Western Times News

Gujarati News

સંગીત એ સત્વ સુધી પહોંચવાનો સરળ માર્ગ છે

સંગીતથી સત્વ સુધી…
સાત સૂરોના સરનામે અમે, તમને મળવા આવ્યા.
સૂર શબ્દનાં સથવારે બે વાત મજાની લાવ્યા
-અંકિત ત્રિવેદી

સંગીત એ સત્વ સુધી પહોંચવાનો સરળ માર્ગ છે. સંગીત થકી તમે પરમાત્માને પણ પામી જ શકો છો. આપણી ભારતીય સંસ્કૃતિમાં યોગનો ખૂબ મહિમા છે. પતંજલિએ યોગના ૪ પ્રકાર પણ આપ્યા છે. તે આ પ્રમાણે છે. રાજયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ. આપણે ભક્તિ યોગ વિષે સાંભળ્યું જ છે.

ભક્તિયોગમાં પરમાત્માની ભક્તિ સેવા કરવી, ગ્તેમનું ધ્યાન કરવું તે છે. આ ભક્તિ યોગ દ્વારા જ નરસિંહ મેહતા, મીરાબાઈ, પ્રેમાનંદ, સંત તુલસીદાસ વગેરેએ પ્ર્માંત્માઓ સાક્ષાત્કાર કર્યો હતો. નરસિંહ મેહતાએ કૃષ્ણનાં પ્રભાતિયા ગાયા. નરસિંહ મેહતાને કેદાર રાગ પ્રિય હતો, મીરાંબાઈએ કૃષ્ણનાં ભજનો ગાયા.

પ્રેમાનંદે ગરબીઓ લખી, આમ આ ભક્તોએ ભક્તિયોગ, સંગીત, શબ્દોનો સમન્વય સાધી આધ્યાત્મિકતાની સફર ખેડી પરમાત્માને પામ્યા. આ વાટમાં સંગીત તમને સત્વ,ભક્તિ, પરમ્ત્વ સુધી આધ્યાત્મિકતા સુધી દોરી જાય છે. સંગીત આપણને ઘણા બધા ફાયદા પણ કરાવે છે… શારીરિકથી લઇ માનસિક શાંતિ સંગીત આપી શકે છે.

એવું માનવામાં આવે છે અને સંગીતના પરમ સાધકો-પંડિતો એવું કેહતા કે બ્રહ્માંડનો જયારે ઉદ્ભવ થયો ત્યારે સૌ પ્રથમ જે નાદ ઉદ્ભવ્યો તે પ્રથમ નાદ “ઓમ” હતો, જેને સાચી રીતે બોલવામાં તેનું ઉચ્ચારણ “અ ઉ મ” એમ થાય છે. સંગીતનો વેદ “સામવેદ” છે ને તેના પ્રમાણે “ઓમ” એ સંગીતનો “પ્રણવ મંત્ર” છે.

ઘણા ખરા સંગીત સાધકો કે શીખનારાઓ રિયાઝ પેહલા ઓમકાર કરી ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. ને જાે હવે સંગીતનાં ફાયદા વિષે વિસ્તારથી વાત કરીએ તો એ તમારી દવાઓ ઓછી કરાવી શકે એમ છે કે તમને લાંબા સમય સુધી યુવાન પણ રાખી શકે છે.

જાે શારીરિક ફાયદા વિષે વાત કરીએ તો ગાવાથી કે રીયાઝથી મો કે જડબાના દુખાવામાં રાહત મળી શકે છે. સા થી સા ગાવાથી મોના સ્નાયુઓને કસરત મળે છે. તમારા બ્લડપ્રેશરમાં પણ રાહત મળે છે. કારણકે સાત સૂરોના સપ્તક કે અલંકારોનાં અભ્યાસથી શરીરના આંતરીક અવયવોની કામગીરી પર, સ્નાયુઓ પર પ્રભાવ પડવાથી તે વેગવંતા બને છે ને તેને કસરત મળવાથી લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિતપણે જળવાઈ રહે છે.

ગાવા માટે હમેશા ટટ્ટાર બેસવું પડે છે જેથી કરોડરજ્જુ સીધી રહે છે ને કમરનાં દુખાવા થતાં નથી અથવા તેમાં રાહત મળે છે. ગાવાથી જે સ્નાયુઓને કસરત મળે છે તેનાથી શરીર સ્વસ્થ રહે છે ને શરીર સ્વસ્થ તો મન પણ પ્રસ્સન રહે છે. તેનાથી શરીર પર ઉષ્મા બરકરાર રહે છે ને તેનાથી શરીર જલ્દી ઘરડું નથી થતું.

આ સિવાય જાે માનસિક શાંતિ વિષે વાત કરીએ તો સંગીતમાં ત્રણ સપ્તકો હોય છે જે ગાવાની જગ્યાઓ શરીરમાં અલગ અલગ હોય છે. મંદ્ર સપ્તક એટલે કે મધ્ય સપ્તકના સા થી જે નીચા સૂરોમાં ગવાય છે તે અને તે નાભીમાંથી ગવાય છે. મધ્ય સપ્તક તે તમારા પોતાના સહજ રીતે ગઈ શકાય તે અવાજમાં કે જે મો કે ગળાથી ગવાય છે.

તથા તાર સપ્તક કે ઊંચા સુર ઉપરના સા થી શરુ થાય, કે જે મસ્તિષ્ક કે તાળવાથી ગવાય છે. જયારે પણ તમે સંગીતની સાધના એટલે કે રીયાઝ કરવા બેઠા હોવ તો તમને શાંતિનો અનુભવ થાય છે. જાે તમે એમાં લીન થઈ જાઓ તો તેનાથી માનસિક તણાવ પણ દુર થાય છે તથા મન-મગજને શાંતિ મળે છે.

જાે તમે શાંત રાગો ગાઓ કે અમુક પ્રકારના સુફી ગીતો, ભજનો, ઠુમરી, દુહા વગેરે પણ સાંભળો તો પણ મન-મગજ સ્થિર થાય છે. શૃંગારિક રાગો, વીરરસ, શાંતરસ કે ભક્તિરસ પ્રદર્શિત કરતા રાગો હોય છે. સંગીતમાં અમુક રાગો ગાવાનો સમય પણ નિર્ધારિત હોય છે. મંદ્ર સપ્તક સવારે સરળતાથી ગાઈ શકાય છે. મધ્ય સપ્તક કોઈ પણ સમયે ગાઈ શકાય છે.

ભક્તિરસ કે શાંતરસ વાળા રાગ સવારે ગવાય છે. શૃંગારરસ વાળા રાગો સાંજે ક રાત્રે ગાઈ છે. સંગીતનાં અભ્યાસથી એકાગ્રતા પણ વધે છે જેનાથી મગજ તીક્ષ્ણ થાય છે. ને તમે રોગમુક્ત જીવન સંગીત સાથે રહી જીવી શકો છો. તથા સંગીતના પ્રણવ મંત્ર “ઓમ”ના ઉચ્ચારણથી તમે પરમ શાંતિનો અનુભવ કરી અનંત ઈશ્વર સાથે તાદ્‌ત્મ્ય પણ સાધી શકો છો કે જે યોગનો જ એક ભાગ કહી શકાય છે. જેનાથી મનની શાંતિ ને સ્થિરતા મેળવી સુખી જીવન તમે સંગીતને સાથે રાખી જીવી શકો છો. અસ્તુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.