Western Times News

Gujarati News

દિવાળી વેકેશન માટે શ્રેષ્ઠ પર્યટન સ્થળ બની રહેશે મધ્યપ્રદેશનું હિલ સ્ટેશન ‘પચમઢી’

·         પચમઢી પરિવાર સાથે રજાઓ માટે સૌથી વધુ પસંદગીનું સ્થળ

·         પ્રકૃતિની ગોદમાં વસેલા આ પ્રવાસન સ્થળો ગાઢ જંગલો, નદીઓ અને ધોધથી ભરેલા છે.

·         મધ્યપ્રદેશ પ્રવાસન દ્વારા ઘણી સાહસિક અને રોમાંચક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

શિયાળાની શરૂઆત અને દિવાળી વેકેશનનો અનોખો સંજોગ પરિવાર સાથે રજા માણવા માટે શ્રેષ્ઠ સમય છે. પરિવાર સાથે રજાઓ ગાળવા માટે આનાથી સારો પ્રસંગ કોઈ હોઈ શકે નહીં. બસ એવા સ્થળોનો જ અભાવ છે જ્યાં શિયાળાની ગુલાબી સવાર જોવાનો અનેરો આંનદ આવે અને શહેરની ધમાલથી અલગ પણ હોય,

જ્યાં ચારે બાજુ હરિયાળી હોય, ઊંચા-ઘટાદાર વૃક્ષો હોય, ખળ-ખળ વહેતી નદીઓ હોય, પક્ષીઓના કિલકિલાટનો અવાજ આવતો હોય. જો તમે આ બધી વિશેષતાઓ સાથેની જગ્યા નક્કી કરી શકતા નથી, તો અમે તમને મધ્યપ્રદેશની ખાસ જગ્યા વિશે જણાવીએ છીએ, જ્યાં તમે પ્રકૃતિની ગોદમાં રજાઓ ગાળી શકો છો. મધ્યપ્રદેશના હિલ સ્ટેશન તરીકે પ્રખ્યાત પચમઢી દિવાળી રજાઓને યાદગાર બનાવવા માટે નું એક શ્રેષ્ઠ સ્થળ બની રહેશે.

પંચમઢી – ‘સતપુરાની રાણી’

રાજ્યના હોશંગાબાદ જિલ્લામાં સમુદ્ર સપાટીથી 1067 મીટરની ઉંચાઈ પર સ્થિત પચમઢી મધ્ય ભારતનું સૌથી આકર્ષક અને મુખ્ય પ્રવાસન સ્થળ છે. તે સતપુરાની રાણી તરીકે ઓળખાય છે. ટેકરીઓમાં વસેલા અને કુદરતી સૌંદર્યથી ઘેરાયેલા, પચમઢીમાં વહેતી નદીઓ અને ધોધ મનમોહક છે.

આ સ્થળની સુંદરતાનો અનુભવ કરવા માટે જીપ સફારી પણ ઉપલબ્ધ છે. પચમઢીમાં અને તેની આસપાસ ઘણા પ્રવાસન સ્થળો, જેમાં ધૂપગઢ, બી ફોલ્સ, ડચેસ ફોલ્સ, સતપુરા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વ સમાવિષ્ઠ છે. પાંડવ અને જટા શંકર ગુફાઓ- પચમઢીમાં આવેલી ‘પાંડવ ગુફાઓ’ આકર્ષણનું કેન્દ્ર છે.

પૌરાણિક કથાઓ અનુસાર, પાંડવો અને તેમની પત્ની દ્રૌપદીએ તેનું નિર્માણ કર્યું હતું અને તેમના વનવાસ દરમિયાન ત્યાં રહ્યા હતા. વધુ એક અન્ય આકર્ષણ, જટા શંકર ગુફા સો માથાવાળા દિવ્ય સર્પ શેષનાગને દર્શાવે છે. આ પવિત્ર ગુફાના ખડકમાં ભગવાન શિવના ગુંથાયેલા વાળ છે.

સતપુરા નેશનલ પાર્ક – દેશના મુખ્ય ટાઈગર રિઝર્વ પૈકીના એક, સતપુરા રાષ્ટ્રીય ઉદ્યાનને વર્ષ 2010માં વિઝિટર ફ્રેન્ડલી વાઇલ્ડલાઇફ ડેસ્ટિનેશન એવોર્ડ મળી ચુક્યું છે. અહીંનું જંગલ જંગલી ભેંસ માટે વિશ્વ પ્રસિદ્ધ છે. વાઘ, દીપડા, સાંભર, ચિતલ, ચિંકારા, રીંછ સહિત અન્ય ઘણા પ્રકારના વન્યજીવો અહીં રહે છે.

પચમઢીમાં કરવા જેવી વસ્તુઓ – બોટિંગ, ટ્રેકિંગ, પેરાગ્લાઈડિંગ, જીપ સફારી, વોટરફોલ ટ્રેકિંગ, હાઈકિંગ, એટીવી રાઈડ, હોર્સ રાઈડ વગેરે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.