Western Times News

Gujarati News

મેટ્રોમોનિયલ સાઈટ પરથી યુવતીને યુવકનો સંપર્ક કરવાનું મોંઘું પડ્યું

પ્રતિકાત્મક

યુવકે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા બાદ તરછોડી દીધી

અમદાવાદ, યુવાનો યોગ્ય જીવનસાથીની શોધ માટે અત્યારે મેટ્રોમોનિયલ સાઈટ પર વધુ સર્ચ કરતા થયા છે અને નોંધણી કરાવે છે તથા રૂપિયા પણ ખર્ચે છે. જાે આટલા પ્રયાસ અને આટલી આશા વચ્ચે કોઈના પર ભરોસો મૂકો તો થોડી તો સાવચેતી રાખવી જ જાેઈએ,

કારણ કે ભારત મેટ્રોમોનિયલ મેરેજ સાઈટ પરથી પરિણીત યુવતીને ચાંદખેડાના યુવકનો સંપર્ક કરી મિત્રતા કરવાનું મોંઘું પડ્યું છે. યુવકે લગ્નની લાલચ આપી યુવતીને હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા બાદ તેને તરછોડી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

વાઘોડિયામાં રહેતી અને સ્ટોરમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી ર૪ વર્ષીય યુવતીએ ધ્રુમિત સોલંકી વિરૂધ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીના લગ્ન વર્ષ ર૦૧૩માં સમાજના રિતરિવાજ મુજબ થયાં હતા. જાે કે વર્ષ ર૦૧૯માં પતિ સાથે અણબનાવ બનતાં તેણે કોર્ટ કેસ પણ કર્યો હતો, જે હજુ ચાલુ છે.

યુવતીએતેના મોબાઈલમાં ભારત મેટ્રોમોનિયલ મેરેજ સાઈટ પર બાયોડેટા અપલોડ કરીને એકાઉન્ટ બનાવ્યું હતું. જુલાઈ-ર૦ર૧માં યુવતી ભારત મેટ્રોમોનિયલ સાઈટ પરથી ધ્રુમિત સોલંકીના સંપર્કમાં આવી હતી.

યુવતી અને ધ્રુમિત બન્ને વચ્ચે વાતચીત થયા બાદ લગ્ન કરવાનું નક્કી થયું હતું. થોડા દિવસ પહેલાં યુવતી તેની નોકરી પર હતી ત્યારે ધ્રુમિતે તેને ફોન કરીને મળવા માટે બોલાવી હતી, જેથી યુવતી રાત્રે બસમાં બેસી ચાંદખેડા ધ્રુમિતને મળવા પહોચી ગઈ હતી. ધ્રુમિત તેને ચાંદખેડાની એક હોટલમાં લઈ ગયો હતો, જ્યાં ધ્રુમિતે યુવતી સાથે લગ્ન કરવાની વાતચીત કરીહતી.

ત્યારબાદ બન્ને વચ્ચે શારીરિક સંબંધ બંધાયો હતો. બીજા દિવસે યુવતી પરત વડોદરા નોકરી પર જતી રહી હતી. ત્યારબાદ ધ્રુમિત ફોન પર યુવતી સાથે સારી રીતે વાતચીત કરતો ન હતો. આ દરમિયાન ધ્રુમિતે યુવતીને મારાં બીજી જગ્યાએ લગ્ન નક્કી થઈ ગયા છે, જેથીહવે આપણી વચ્ચે વાતચીત થશે નહીં અને કોઈ પણ જાતનો સંબંધ રહેશે નહીં.

તેવી વાત કરી હતી. આ વાત સાંભળીને યુવતીએ ધ્રુમિતના ઘરે પહોંચી જઈ તેના માતા-પિતાાને બધી વાત કરી હતી. જેથી ધ્રુમિતનાં માતા-પિતાએ યુવતીને માફી માંગી હતી. યુવતીએ ધ્રુમિતને ફોન કર્યો હતો, પરંતુ તેણે ફોન ઉપાડ્યો ન હતો. આથી યુવતીએ ધ્રુમિત વિરૂધ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.