Western Times News

Gujarati News

લોક વિજ્ઞાન કેન્દ્ર,ગોધરા દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ

(પ્રતિનિધી)ગોધરા, લોક વિજ્ઞાન કેન્દ્ર,ગોધરાએ જીલ્લામાં વસ્તા નાગરિકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે હેતુથી કાર્યરત સંસ્થા છે. સદર સંસ્થા ગુજરાત સાયન્સ અને ટેકનોલોજી વિભાગ (ગુજ્કોષ્ટ)ના માર્ગદર્શન હેઠળ કાર્યરત સંસ્થા છે.

લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સમાજમાં સાચી સમજણ અને જે તે પરિસ્થિતિની વાસ્તવિકતાને વૈજ્ઞાનિક અભિગમ દ્વારા રજુ કરી જાગૃતતા લાવવાનું કાર્ય કરવામાં આવે છે. ભારતીય વન્યજીવન બોર્ડે સમગ્ર ભારતમાં વન્યજીવ સંરક્ષણના લાંબા ગાળાના ઉદ્દેશ્યો વિશે જાગૃતિ વધારવા માટે ૧૯૫૨માં વન્યજીવન સપ્તાહની સ્થાપના કરી હતી.

વન્યજીવન દિવસ સૌપ્રથમ ૧૯૫૫માં મનાવવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં ૧૯૫૭માં તેનું નામ બદલીને વન્યજીવન સપ્તાહ રાખવામાં આવ્યું હતું. ૬૮માં રાષ્ટ્રીય વન્યજીવન સપ્તાહની ઉજવણી સમગ્ર ભારતમાં ૨જીથી ૮મી ઓક્ટોબર ૨૦૨૨ દરમિયાન કરવામાં આવે છે.

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાણી જીવનના સંરક્ષણ અને સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. તે લોકોને પ્રાણીઓના જીવન વિશે શીખવે છે અને તેમના પોતાના ખોરાક અથવા અન્ય હેતુઓ માટે પ્રાણીઓની હત્યા ન કરીને મોટી સંખ્યામાં પ્રાણીઓને બચાવવા માટે પ્રોત્સાહિત કરે છે.

ઉલ્લેખનીય છે કે આપણી આસપાસ જાેવા મળતા તથા વસતા વન્યજીવોનું આપણે કઈ રીતે સંરક્ષણ કરી શકીએ તે વિષે જીલ્લામાં આવેલી શાળાઓમાં કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જેમાં મહીસાગર નેચર એન્ડ એડવેન્ચર, વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ મહીસાગર,લોક વિજ્ઞાન કેન્દ્ર-ગોધરા અને વન વિભાગ મહીસાગર દ્વારા વન્ય પ્રાણી તથા ગુજરાતના સાપ વિષે શિક્ષણ જાગૃતિ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.  આ કાર્યક્રમમાં ગુજરાતમાં વસતા વન્ય જીવો અંગે માહિતી આર.એફ.ઓ એ.એસ.સેનવા તથા બીટગાર્ડ વી.આર.તલાર દ્વારા આપવામાં આવી હતી.

ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને સ્ટાફના કર્મચારીઓને વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ મયુરભાઈ પ્રજાપતિએ સાપની વિસ્તૃત માહિતી આપી હતી જેમકે ગુજરાતમાં ઝેરી સાપ તેમજ બિન ઝેરી સાપ કઈ રીતે ઓળખવા? સાપ કરડે તો શુ કરવું અને આપણી આસપાસ સાપ જાેવા મળે તો શું કરવું, તેમજ “ગુજરાતની પ્રકૃતિ અને વન્યજીવોને બચાવો” નું સૂચન આપ્યું હતું.શિક્ષણની સાથે સાથે પ્રકૃતિ તથા વન્યજીવ વિષયક શિક્ષણ પણ આવનારી પેઢી માટે ખુબ અગત્યનું છે તેમ જણાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ લોક વિજ્ઞાન કેન્દ્ર ,ગોધરાના કાર્યકારી પ્રમુખ ડૉ.સુજાત વલીના માર્ગદર્શન તથા સહયોગથી યોજવામા આવ્યો હતો.સદર કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા માટે લોક વિજ્ઞાન કેન્દ્રની ટીમનો સહયોગ સાંપડ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.