રહ્યા. સરકાર હવે રણજિત અને તેની ટીમને સન્માનિત કરવા માગે છે.

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે રવિવારે ભીષણ પૂરથી પ્રભાવિત કોંકણ ક્ષેત્રના રત્નાગિરિ જિલ્લાના ચીપલૂણની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે ત્યાંના રહીશો, ઉદ્યોગપતિઓ અને દુકાનદારો સાથે વાતચીત કરી. તેમણે વિસ્તારમાં સ્થિતિને પૂર્વવત કરવા રાજ્ય સરકાર તરફથી તમામ શક્ય મદદનું વચન આપ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.