Western Times News

Gujarati News

વધુ પડતી ચિંતા, હતાશા, અનિંદ્રા વગેરેમાંથી ડિપ્રેશનનો જન્મ થાય છે

ડિપ્રેશન અર્થાત્‌ “નિરાશા” “વિષાદ” કે “અવસાદ” ડિપ્રેશન એ એક બહુ પ્રચલિત બીમારી છે. આજકાલ તો જાણે ડિપ્રેશનનો વા વાતો હોય તેમ લાગે છે. શરીર મનથી સ્વસ્થ અને સુખી જણાતા હોય તેવા લોકો પણ ડિપ્રેશનનો ભોગ બની જતા હોય તેમ જાેવા મળે છે. ઈગ્લેન્ડ- અમેરીકા જેવા દેશોમાં ૮-૯ વર્ષના બાળકને પણ ઘણીવાર ડિપ્રેશન જાેવા મળે છે.

સતત દોડધામ ભરી જિંદગીમાં માનવી સતત એક પ્રકારનો તનાવ અનુભવે છે. સતત વધુ પડતી ચિંતા, અશાંતિ, હતાશા, અનિંદ્રા વગેરેમાંથી ડિપ્રેશનનો જન્મ થાય છે. જે વ્યક્તિઓ સ્વભાવથી વધુ સંવેદનશીલ હોય તે આ વ્યાધિનો ભોગ ઝડપથી બની જતી હોય છે.

વ્યક્તિના જીવનમાં જયારે કોઈ દુઃખદ પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે તે પરિસ્થિતિને કારણે વ્યકિત તીવ્ર દુઃખ કે ખિન્નતામાં ડુબી જાય છે. પ્રિયજનનું મરણ, વ્યવસાયમાં ભારે નુકસાન, પ્રેમમાં નિષ્ફળતા, ગંભીર શારીરિક બીમારી, પરીક્ષામાં નિષ્ફળતા, અકસ્માત આવા બીજા કોઈપણ કારણોસર જયારે મનમાં ખુબ દુઃખ કે નિરાશા ઉત્પન્ન થાય છે અને આ નિરાશા જયારે લાંબા ગાળા સુધી રહે ત્યારે વ્યક્તિ ડિપ્રેશનનો ભોગ બને છે. ઘણીવાર આ અવસ્થામાં ગાળા વારંવાર આવતા રહે છે.

ડિપ્રેશનનો શિકાર બનેલી વ્યક્તિના જીવનમાં ખિન્નતા, ઉદાસીનતા, નિરાશા, ક્રોધ, ઉત્સાહશૂન્યતા, અભિરૂચિનો અભાવ, બિનઉપયોગીતાની લાગણી, વધારે પડતી ચિંતા, શંકાશીલ સ્વભાવ, આત્મવિશ્વાસનો અભાવ વગેરે લક્ષણો જાેવા મળે છે. પુરુષો કરતાં સ્ત્રીઓ આ રોગનો ભોગ વધારે બનતી હોય તેવું મેં જાેયેલ છે.

ડિપ્રેશનના કારણે વ્યક્તિના મનમાં અને પરિસ્થિતિમાં એમ બંને સ્થાનો છે. ઘણીવાર પરિસ્થિતિ જ એવી હોય છે કે જે ડિપ્રેશન પેદા કરે અને ઘણીવાર કેટલીક વ્યક્તિઓના મનનું બંધારણ કે જનીન એવા હોય છે કે જેને કારણે સામાન્ય પરિસ્થિતિમાં પણ તેને નિરાશા આવી જતી હોય છે.

ઘણીવાર માતા-પિતાના અમુક સ્વભાવગત લક્ષણોના કારણે પણ સંતાનોમાં આ રોગ જાેવા મળતો હોય છે. ડિપ્રેશન એ શક્તિહીનતાનો અનુભવ છે. ખિન્નતા, નિરાશા, ઉત્સાહશૂન્યતા, આદિ લક્ષણો તો શક્તિ વિહીનતામાંથી ફલિત થાય છે. મનથી ક્ષીણ શક્તિશાળી વ્યક્તિઓમાં ડિપ્રેશન વધુ પ્રમાણમાં જાેવા મળે છે.

