Western Times News

Gujarati News

ઓસી.ને હરાવી ભારત પ્રથમ વખત હોકીની સેમિફાઈનલમાં

ટોક્યો: ટોક્યોથી ભારત માટે સૌથી ખુશીના સમાચાર આવ્યા છે. ભારતીય મહિલા હોકી ટીમે દમદાર પ્રદર્શન કરી સૌ પ્રથમ વખત ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. રાની રામપાલની આગેવાનીમાં ભારતીય મહિલા હોકી ટીમે ઓસ્ટ્રેલિયાને ક્વાર્ટર ફાઇનલમાં ૧-૦થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય પુરૂષ ટીમ બાદ મહિલા ટીમ પણ હોકીની સેમિફાઇનલમાં પહોંચી છે. હવે સેમિફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો સામનો આર્જેન્ટીના સામે થશે. ઓલિમ્પિકમાં સતત બીજા દિવસે હોકીએ સારા સમાચાર આપ્યા છે.

રવિવારે ભારતીય પુરૂષ ટીમે ગ્રેટ બ્રિટનને હરાવી ૪૯ વર્ષ બાદ સેમિફાઇનલમાં એન્ટ્રી કરી છે તો આજે ભારતીય મહિલા હોકી ટીમે વિશ્વની દમદાર ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવી પ્રથમવાર ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે રાની રામપાલની મહિલા હોકી ટીમ ભારતના ઈતિહાસની સર્વશ્રેષ્ઠ ટીમ બની ગઈ છે. ભારતે બીજા ક્વાર્ટરની છઠ્ઠી મિનિટ પર પેનલ્ટી કોર્નરથી ગોલ કર્યો હતો. ગુરજીત કૌરે પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવ્યો અને ભારતને લીડ અપાવી હતી. ઓલિમ્પિકમાં ગુરજીતનો આ પ્રથમ ગોલ છે.

ભારતીય મહિલા હોકી ટીમે પ્રથમ ક્વાર્ટરમાં શાનદાર પ્રદર્શન કર્યુ. રાની રામપાલની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયાએ એકપણ ગોલ ન કર્યો પરંતુ ગોલ થવા દીધો નહીં. ટીમે સારી શરૂઆત કરી હતી. ભારતીય ટીમને આ દરમિયાન તક મળી પણ તે ગોલ કરી શકી નહીં. શર્મિલાની પાસે ૧૧મી મિનિટે તક હતી. ભારતીય મહિલા હોકી ટીમે પોતાની અંતિમ બે મેચોમાં આયર્લેન્ડ અને સાઉથ આફ્રિકાને હરાવી છ પોઈન્ટ સાથે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ટીમ પૂલ એમાં ચોથા સ્થાને રહી. દરેક પૂલની ચાર ટીમો નોકઆઉટ સ્ટેજમાં પહોંચે છે. ટીમનું ઓલિમ્પિકમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૧૯૮૦માં મોસ્કોમાં રહ્યું હતું જ્યારે તે છ ટીમોમાં ચોથા સ્થાને રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.