Western Times News

Gujarati News

બે મહિનાથી શિક્ષણ શરૂ છતાં ધો.૧૧-૧ર સાયન્સના વિદ્યાર્થીઓ પુસ્તકોથી વંચિત

પ્રતિકાત્મક

એક માત્ર કેમિસ્ટ્રીનું પુસ્તક અપાયુંઃ ધો.૯ થી ૧રમાં પ૦ ટકા વિદ્યાર્થીઓને પુસ્તકો નથી મળ્યાં
અમદાવાદ, નવા શૈક્ષણિક સત્ર ર૦ર૧-રર ના આરંભ થયાને બે માસથી વધુ સમય વીતી ગયો છે. શિક્ષણક્ષેત્રે ગુણવત્તાની મોટી વાતો કરતું નીંભર તંત્ર હજુ પણ વિદ્યાર્થીઓ સુધી પુસ્તક પહોંચાડવામાં નિષ્ફળ ગયું છે. ધોરણ નવથી ૧રમાં તો ઓનલાઈનની સાથે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છતાં વિદ્યાર્થીઓને પુસ્તકો મળી રહ્યા નથી.

ધો.૧૧-૧ર સાયન્સના વિદ્યાર્થીઓને કેમિસ્ટ્રીનું એક માત્ર પુસ્તક સમ ખાવા પુરતું મળ્યું છે. તેને બાદ કરતાં અન્ય એક પણ પાઠય પુસ્તક મળ્યાં નથી.

આથી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સત્રની શરૂઆતમાં જ પાઠય પુસ્તકો ખરીદવા ન પડે તે બાબત ખુદ તંત્ર ખોટી ઠેરવી રહ્યું છે. કેટલાય વિદ્યાર્થીઓ બજારમાંથી ગાંઠનું ગોપીચંદન કરીને પુસ્તકો ખરીદી લેવા મજબૂર બન્યા છે. ર૦ર૧-ર૦રર ના શિક્ષણ સત્રનો આરંભ થયાને બે માસથી વધુ સમય થઈ ગયો છે ત્યારે તંત્ર સફાળું જાગ્યું છે

અને પાઠય પુસ્તક વિતરણ માટે મોટા મોટા આયોજન ઘડવા લાગ્યું છે. ધો.૧૧-૧ર સાયન્સ જેવા અગત્યના ધોરણના વિદ્યાર્થીઓને ધો.૧૧ સાયન્સમાં રસાયણ વિજ્ઞાનના એક પુસ્તકને બાદ કરતા અન્ય એકેય પુસ્તકો મળ્યાં નથી ત્યારે ઓનલાઈનની સાથે હવે તો હાઈસ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણ પણ ચાલુ થઈ ગયું છે.

હવે પછી પાઠ્ય પુસ્તકો આવે તો પણ તેનો કોઈ અર્થ નહીં રહે. કારણ કે જેમ તેમ પણ વાલીઓ પુસ્તકોની વ્યવસ્થા કરી રહ્યા છે. વાલીઓની અનેક રજુઆતો છતાં હજુ પાઠય પુસ્તકોના મુદ્દે તંત્ર કાંઈ જ કરી શકયું નથી. આ ઉપરાંત ધો.નવ અને ધો.૧૦માં પણ જે મુખ્ય પાંચ પુસ્તક ગણાય તે પૂરાં નથી મળ્યાં. ધોરણ નવ અને ધો.૧૦માં સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયોના પુસ્તકો મળ્યાં ન હોવાની અનેક ફરિયાદ વાલીઓ કરી રહ્યા છે.

પાઠ્ય પુસ્તકોની ઘટ કે ન મળવાના પ્રશ્ને તાજેતરમાં શિક્ષણ વિભાગે વીડિયો કોન્ફરન્સ કરી હતી જેમાં જણાવાયું હતું કે ૧૦ ઓગસ્ટ સુધીમાં ઘટતા પુસ્તકો શાળા વિકાસ સમિતિ સુધી પહોંચી જશે પરંતુ ક્યારે પુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે નકકી નથી. કેટલીય શાળાઓમાં પુરતા શિક્ષકો પણ નથી.

અગાઉના વર્ષોમાં પાઠ્ય પુસ્તક મંડળ સાથે સંકલન સાધીને આયોજન કરતાં ઉનાળુ વેકેશનમાં જ પુસ્તકો ફાળવી અપાતાં હતા પણ આ વખતે પૂરતાં આયોજનના અભાવે આ સ્થિતિ સર્જાઈ છે. (એન.આર.)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.