Western Times News

Gujarati News

“હર ઘર તિરંગા” ઝુંબેશને સફળ બનાવવા ઘરે-ઘર રાષ્ટ્રધ્વજ ફરકાવવા પોલીસ જવાનો દ્વારા કરાયેલી અપીલ

રાજપીપલા નગર દેશભક્તિના રંગમાં રંગાયુ

“હર ઘર તિરંગા” ઝુંબેશ અંતર્ગત રાજપીપલાના પોલીસ જવાનોનો રાષ્ટ્રધ્વજ સાથે રાષ્ટ્રપ્રેમ છલકાયો

૧૫૦ પોલીસના જવાનોની તિરંગા બાઈક રેલી-તિંરગા યાત્રા જોતા નગરજનોમાં દેશભક્તિની લહેર દોડી ગઈ

રાજપીપલા,  નર્મદા જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને અનુલક્ષીને રાજપીપલા નગરમાં જિલ્લા પોલીસના જવાનો દેશભક્તિના રંગમાં રંગાયુ હોય તેવો નજારો જોવા મળ્યો હતો. કહી શકાય કે રાજપીપલા પોલીસ જવાનોનો રાષ્ટ્રધ્વજ સાથે રાષ્ટ્રપ્રેમ છલકાયો હતો. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત રાષ્ટ્રનિર્માણ માટેની પ્રતિબધ્ધતાને મૂર્ત સ્વરૂપ આપવા

તેમજ દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે આપણો રાષ્ટ્રધ્વજ ‘તિરંગો’ ઘરે-ઘર ફરકાવવાના ઉદેશ્ય-સંદેશ સાથે આજરોજ નાયબ પોલીસ અધિક્ષક શ્રીમતી સી.એન.ચૌધરીના અધ્યક્ષસ્થાને મુખ્યમથક સહિત ડેડીયાપાડા-સાગબારા પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, હોમગાર્ડ/ટી.આર.બી જવાનો દ્વારા ‘હર ઘર તિરંગા’ ઝુંબેશ અંતર્ગત જાહેર જનતામાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરવા અને ઘરે-ઘર તિરંગો ફરકાવવા અંગે વિશાળ પાયે રાષ્ટ્રીય ધ્વજ સાથે તિરંગા બાઈક રેલી અને પોલીસ માર્ચ પાસ્ટ પરેડ યોજાઈ હતી.

પોલીસ વિભાગ સાથે સંકળાયેલા અંદાજિત ૧૫૦ પોલીસના જવાનોની આ તિરંગા યાત્રા જોતા નગરજનોમાં દેશભક્તિની લહેર દોડી ગઈ હતી. જવાનો દ્વારા રાષ્ટ્રધ્વજના સન્માનમાં પ્રારંભાયેલી તિરંગા બાઈક રેલી અને માર્ચ પાસ્ટ પરેડ થકી રાજપીપલા નગરવાસીઓને પોતાના ઘરે તિરંગો ફરકાવવા અંગે અપીલ કરાઈ હતી.

આ પરેડ દરમિયાન જવાનોની એકતા અને અનુસાશન લોકો માટે ખરેખર પ્રેરણારૂપ બની રહી હતી. જવાનોના હાથમાં એક સાથે તિરંગો લહેરાતા જોઈ આસપાસના તમામ લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના દોડી ગઈ હતી અને સૌ દેશભક્તિના રંગમાં રંગાયા હતા. દેશની રક્ષા, એકતા અને ગૌરવ માટે પોલીસના જવાનોની કામગીરી હંમેશા સરાહનીય રહી છે.

એક તરફ સરહદ પર જવાનો દેશની સુરક્ષા માટે ખડેપગ ફરજ બજાવી રહ્યાં છે, તો બીજી તરફ આપણા વીર પોલીસ જવાનો ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા માટે પ્રત્યેક નાગરિકને જાગૃત કરી રહ્યાં છે. આ માત્ર એક અભિયાન નથી, આ રાષ્ટ્રનું સન્માન છે. આ સન્માનને ટકાવી રાખવી એ સૌની સાથે આપણી પણ ફરજ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.