Western Times News

Gujarati News

રાજપીપળા ખાતે ૫.૧૭ કરોડના ખર્ચે DGVCL ના નવનિર્મિત ભવનનું કરાયેલું લોકાર્પણ

(પ્રતિનિધિ) ભરૂચ, એક કૃષિ વિજ જાેડાણ પાછળ સરકારને થતાં રૂા.૧.૬૦ લાખના ખર્ચની સામે ખેડૂતો પાસેથી માત્ર પાંચ કે સાત હજાર રૂપિયાનો જ ચાર્જ લેવાય છે અને દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને રૂા.૧૬૦૦ કરોડની રકમ સબસીડીરૂપે અપાય છે ઃ ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ છેલ્લા પાંચ વર્ષમાં નર્મદા જિલ્લાને ૮ સબ-સ્ટેશનની સુવિધા આપવાની સાથે આગામી ૩ વર્ષમાં વધુ નવા પાંચ સબ-સ્ટેશન ઉભા કરાશે. Newly constructed building of DGVCL inagurated on Wednesday Rajpipla Gujarat

ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ, ભરૂચના સંસદસભ્ય મનસુખભાઈ વસાવા, છોટાઉદેપુરના સંસદસભ્ય ગીતાબેન રાઠવા, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ,

જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, ભરૂચ દૂધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા કલેકટર ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, મેનેજીંગ ડિરેક્ટર અરવિંદ વી., મુખ્ય ઇજનેર જે.ડી. તન્ના,

શહેરના અગ્રણી રમણસિંહ રાઠોડ સહિત નગરજનો અને જિલ્લાવાસીઓની ઉપસ્થિતિમાં રાજપીપલામાં કાળીયાભૂત મંદિર પાસે દક્ષિણ ગુજરાત વિજ કંપની દ્વારા રૂા.૫.૧૭ કરોડના ખર્ચે રાજપીપલા વિભાગીય કચેરી ઉપરાંત પેટા વિભાગીય-૧ અને પેટા વિભાગીય-૨ ની કચેરીઓના નવનિર્મિત ભવનની તક્તીના અનાવરણ સાથે તેનું લોકાર્પણ કરાયું હતું અને આ નવનિર્મિત ભવનના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો.

ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભૂતકાળના વર્ષોમાં ગુજરાતની વિજકાપની સમસ્યા દૂર કરવા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતે ઐતિહાસિક જ્યોતિગ્રામ યોજના હેઠળ ૧૮ હજાર ગામડાંઓને ૧૦૦૦ દિવસમાં ૨૪ કલાક વિજ સુવિધા ઉપલબ્ધ કરાવી છે.

ખેડૂતો માંગે ત્યારે વિજળી મળી રહે તેવી વ્યવસ્થા માટે સરકાર કટિબદ્ધ છે. ગુજરાતમાં ૧૩ લાખ કૃષિ વિજ જાેડાણ આપ્યાં છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ૫.૫ લાખ કૃષિ વીજ જાેડાણો અપાયાં છે.નર્મદા જિલ્લામાં ૭૫૦૦ કૃષિ જાેડાણો અપાયાં છે.

આજની તારીખમાં આ વર્ષ સિવાયના મોટા ભાગના વિજ જાેડાણની કામગીરી પૂર્ણ કરી છે.આવા એક જાેડાણ પાછળ સરકારને થતાં રૂા.૧.૬૦ લાખના ખર્ચની સામે ખેડૂતો પાસેથી માત્ર પાંચ કે સાત હજાર રૂપિયા જ ચાર્જ લેવાતો હોવાનું ઉમેરી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને રૂા.૧૬૦૦ કરોડની સબસીડી અપાય છે તેમ જણાવ્યું હતું.

ગુજરાતના ગ્રામ વિકાસના રાજ્યકક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્ર બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે, આ વિસ્તારના પ્રજાજનોના વિજ સુવિધાના પ્રશ્નો ઝડપથી હલ થાય અને સરળતાથી વિજ સુવિધાની માંગ સંતોષાય તે માટે વ્યવસ્થાતંત્રના ભાગરૂપે ઉભા કરાયેલા

આ નવનિર્મિત ભવનના માધ્યમથી છેવાડાના માનવીને ઘરવપરાશની સાથોસાથ ખેડૂતો-વેપારીઓ-ઔદ્યોગિક એકમોને પણ તેનો સરળતાથી લાભ મળી રહેશે. તાજેતરના ભૂતકાળમાં તાઉ-તે વાવાઝોડા સમયે સૌરાષ્ટ્રમાં રાજ્ય સરકારે ખૂબ જ ટૂંકા ગાળામાં નુકશાનીની કામગીરી પરિપૂર્ણ કરી હોવાનો તેમણે ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો.

આ પ્રસંગે ભરૂચના સંસદસભ્ય મનસુખભાઈ વસાવા અને છોટાઉદેપુરના સંસદસભ્ય ગીતાબેન રાઠવાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં નર્મદા જિલ્લાના વિસ્તારના લોકોને સુખાકારી માટે ઉર્જા વિભાગ તરફથી જિલ્લાને અદ્યતન સુવિધાવાળા નવા ભવનની ભેટ ધરવા બદલ તેમણે આભારની લાગણી વ્યક્ત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.