Western Times News

Gujarati News

મોરબીમાં કન્ટેનરની ચોરીનું કૌભાંડ ઝડપાયું

મોરબી, સામાન્ય રીતે સોના, ચાંદી અને રોકડની ચોરી થતી હોવાનુ આપણે સાંભળ્યું છે પરંતુ મોરબીમાં કન્ટેનર ચોરીનું કૌભાંડ ઝડપાયું. મોરબીના અમરેલી રોડ ઉપર બાવળની કાંટમાં ખુલ્લી જગ્યામાં અનઅધિકૃત રીતે કન્ટેનર ચોરી કરીને લઈને આવતા હતા અને તેનું કટીંગ કારવામાં આવતું હતું જેની એલસીબીની ટીમને બાતમી મળતા પોલીસે હાલમાં કન્ટેનરનો ભંગાર બનાવીને વેચાતા ચાર શખ્સોની ઝડપી પાડીને ૧૩,૮૨,૯૫૦ નો મુદામાલ કબજે કર્યો છે.

મોરબી જિલ્લામાં ચોરીના ગુનામાં આરોપીને શોધી કાઢવા માટે એલસીબીની ટીમને સૂચના આપવામાં આવી હતી જેથી પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સુચના મુજબ પીએસઆઈ એન.બી.ડાભી તેમજ એન.એચ.ચુડાસમા સહિતનો સ્ટાફ કામ કરી રહયો હતો ત્યારે એલસીબીના ચંદુભાઇ કાણોતરા તથા દશરથસિંહ પરમારને એક બાતમી મળી હતી. જેના આધારે મોરબીના અમરેલી રોડ ઉપર આવેલ મહાકાળી માતાજીની દેરી પાસે રેડ કરી હતી.

ત્યારે બાવળની કાંટમાં ખુલ્લી જગ્યામાં કન્ટેનર ઉતારવામાં આવ્યા હતા અને અમુક ઇસમો દ્વારા કન્ટેનરનું કટીંગ કરીને તેનો ભંગાર કરી વેચવામાં આવતો હતો અને જયારે પોલીસે રેડ કરી ત્યારે સ્થળ ઉપર ચાર કન્ટેનર, ૧૧ કન્ટેનરના કટીંગનો લોખંડનો ભંગાર, ગેસના નાના મોટા ૪ સિલેન્ડર, ૩ ગેસ કટર ગન સહિત અન્ય સાધનો મળીને આવતા ૧૩,૮૨,૯૫૦ નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.

જે આરોપીને પકડવામાં આવ્યા છે તેમાં રવિ વિનોદભાઇ પંસારા, નકુલ કરશનભાઇ મંદરીયા, મહેન્દ્ર ભરતભાઇ સોલંકી તથા ફિરોજ રહીમભાઇ મમાણીનો સમાવેશ થાય છે.આરોપીઓની પૂછપરછમાં વધુ બે શખ્સ મહાવીરસિંહ ભાનુભા અને ભવ્યરાજસિંહ ઉર્ફે ભાનુભાનાં નામ સામે આવ્યા છે. હાલ પોલીસે આ શખ્સોને ઝડપી પાડવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે. હાલમાં છ શખ્સોની સામે મુંદ્રા મરીન પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો ગુનો નોંધીને ત્યાંની પોલીસ દ્વારા આગળની તપસ શરૂ કરવામાં આવી છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.