Western Times News

Gujarati News

બોરસદના મોટા ભાગના વિસ્તારો બેટમાં ફેરવાયાઃ કેડસમા પાણી ભરાયા

Borsad rain

આણંદ, આણંદ જિલ્લાના બોરસદમાં આભ ફાટતાં છ કલાકમાં લગભગ સાડા અગિયાર ઈંચ વરસાદ ખાબકતા ઠેરઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી.

અને સમગ્ર બોરસદ તાલુકો પાણી-પાણી થઈ ગયો હતો. મધરાતે અચાનક ધોધમાર વરસાદ વરસતા મીઠી નીંદર માણી રહેલ લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને રાત્રિના ઉજાગરા કરવાની ફરજ પડી હતી અને ભારે વરસાદમાં બોરસદ તાલુકામાં લગભગ ૨૦ જેટલા પશુઓના મોત નીપજ્યા હોવાના પણ અહેવાલ સાંપડયા છે.

જેમાં જિલ્લાના બોરસદ તાલુકામાં રાત્રિના લગભગ અગિયાર કલાકની આસપાસના સુમારે વરસાદની શરૂઆત થઈ હતી. ત્યારબાદ ધીમે ધીમે વરસાદનું જોર વધ્યું હતું અને રાત્રિના બાર કલાકથી સવારના ચાર કલાક સુધી અવિરતર ધોધમાર વરસાદ વરસતા સમગ્ર બોરસદ તાલુકો પાણી-પાણી થઈ ગયો હતો.

માત્ર છ કલાકના સમયગાળામાં બોરસદ તાલુકામાં લગભગ સાડા અગિયાર ઈંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર-ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. સમગ્ર બોરસદ શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલ ભારે વરસાદના કારણે ઠેરઠેર કેડસમા પાણી ભરાઈ ગયા હતા.

મોડી રાત્રિના સુમારે પડેલ ધોધમાર વરસાદને લઈ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા સ્થાનિકોને રાતભર ઉજાગરા કરવાનો વારો આવ્યો હતો અને કેટલાક લોકોએ મકાનના ઉપરના માળે શરણું લેવું પડયું હતું.

એક જ રાત્રિમાં બોરસદ તાલુકામાં લગભગ સાડા અગિયાર ઇંચ વરસાદ ખાબકતા મોટા ભાગના વિસ્તારો બેટમાં ફેરવાયા હતા અને ઠેરઠેર પશુધન સહિત ઘરવખરીને ભારે નુકશાન પહોંચ્યું હતું. તો કેટલોક સીમ વિસ્તાર સંપર્ક વિહોણા પણ બન્યો હતો.

ભારે વરસાદને પગલે સવારના સુમારે વહીવટીતંત્રની ટીમો વિવિધ વિસ્તારોમાં કામે લાગી હતી અને સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હોવાના અહેવાલ સાંપડયા છે. આજે સવારના સુમારે પણ કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ જોવા મળ્યા હતા. આગામી અડતાલીસ કલાક દરમ્યાન મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહીને લઈ હાલ બોરસદવાસીઓના જીવ પડીકે બંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.