Western Times News

Gujarati News

૨૭મીથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્‌સ શરૂ થવાની હોઈ ભાડા ૪૦% ઘટી શકે

નવી દિલ્હી, ક્રૂડ ઓઈલના ભાવ વધે ત્યારે તરત એરફેરમાં પણ વધારો થતો હોય છે અને હવાઈ મુસાફરી મોંઘી બની જાય છે. પરંતુ તાજેતરમાં સરકારની એક જાહેરાત બાદ હવાઈભાડા ૪૦ ટકા સુધી ઘટવાની શક્યતા છે.

સરકાર ૨૭ માર્ચથી આંતરરાષ્ટ્રીય હવાઈસેવાને પૂર્વવત કરવા જઈ રહી છે. તેના કારણે ઇન્ટરનેશનલ ફ્લાઈટની સંખ્યા વધી જશે અને એરફેરમાં લગભગ ૪૦ ટકા સુધી ઘટાડો થવાની ધારણા છે. કોવિડના કારણે લગભગ બે વર્ષ સુધી હવાઈ મુસાફરી પર અનેક પ્રકારના નિયંત્રણો હતા. હવે આ નિયંત્રણો દૂર થઈ રહ્યા છે અને ફ્લાઈટની સંખ્યા વધવાની છે જેથી એરફેર સસ્તા થશે તેમ આ સેક્ટરના નિષ્ણાતો માને છે.

જર્મનીની લુફ્થાન્સા અને ગ્રૂપ કેરિયર સ્વિસ આગામી કેટલાક મહિનામાં પોતાની ફ્લાઈટની સંખ્યા બમણી કરવાનો ર્નિણય લીધો છે. જ્યારે સિગાપોર એરલાઈન્સ તેની ફ્લાઈટની સંખ્યામાં ૧૭ ટકા સુધી વધારો કરે તેવી શક્યતા છે. ડોમેસ્ટિક એરલાઈન ઈન્ડિગો પણ ફ્લાઈટની સંખ્યા વધારવા માટે સજ્જ છે. આગામી બે-ત્રણ મહિનામાં ઈન્ડિગો એરલાઈન્સ ૧૦૦થી વધુ ગ્લોબલ ફ્લાઈટ શરૂ કરવા વિચારે છે.

હાલમાં કેટલાક દેશો સાથે થયેલી વ્યવસ્થા પ્રમાણે એરલાઈન્સ મર્યાદિત સંખ્યામાં ઉડાન ભરે છે. ભારતે નિયમિત ઇન્ટરનેશનલ ફ્લાઈટ્‌સ પર પ્રતિબંધ મુકી દીધો છે. વિમાનોમાં લિમિટેડ સીટ ઉપલબ્ધ હોવાના કારણે હવાઈભાડા ૧૦૦ ટકા સુધી વધી ગયા છે. ભારત-અમેરિકા જેવા રૂટ પર ટિકિટના દર બે વર્ષ પહેલાંની સરખામણીમાં બમણાં થઈ ગયા છે.

ટ્રાવેલ પોર્ટલ લેક્સિગોના ગ્રૂપ ચીફ એક્ઝિક્યુટિવ અશોક બાજપેયીએ જણાવ્યું કે, રેગ્યુલર ઇન્ટરનેશનલ ફ્લાઈટ્‌સ બંધ થવાના કારણે માંગ અને પૂરવઠા વચ્ચે ખાઈ પેદા થઈ છે. બબલ એરેન્જમેન્ટના રૂટ વચ્ચે એરફેરમાં ભારે વધારો થયો છે. હવે એરલાઈન્સ ફરીથી પહેલાની કેપેસિટીએ કામ કરવા લાગશે તેથી એરફેરમાં ભારે ઘટાડો થશે.

ગયા વર્ષે ક્રૂડ ઓઈલ વધવાના કારણે એટીએફના રેટમાં ૧૦૦ ટકાનો વધારો થયો હતો. આ વર્ષે પણ એવિયેશન ટ્રબાઈન ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં પાંચ વખત વધારો થયો છે. આવી સ્થિતિમાં ફ્લાઈટ્‌સની સંખ્યા વધશે તો ગ્રાહકોને ઘણો ફાયદો થશે.

સિંગાપોર એરલાઈન્સ હાલમાં ભારતમાં ૮ શહેરમાંથી સાપ્તાહિક ૫૨ ફ્લાઈટનું સંચાલન કરે છે. ૨૧ માર્ચથી તે ૬૧ વીકલી ફ્લાઈટ શરૂ કરવાની યોજના ધરાવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.