Western Times News

Gujarati News

લખીમપુર ખીરી ખેડૂત હત્યાકાંડમાં પ્રિયંકા ગાંધીની ભૂમિકાએ ઇન્દિરાજીની યાદ અપાવી!

સુપ્રીમકોર્ટના ન્યાયાધીશની ભૂમિકા ‘‘ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે” જેવી હોવાને લઈને દેશમાં ‘રાજધર્મ’ ચૂકેલા નેતાઓ સામે ‘ન્યાયધર્મ’ જીવંત રાખી લોકશાહી રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે!!

તસવીર ભારતના ઉત્તર પ્રદેશ લખીમપુર ખીરી માં થયેલી હિંસા બાદ આ મુદ્દે અનેક રાજકીય પક્ષોએ ભારે વિરોધ નોંધાવ્યો તો કેટલાક ભાજપના કર્મશીલ નેતાઓ પણ ચિંતિત થઈ ગયા પણ કેટલાક સત્તા ની રખેવાળી કરવા માં મૌન થઈ ગયા?! તો ક્યાંક વિરોધનો સૂર પણ સંભળાયો !

પરંતુ આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે ખેડૂતોના હત્યાકાંડના મુદ્દે સૌથી વધુ સંવેદનશીલ બની તર્કબદ્ધ વિરોધ જાે કોઈએ કર્યો હોય તો એ છે શ્રીમતી પ્રિયંકા ગાંધી વાડ્રા! તેમણે પોલીસના અનુચિત વર્તનનો સામનો કરતા ઉગ્ર શબ્દોમાં ઝાટકણી કાઢી ત્રણ દિવસ અટકાયત થઈ છતાં કોઈ મચક ના આપી! અંતે લખીમપુર જઈ પીડિત વ્યક્તિને મળી ભીની હૂંફ આપી!

અને પત્રકારો સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ‘‘નૈતિકતાના આધાર પર રાજ્યગૃહ મંત્રી તરીકે અજય કુમારે રાજીનામું આપી દેવું જાેઈએ જેથી તપાસની કાર્યવાહી પર પ્રભાવ ના પડે’’! અને કેન્દ્રીય રાજ્યગૃહ મંત્રી શ્રી અજયકુમાર મિશ્રાના નિવેદન સામે પણ પ્રિયંકા ગાંધીએ ટીકા કરી હતી! પ્રધાન પુત્ર આશિષ મિશ્રાની અંતે ધરપકડ કરાઈ છે

પરંતુ આરોપી નિર્દોષ છૂટી જાય એ માટે પુરાવા એકઠા કરવામાં ક્રાઇમ બ્રાન્ચ કોઈ કસર તો નહીં છોડે ને? એવી આશંકા પણ શ્રીમતી પ્રિયંકા ગાંધીએ વ્યક્ત કરી ને તેમણે પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની આક્રમક અને રાજકીય ભૂમિકા અને શૈલી ની યાદ અપાવી દીધી છે!

તસવીર શ્રીમતી પ્રિયકા ગાંધી વાડ્રા ની છે જેઓ ખેડૂતો અત્યાચાર વિરુદ્ધ ઉગ્ર પ્રત્યાઘાત આપતા દ્રષ્ટિગોચર થાય છે અને બીજી તસ્વર દેશ ના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી ની છે જે પ્રિયંકા ગાંધી ના વ્યક્તિત્વ માં ઉપસી આવે છે ! ( તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

કોંગ્રેસ અગ્રણી પ્રિયંકા ગાંધી વાડ્રાની આક્રમક અને તર્કબદ્ધ રજૂઆત એ દેશમાં વિરોધ પક્ષની ભૂમિકાનો યોગ્ય સંદેશો આપ્યો!!

અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસને કહ્યું છે કે ‘‘પરમેશ્વરે આપણને જીવન અને સ્વતંત્રતા બંને સાથે જ આપ્યા છે’’!! જ્યારે ઇઝરાયેલના પ્રથમ વડાપ્રધાન ડેવિડ બેન ગુરિયને સરસ કહ્યું છે કે ‘‘રાષ્ટ્રીય સ્વાતંત્ર્યનું વહાણ નૈતિક અને બૌદ્ધિક સ્વાતંત્ર્ય વિના કાંઠે લાંગરી ન શકે’’!! ભારતમાં આઝાદી ને અનેક દાયકાઓ વીતી ગયા પછી ભારતમાં લોકશાહી મુલ્યો, બંધારણીય આદર્શો અને માનવીય મૂલ્યો પ્રત્યેની ઉત્કંઠા અને આદરનો નાશ થઈ રહ્યો છે !

આઝાદી પૂર્વે અને આઝાદી પછી તુરંત જે નેતાઓ હતા એમને દેશ ચલાવવા નો વિશાળ અનુભવ નહોતો પરંતુ આઝાદી અને નાગરિક સ્વાતંત્ર્ય માટે જે રીતે લડત આપી ભોગ આપેલો તેના અનુભવનું ભાથુ દેશને આગળ ચલાવવામાં મહત્ત્વપૂર્ણ રહ્યું હતું! જ્યારે આઝાદીના આટલા વર્ષો પછી કેટલાક નેતાઓ ફક્ત પોતાની ‘સત્તા’ માટે ગમે તે હદે જતા જાેવા મળે છે! ઉનાવા ગેંગરેપ અને ત્યાર પછી લખીમપુર હત્યાકાંડ શું તેનો પુરાવો નથી? શું રાજકીય કારણોસર ગુન્હાહિત રાજકીય પ્રવૃત્તિ પ્રત્યે મૌન ધારણ કરી લેવું લોકશાહી દ્રોહ નથી?!

