Western Times News

Gujarati News

ભારે વરસાદથી ડાંગ જિલ્લાના હાલ બેહાલ

ડાંગ, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. ડાંગ જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી અવિતર વરસાદ ખાબકી રહ્યો છે. ભારે વરસાદથી ડાંગ જિલ્લાની તમામ નદીઓમાં પૂર આવ્યા છે. બીજી તરફ જંગલના રસ્તાઓમાં ભેખડ ધસી પડવાના બનાવો બની રહ્યા છે.

ડાંગના સુબીર તાલુકાના બરડીપાડા-મહાલ માર્ગ પર ભેખડ ધસી પડતા લોકો ફસાયા હતા. મળતી માહિતી પ્રમાણે ભેખડ ધસી પડતાં બરડીપાડાના સ્થાનિક લોકો ફસાયા હતા. ખરીદી માટે સુબીર બજારમાં ખરીદી ગયેલા લોકો પરત ફરતા હતા ત્યારે ભેખડ ધસી પડવાને કારણે તેઓ અટવાયા હતા.

બીજી તરફ જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશ ગામીતે પોતાના જેસીબી મશીન મારફતે તમામ લોકોને હેમખેમ ઘરે પહોંચાડ્યા હતા. એવી પણ માહિતી મળી છે કે જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશ ગામીતે પોતાના જેસીબીથી ભેખડ ધસી પડી હતીએ માર્ગ ખુલ્લો કરવાની કામગીરી આરંભી હતી.

ભેખડ ધસી પડવાને કારણે વન વિભાગના કર્મચારી અટવાયા હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે બરડીપાડાથી મહાલ રોડ પર આવેલા ધોધ પાસે રોડ ધોવાયા ગયો હતો. ઉપરથી પાણીના પ્રવાહ સાથે પથ્થરો અને માટી રસ્તા પર આવી ગયા હતા. જે બાદમાં રસ્તો બંધ થઈ ગયો હતો.

વરસાદ દરમિયાન ડાંગની સુબીર તાલુકામાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા ૧૮ કલાકમાં ૧૬૪ તાલુકામાં મેઘો મહેરબાનઃ રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી સાવર્ત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા ૧૮ કલાકમાં કુલ ૧૬૪ તાલુકમાં વરસાદ વરસ્યો છે.

સૌથી વધુ દક્ષિણ ગુજરાતના કપરાડામાં ૧૧ ઇંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજી બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારે છે.

આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી આંકડા પ્રમાણે, રાજ્યનાં કુલ ૧૬૪ તાલુકમાં વરસાદ વરસ્યો છે. આ સાથે વલસાડ કપરાડામાં ૧૧ ઇંચ, ડાંગના સુબીરમાં ૯.૪૪ ઇંચ, પારડીમાં ૯ ઇંચ, ધરમપુરમાં ૮.૫૨ ઇંચ, નવસારીમાં ખેરગામમાં ૭.૫૬, વડોદરાના ડભોઇમાં ૮ ઇંચ, વાસંદામાં ૬.૮૮, વલસાડમાં વાપી ૬.૮૮ ઇંચ, નર્મદાના નાંદોદમાં ૭ ઇંચ, ડાંગના આહવામાં ૬.૦૮ ઇંચ, ડાંગ વઘઇમાં ૫.૫૬ ઇંચ, કરજણમાં ૫ ઇંચ વરસાદ નોંધાયો છે.

બીજી તરફ આગામી પાંચ દિવસ હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં સરેરાશ ૪૬.૭૦ % વરસાદ નોંધાયો છે, કચ્છમાં ૯૭.૫૪ ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં ૨૬.૨૫ ટકા વરસાદ નોંધાયો છે, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૩૭.૯૨ % વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં ૪૭.૨૩ % વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં ૫૭.૩૬ ટકા વરસાદ નોંધાયો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.