Western Times News

Gujarati News

કિસાનો પ્રાકૃતિક કૃષિ અપનાવે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

અમદાવાદના પીરાણા પીઠ ખાતે આયોજિત જમીન સુપોષણ અને સંરક્ષણ જન અભિયાન સમાપન સમારોહમાં રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ગરીમામયી ઉપસ્થિતિ

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતએ અમદાવાદ જિલ્લાના  પીરાણા પીઠ ખાતે આયોજિત જમીન સુપોષણ અને સંરક્ષણ જન અભિયાન સમાપન સમારોહમાં કિસાનોને પ્રાકૃતિક કૃષિ અપનાવવાનો અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલશ્રી એ કહ્યું કે,જમીન આપણી માતા છે અને આપણે તેના પુત્રો છે. ત્યારે આપણી ફરજ છે કે પ્રાકૃતિક કૃષિ અપનાવી આપણે તેનું સંરક્ષણ કરીએ અને તેને વધુ ફળદ્રુપ બનાવીએ.

શ્રી આચાર્ય દેવવ્રતે આ અવસરે જમીન પોષણ અને સંરક્ષણનું જન અભિયાન ચલાવવા બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

નોંધપાત્ર બાબત એ છે કે આ સંમેલનની શરૂઆત 2016માં નાગપુર ખાતે થઈ હતી જેમાં દેશભરમાંથી પ્રયોગધર્મી ખેડૂતોએ ભાગ લીધો હતો. આ અવસરે રાજ્યપાલશ્રીએ શ્રોતાઓ સાથે પોતાના કૃષિના પ્રયોગોના સંસ્મરણો પણ વાગોળ્યા હતા.

આચાર્ય દેવવ્રતે કહ્યું કે રાસાયણિક ખેતીથી ન માત્ર જનસમૂહના આરોગ્ય પર વિપરીત અસર થાય છે, પરંતુ આ ખેતી કિસાન માટે પણ આર્થિક બોજારૂપ બને છે.

રાજ્યપાલશ્રી એ હિમાચલ પ્રદેશમાં કઈ રીતે પ્રાકૃતિક ખેતીના પ્રયોગોને  જન આંદોલનમાં પરિવર્તિત થયા તેના પણ ઉદાહરણ આપ્યા હતા.

રાજ્યપાલ શ્રી જણાવ્યું કે ગુજરાતમાં પણ પ્રાકૃતિક કૃષિ અંગે જનજાગૃતિ ઉભી થઈ રહી છે અને આજે રાજ્યમાં બે લાખથી વધારે કિસાનો એ આ કૃષિ અપનાવી છે. તેમણે આ પ્રસંગે ગુજરાત સરકારે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો ઘોષિત કર્યો તેનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો. આ સંમેલનમાં મહાનુભાવોને  ગોબર અને માટીની બનાવેલી ગણેશજીની  મૂર્તિ પ્રતીકરૂપે ભેટ આપવામાં આવી હતી.

આ સમારોહમાં શ્રી ભાગૈયાજી, શ્રી જયરામસિંહજી પાટીદાર, પૂ.સ્વામી કાડસિદ્ધેશ્વર જી મહારાજ, પૂ.સ્વામી ભાવેશાનંદજી મહારાજ, પૂ. સ્વામી જ્ઞાનેશ્વરદાસજી મહારાજ, શ્રી મનોજભાઈ સોલંકી અને  ડો. ગજાનન ડાંગે ઉપસ્થિતિ રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.