Western Times News

Gujarati News

સરકારે ગ્રીન એનર્જી કોરિડોરના બીજા તબક્કાને મંજૂરી આપી

નવી દિલ્હી, ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. આ પૈકી ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ ગ્રીન એનર્જી કોરિડોરના ફેઝ-2ને પણ આજે કેન્દ્રની મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપી હતી.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આજે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેબિનેટની બેઠકમાં ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ ગ્રીન એનર્જી કોરિડોરના ફેઝ-2ને આજે મંજૂરી આપવામાં આવી છે.

આ પ્રોજેક્ટ પર લગભગ 12,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આનાથી 10750 સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઇનનું નિર્માણ થશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે બીજા તબક્કામાં દેશના સાત રાજ્યો ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને રાજસ્થાનમાં 10750 સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઇનનું નિર્માણ કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં થયેલા કામની માહિતી શેર કરતાં કહ્યું કે, તબક્કા-1નું લગભગ 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. ગ્રીન એનર્જી કોરિડોરના બીજા તબક્કાની મંજૂરીની સાથે જ કેબિનેટની બેઠકમાં ભારત અને નેપાળ વચ્ચે ધારચુલા ખાતે મહાકાલી નદી પર પુલ બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આને લગતા એમઓયુ પર ટૂંક સમયમાં હસ્તાક્ષર કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આનાથી ઉત્તરાખંડમાં રહેતા લોકોને ફાયદો થશે અને નેપાળ બાજુ રહેતા લોકોને પણ ફાયદો થશે.

નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગ્રીન એનર્જી પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પરંપરાગત પાવર સ્ટેશનોની મદદથી ગ્રીડ દ્વારા ગ્રાહકોને સૌર અને પવન ઉર્જા જેવા પર્યાવરણને અનુકૂળ સ્ત્રોતોમાંથી વીજળી ટ્રાન્સફર કરવાનો છે. 2015-16માં, મંત્રાલયે ગ્રીન એનર્જીમાંથી ઉત્પાદિત પાવરનો ઉપયોગ કરવા માટે ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.