અને બાહ્ય પરિબળો દેખીતી રીતે પ્રતિકુળ હોવા છતાં મનથી શક્તિવાન વ્યક્તિઓમાં ડિપ્રેશન ભાગ્યે જ જાેવા મળે છે. આમ બનવાનું કારણ એ છે કે, પ્રમાણવાન વ્યક્તિને જીવનશક્તિની ખેંચ પડતી નથી. તેથી જીવનશક્તિના અભાવમાં અનુભવાતો ડિપ્રેશનનો અનુભવ તેમના જીવનમાં સ્થાન લઈ શકતો નથી.

ડિપ્રેશનની સારવારમાં મનોવૈજ્ઞાનિકો દવાઓ તેમજ મનોવિશ્લેષણ, કાઉન્સેલીંગ વગેરે દ્વારા સારવાર કરે છે પરંતુ આયુર્વેદમાં ડિપ્રેશનની અકસીર સારવાર છે, અને આ દવાઓ લાંબા સમય સુધી ચાલુ રાખવાથી કોઈ નુકસાન પણ થતું નથી.

સૌ પ્રથમ તો મનને લોખંડની જેમ મજબુત બનાવો. પરિસ્થિતિ હંમેશા બદલાવવાળી હોય છે અને કોઈપણ સ્થિતિ કાયમ રહેવાની નથી. આ વાક્ય જીવનમાં ઉતારી દેવાથી કોઈપણ પ્રકારના દુઃખનો સામનો કરવાની નૈતિક હિંમત પ્રાપ્ત થાય છે.
જીવનમાં સંતોષને સ્થાન આપો તથા ખોટી-ખોટી ચિંતાનો ન કરો.

હંમેશા હકારાત્મક અભિગમ અપનાવો તથા હાસ્યને જીવનમાં પ્રાધાન્ય આપો. મનને હંમેશા પ્રવૃત્તિમય રાખો. ટી.વી. પર હાસ્ય રેલાવતી ધારાવાહિકો જાેવાની ટેવ પાડો.

આ ઉપરાંત આયુર્વેદમાં પ્રાણાયામ અને ધ્યાનને ડિપ્રેશન માટે સૌથી ઉત્તમ માનેલા છે. દરરોજ ર૦-રપ મિનિટ અનુલોમ વિલોમ પ્રાણાયામ તથા અડધો કલાક ધ્યાન મેડિટેશન કરો, આમ કરવાથી તમે તમારા વિચારો પર ખુબ ઝડપથી કાબુ મેળવી શકશો. આ સિવાય આયુર્વેદમાં ડિપ્રેશન દર્દીઓ માટે શિરોધારા ટ્રીટમેન્ટ ખુબ જ સારું પરિણામ આપે છે.

શિરોધારામાં મગજને શાંત કરનારા ઔષધસિદ્ધ તેલ કે ઘીની ધારા માથા ઉપર પાડવામાં આવે છે જેથી ત્યાં રકતનું પરિભ્રમણ પણ ખૂબ વધે છે અને મગજમાં શાંતિનો અનુભવ થાય છે. “અનિંદ્રા” ના દર્દીઓમાં આ સારવાર ખૂબ જ સારું પરિણામ આપે છે.

આ ઉપરાંત આયુર્વેદમાં બાહ્યીવટી, મેથ્થરસાયન, સારસ્વત ચૂર્ણ વગેરે ઔષધ સેવનનું વિધાન કરેલ છે, જે નિષ્ણાતની સલાહ અનુસાર લેવું, તો અવશ્ય ફાયદો થાય છે. ઉપરોકત યોગ અને ઔષધોપચાર દ્વારા નિઃશંકપણે ડિપ્રેશનની વ્યાધિમાંથી છુટકારો મેળવી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.