Western Times News

Gujarati News

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે ના ભાગ રૂપે તૈયાર થઈ રહેલા વડોદરા-મુંબઈ એકસપ્રેસ-વે નું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે

દિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વે ગુજરાતના વિકાસને નવી ચેતના આપશે:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

સુરત જિલ્લાના માંડવી તાલુકાના કરંજ ગામે વડોદરા-મુંબઈ એકસપ્રેસ-વે ના નિર્માણકાર્યની મુલાકાત લેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરત જિલ્લાના માંડવી ખાતેના કરંજ ગામેથી પસાર થતા વડોદરા-મુંબઈ એકસપ્રેસ-વે ના નિર્માણની કામગીરીના સ્થળ મુલાકાત લઈને તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. આ એકસપ્રેસ-વે ગુજરાતના વિકાસને નવી ચેતના આપશે તેવો મત તેમણે વ્યકત કર્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વડોદરા-મુંબઈ એકસપ્રેસ-વે પ્રોજેક્ટની પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્વારા વિગતો મેળવી અને પ્રોજેકટની વિડીયો ફિલ્મને પણ નિહાળી હતી.

ભારતના સૌથી લાંબા ૧૩૫૦ કિ.મી. અને અંદાજે રૂા.૯૮ હજાર કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા દિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વે ના નિર્માણનું કાર્ય રોકેટ ગતિએ ચાલી રહ્યું છે. જે પૈકી ગુજરાતમાંથી ૪૨૩ કિ.મી.નો એકસપ્રેસ-વે પસાર થાય છે. અન્ય રાજયોની સરખામણીએ આ મહત્તમ લંબાઈ છે. ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડ જિલ્લામાંથી પસાર થાય છે. આ એક્સ્પ્રેસ-વે નિર્માણથી મુસાફરીનો સમય ૨૪ કલાકથી ઘટીને ૧૩ કલાકનો થશે.

આ પ્રોજેક્ટએ કેન્દ્રના ભારતમાલા પરિયોજના હેઠળ ભારત સરકારનો મુખ્ય પ્રોજેક્ટ છે. નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યું છે. એક્સપ્રેસ-વે ના નિર્માણથી રોજગારીની તકો વિપુલ તકો ઉભી થશે અને દેશના આર્થિક વિકાસને નવી ઉંચાઈ પર લઈ જશે

આ હાઈવેના નિર્માણથી અંદાજિત ૩૨૦ મિલીયન લિટરથી વધુની વાર્ષિક ઇંધણ બચત થશે. જેનાથી આયાત બિલ તેમજ કાર્બન ફૂટપ્રિન્ટ્સમાં ઘટાડો થશે.

આ હાઈવે ગુજરાતના દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓ (VME)માંથી પસાર થાય છે. જે હાલના NH – ૪૮ની સરખામણીમાં બંને શહેરો વચ્ચેનું મુસાફરી અંતર ૧૩૨ કિ.મી. ઘટાડશે.

DMEની ૧૨૦ કિમી/કલાકની ઝડપ માટે ડિઝાઇન કરવામાં આવી છે જે મુસાફરીના સમયને લગભગ ૫૦ ટકા ઘટાડવામાં મદદ કરશે. એક્સપ્રેસ-વે હાલના NH – 48 પરની ભીડને ઓછી કરશે.

અકસ્માતો અને જાનહાનિમાં ઘટાડો થશે. લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડાની સાથે ભારતીય ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં સ્પર્ધાત્મક બનાવીને મેક-ઇન-ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરશે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે (DME) બે ભાગમાં વહેંચાયેલો છે.(૧) દિલ્હી-વડોદરા એક્સપ્રેસવે ( DVE )  (૨) વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે ( VME )

VME પ્રોજેક્ટને કામને વહેલીતકે પૂર્ણ કરવા માટે ૧૩ પેકેજોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. જેમાંથી ૯ પેકેજો સિવિલ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ૨ પેકેજમાં કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. હાલની માળખાકીય સુવિધાઓને પાર કરવા માટે પૂરતી સંખ્યામાં ફ્લાયઓવર, ROBS, મુખ્ય બ્રિજ, નાના પુલો, અંડરપાસ અને કનેક્ટિંગ રોડની દરખાસ્ત કરવામાં આવી છે.

દર ૭૫-૧૦૦ કિલોમીટરના અંતરે સુવિધાઓ તેમજ પાર્કિંગ વિસ્તારોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એર એમ્બ્યુલન્સ માટે હેલિપેડ, ફ્યુઅલ સ્ટેશન, ફૂડ કોર્ટ/ધાબા, ઓટો વર્કશોપ, હોટેલ અને કન્વેન્શન સેન્ટર, વેરહાઉસ અને લોજિસ્ટિક્સ જેવી સુવિધાઓ હશે.

VME એક્સપ્રેસવે પર ટ્રાફિકની દેખરેખ અને નિયમન માટે અને રસ્તાના ઉપયોગકર્તાઓ માટે કટોકટી સંચાર સ્થાપિત કરવા માટે અદ્યતન ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમથી સજ્જ હશે. VME એ જાળવણીની જરૂરિયાતો ઘટાડવા માટે ઉચ્ચ-શક્તિવાળા કોંક્રિટના ટોચના સ્તર સાથેનો કોંક્રિટ પેવમેન્ટ છે. VME ના સંરેખણમાં એવન્યુ અને મધ્યમ વાવેતર તરીકે ૬.૫૦ લાખથી વધુ વૃક્ષો/છોડ વાવેતર કરવામાં આવશે.

 સુરત જિલ્લામાંથી પસાર થતા એકસપ્રેસ વેની ઝલક:

સુરત જિલ્લામાંથી ૫૫ કિ. મી. VME એકસપ્રેસ-વે પસાર થાય છે. માંગરોળ, કામરેજ, માંડવી, પલસાણા અને બારડોલી તાલુકાના ૩૭ ગામોમાંથી પસાર થશે. જેના કાર્યની ૫,૬ અને ૭ એમ ત્રણ પેકેજમાં વહેચણી કરવામાં આવી છે.

જેમાં પ મું પેકેજ ૭ કિ. મી.,૦૬ પેકેજમાં કિમ માંડવી રોડ ક્રોસ કરીને માંડવી તાલુકા (વીરપોર, રોસવડ અને કરંજ ગામો)માંથી પસાર થાય છે જેની લંબાઈ ૩૬.૯૩ કિ.મી. છે.  સાતમું પેકેજ ૧૧ કિ.મીટર છે.

સુરત જિલ્લામાં મોટી નરોલી તથા એના ગામે એકસપ્રેસ-વે ની એન્ટ્રી તથા એકઝીટ રાખવામાં આવી છે. મોટી નરોલી ખાતે NH-48 સાથે કનેકટીવીટી અને એના ખાતે NH-૫૩ સુરત-ધુલિયા સાથે કનેકટ થશે.  આ અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે જિલ્લા પંચાયતના સ્વ. ભંડોળમાંથી કરંજ ગામની પ્રાથમિક શાળાને બે કોમ્પ્યુટર લેબ અર્પણ કરાયા હતા.

આ પ્રસંગે માર્ગ અને મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવા, ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાવેશભાઇ પટેલ, જિલ્લા પક્ષ પ્રમુખ શ્રી સંદિપભાઈ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી. એસ. ગઢવી, સુરત ખાતેના VME પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી તુષાર વ્યાસ, મેનેજર સિધ્ધાર્થ તેમજ સ્થાનિક પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.