ભારતના સત્તાધારી નેતાઓ નહિ પણ દેશના ન્યાયાધીશો ધર્મ અને ન્યાયની સમતુલા જાળવી ન હોત તો દેશમાં હિંસકક્રાંતિ થઈ હોત!! ઉનાવા ગેંગરેપ અને લખીમપુર કેસ માં સુપ્રીમ કોર્ટ ની ભૂમિકા ‘ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે’ જેવી છે!!
શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે કે ‘‘જ્યારે જ્યારે અધર્મ માથું ઊચકશે અને ધર્મ ગ્લાનિ અનુભવશે ત્યારે ત્યારે ધર્મના સિદ્ધાંતો પ્રસ્થાપિત કરવા અને સજ્જનો ની રક્ષા માટે હું યુગે, યુગે પ્રગટ થઈશ’’!!

આજે એટલું જરૂર કહી શકાય કે દેશ આઝાદ થયો ત્યારથી દેશના ન્યાયાધીશો ‘ન્યાયાધર્મ’ અદા કરી રહ્યા છે! પછી એ ઉનાવા ગેંગરેપની ઘટના હોય, ગુજરાતની નકલી નોટોનો પાકિસ્તાની યુવક પર પોલીસનો કેસ હોય! કે પછી ઉત્તર પ્રદેશની લખીમપુર ના ખેડૂતોનો હત્યાકાંડ નો કેસ હોય!

સત્તાના સિંહાસન પર બેસી દ્રોપદી વસ્ત્રાહરણ થતું જાેવા ની પરંપરા મહાભારત કાળથી ચાલી આવે છે! જે આજે પણ અટકી નથી માટે આજે ભારતની સુપ્રીમકોર્ટે ‘ન્યાયધર્મ’ અદા કરવા માટે અનેકવાર પોતાનો સુઓમોટો હસ્તક્ષેપ કરવાની સત્તા વાપરવી પડે છે!

ઉત્તર પ્રદેશના લખીમપુર વિસ્તારમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના દિકરા આશિષ મિશ્રા ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર ન થતાં અને પોલીસ તંત્ર નું ઢીલું વલણ જાેતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમના ,જસ્ટિસ સૂર્યકાંતભાઈ અને જસ્ટીસ શ્રી હિમા કોહલી ની ખંડપીઠે સુઓમોટો અરજી દાખલ કરી ઉત્તર પ્રદેશની સરકારને આડે હાથે લેતા કથિત આરોપી આશિષ મિશ્રાને ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થવાની ફરજ પડી છે!

દેશમાં મુકત અને નીડર ન્યાયતંત્ર ના હોય તો દેશની આઝાદી નેતાઓના ભરોસે ટકે ખરી?! અત્રે એ ખાસ નોંધનીય છે કે ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી રંજન ગોગોઈ હતા ત્યારે તેમની ખંડપીઠમાં જસ્ટિસ શ્રી દીપકભાઈ ગુપ્તા, જસ્ટીસ શ્રી અનિરુદ્ધ બોઝે ઉનાવા ગેંગરેપ કેસમાં આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર હતો તે કેસમાં એક જ દિવસે સુપ્રીમ કોર્ટે ચાર હુકમો કર્યા હતા અને યુવતીને તાત્કાલિક રૂપિયા ૨૫ લાખનું વળતર આપ્યું હતું!

સુપ્રિમકોર્ટે ગુજરાતના પોલીસે કરેલા એક પાકિસ્તાની યુવક સામે ૫૦૦ની નકલી નોટ ના કેસ માં ગુજરાતની સેશન્સ કોર્ટ, હાઈકોર્ટ અને છેલ્લે ભારતની સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી રોહિગ્ટન ફ્લીનરીમાન, જસ્ટિસ શ્રી નવીન સિંહા, જસ્ટિસ ઇન્દિરા બેનર્જી ની બેન્ચે પાકિસ્તાની યુવક ને ૫૦૦ રૂપિયા નકલી નોટોના કેસમાં નિર્દોષ ઠરાવી છોડી મૂક્યો હતો! આ છે ‘ભારતનું ન્યાયતંત્ર’! જ્યારે દેશના બંધારણને નામે સોગંદ લઈ સત્તા ભોગતા નેતાઓ આટલા બધા સંવેદનહીન કઈ રીતે થઈ ગયા છે??!

લખીમપુર ખીરી ખેડૂત હત્યાકાંડમાં સુઓમોટો અરજી દાખલ કરી ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમના અને જસ્ટિસ શ્રી સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની ભૂમિકાએ રાજ્યગૃહમંત્રી અજયકુમાર મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડનો માર્ગ મોકળો થયો?!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.