Western Times News

Gujarati News

75થી વધુ સંસ્થાઓને ઇન્ટરનેશનલ લાઇફ સેવર એવોર્ડથી સન્માનીત કરાઇ

અંદાજે 1 લાખ યુનિટ રક્ત એક્ઠું કરીને આ સંસ્થાઓએ માનવ સેવાનું ઉત્તમ કાર્ય કરીને સૌને એક્તાનો પરિચય આપ્યો છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત

નેશનલ ઇન્ટિગ્રેટેડ ફોરમ ઓફ આર્ટિસ્ટ એન્ડ એક્ટિવિટ્સ દ્વારા ઇન્ટરનેશલ લાઇફ સેવર એવોર્ડ સેરેમનીનું આયોજન થયું

નેશનલ ઇન્ટિગ્રેટેડ ફોરમ ઓફ આર્ટિસ્ટ એન્ડ એક્ટિવિટ્સ દ્વારા આયોજીત ઇન્ટરનેશલ લાઇફ સેવર એવોર્ડ સેરેમનીમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ 75થી વધુ સંસ્થાઓને સન્માનિત કરતા કહ્યું કે, કોરોનાકાળ દરમ્યાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇએ સમગ્ર દેશવાસીઓને હાકલ કરી હતી કે

આ પરિસ્થિતિમાં સૌ એકબીજાની મદદ કરે ત્યારે આ સંસ્થાઓએ એ સમય દરમ્યાન જે રક્ત એક્ઠું કરવાનું ભગીરથ કાર્ય ઉપાડ્યું અને 1 લાખથી વધુ યુનિટ રક્ત એક્ઠું કરીને પ્રધાનમંત્રીશ્રીએ આપેલા કોલને સાર્થક કર્યુ છે અને સૌને એક્તાનો પરિયચ પણ આપ્યો છે.

રાજ્યપાલશ્રીએ કહ્યું કે, 23 માર્ચ 2021ના રોજ 90મી શહિદ ભગતસિંહની પૂણ્યતિથી શરૂ થયેલું આ અભિયાન યુવાનો માટે એક પ્રેરણારૂપ સાબિત થયું છે. યુવાઓએ પણ આગળ આવીને વધુમાં વધુ રક્તદાન કરવું જોઇએ એમ રાજ્યપાલશ્રીએ યુવાનોને અપિલ પણ કરી હતી.

રાજ્યપાલશ્રીએ કહ્યું કે, લોહીનો સંબંધ ખૂબ જ મોટો હોય છે. રક્તદાન કરીને એક વ્યક્તિ બીજાને જીવન આપવાનું કામ કરે છે અને માનવને એકબીજા સાથે જોડવાનું પણ કાર્ય કરે છે. આમ રક્તદાનથી મોટું દાન બીજુ કોઇ જ નથી.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ આ ભગીરથ કાર્ય સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓનો આભાર વ્યક્ત પણ કર્યો હતો.
આ અવસરે નીફાના નેશનલ ચેરમેનશ્રી પ્રીતપાલસિંહે જણાવ્યું કે, શહિદ વીર ભગતસિંહની 90મી પૂણ્યતિથીથી શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત અમે દેશના બધા રાજ્યો ફરીને અંદાજિત 1500થી વધુ બ્લડ ડોનેશન કેમ્પ કર્યા હતા. આ બ્લડ ડોનેશન કેમ્પ થકી અંદાજે 1 લાખ જેટલા યુનિટ રક્ત એક્ઠું કર્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે, આપણા દેશમાં રક્તદાનને લઇને યુવાનોએ વધુ જાગૃત થવાની જરૂર છે કેમ કે માત્ર 10 ટકા યુવાનો જ રક્તદાન કરી રહ્યા છે, બાકીના 90 ટકામાં હજુ રક્તદાનને લઇને જાગૃતિ આવી નથી એટલે યુવાનોએ રક્તદાન માટે આગળ આવવું જોઇએ.

આ પ્રસંગે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી ડોક્ટર ભાવેશ આચાર્ય, હાર્ટ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી ડોક્ટર નીતિન સુમન શાહ, નીમાના પ્રેસિડેન્ટ શ્રી હસમુખભાઈ વૈદ્ય, સંવેદના પ્રોજેક્ટના કન્વીનર અનિલભાઈ ખત્રી, શ્રી સંજીવભાઇ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.