Western Times News

Gujarati News

વડોદરામાં રહેતા 101 વર્ષના સવિતાબેનનો મતદાન કરવા યુવાનોને શરમાવે એવો ઉત્સાહ

સવિતાબાના પતિનું 70 વર્ષ પહેલાં અવસાન થયું હોવાથી તેઓ ૧૯૭૦ થી તેમની દીકરીના ઘરે વડોદરા શિફ્ટ થઇ ગયા હતા.

આયુષ્યની સદી ફટકારનારા શતાયુ મતદાર સવિતાબા મતદાન કરવા ભારે ઉત્સુક

(માહિતી) વડોદરા, વડોદરા શહેર અને જિલ્લામાં યોજાનારી વિધાનસભાની બેઠકોની સામાન્ય ચૂંટણીને લઇ સૌ મતદારો મતદાન કરવા માટે ભારે ઉત્સુક છે. એક તરફ યુવા પેઢી લોકશાહીના આ મહાઉત્સવને મનાવવા માટે થનગની રહી છે તો બીજી તરફ શતાયુ મતદારો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉત્સાહ દાખવી રહ્યા છે. આવા એક શતાયુ મતદાર છે સવિતા બા ! આયુષ્યની સેન્ચુયરી વટાવી દીધા બાદ તેઓ આ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે જવાના છે.

૧૯૨૨ના ઓક્ટોબર મહિનાની ૬ તારીખે ભરૂચ જિલ્લાના આમોદમાં જન્મેલા અને ૧૦૦ વર્ષની ઉંમરને આવજાે કહીને ૧૦૧ માં વર્ષમાં પ્રવેશેલા સવિતાબેન મંગળદાસ શાહે પોતાનું બાળપણ આમોદમાં વિતાવ્યું હતું. સવિતા બાએ ધોરણ ૭ સુધી જ અભ્યાસ કર્યો હોવા છતાં તેઓ ખુબ ઉત્સાહી, કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રહે છે.

ભરતગુંથણ એ તેમનું ગમતું કામ હતું. પોતાનું કામ જાતે જ કરવું એમ કહેનાર સવિતાબેન આજેય શાકભાજી સમારવું, સમાચારપત્ર વાંચવું, કસરત કરવી અન્યને કોઈ ને કોઈ પ્રકારે મદદરૂપ બનવાની શુભ ભાવના રાખનાર સવિતાબાને પરિવારમાં ૨ દીકરીઓ છે. તેમના પતિનું 70 વર્ષ પહેલાં અવસાન થયું હોવાથી તેઓ ૧૯૭૦ થી તેમની દીકરીના ઘરે વડોદરા શિફ્ટ થઇ ગયા હતા.

સવિતાબાને તેમની ફિટનેસ બાબતે પૂછવામાં આવતાં તેઓ જણાવે છે કે,જેમ બને તેમ ઘરનું અને સાદું ભોજન ગ્રહણ કરવું. અત્યારે તેઓ આખા દિવસની દિનચર્યામાં ફકત ૧ ભાખરી, ૧ રોટલી, શ્રીખંડ, આઈસ્ક્રીમ, મગની દાળ આરોગે છે. સવિતાબાને મીઠી વાનગીઓમાં શ્રીખંડ, કાજુકતરી અને ટોપરાપાક ભાવે છે.

હા, અહીં એક વાત કહેવી ખૂટે કે મીઠી વાનગીઓ ખાવા છતાંય તેમને ડાયાબિટીસ કે અન્ય કોઈપણ પ્રકારનો રોગ નખમાંય નથી. તેઓ આજે પણ દરરોજ સવારે વહેલા ઉઠીને પોતાનાથી બનતી બધીય કસરત કરે છે, અને વહેલા સુઈ જવાનો આગ્રહ રાખે છે. સવારના પહોરમાં એઓ ફકત અને ફકત ચા પીવે છે. દરરોજ નાના મોટા કોઈપણ કામમાં વ્યસ્ત રહેવું અને કસરત કરવી એ તેમનો જીવનમંત્ર બની ગયો છે.

સવિતાબા આજેય સ્વાસ્થ્યની બાબતમાં અત્યારના ૪૦ થી વધુની ઉંમરનાયને શરમાવે તેવા એક્ટિવ તેમજ પોતાનું દરેક કામ જાતે જ કરે છે. અત્યાર સુધી સવિતા બા એ ક્યારેય બીમાર પડવાનું નામ નથી લીધું. ડૉક્ટર પણ એમની આ ફિટનેસ થી ચકિત છે.

ઉંમરમાં સદી વટાવ્યા પછી પણ એમના દાંત હજીય છે જેથી કરીને તેઓ રોટલી કે ભાખરી આજેય ખાવામાં – ચાવવામાં સક્ષમ છે. આજના સમયમાં જયારે નાનાં બાળકોનેય આંખના ચશ્મા આવી જતા હોય છે જયારે સવિતાબાની આંખો હજીપણ સમાચારપત્ર વાંચી શકે છે એટલી સક્ષમ છે તો કાન પણ એટલા સતેજ !

સવિતાબા તેમનો બાળપણનો એક કિસ્સો સંભળાવતાં આનંદિત થઇ ગયા અને કહ્યું કે, હું જયારે ભરૂચમાં ધોરણ ૪ માં ભણતી હતી ત્યારે ગાંધીજી અમારી સ્કૂલની મૂલાકાતે આવ્યા હતા. ગાંધીજીએ મારી બાજુમાં બેસીને મને પૂછ્યું હતું કે, “કેવા કપડાં પહેરવાં? ” તો મેં કીધું’તું કે ખાદીના. ત્યારે તેઓએ ખુશ થઈને મારી પીઠ થાબડીને મને શાબાશી આપી હતી.અને બધાંએ મારા માટે તાળીઓ પાડી હતી.”

વધુમાં તેઓ જણાવે છે કે, આ પ્રસંગ પછી મારી બેનપણીઓ પણ કહેવા લાગી કે અમારો તો તારી આગળ કોઈ ક્લાસ નઈ. તને તો ગાંધી બાપુએ શાબાશી આપી. આ ઉપરાંત ભરૂચના ગોલ્ડન બ્રિજના ઓપનિંગ કાર્યક્રમ વખતે સવિતાબાએ તે સમયે ગરબા કર્યા હતા. સવિતા બાએ કહ્યું કે, દાંડિયાત્રા પણ અમે રહેતા ત્યાંથી એટલે કે દારૂપટેલની ખડકી પાસેથી પસાર થઈ હતી.

સવિતાબાએ અત્યાર સુધીની દરેક ચૂંટણીમાં સળંગ પોતાનો મત આપ્યો છે.આ વખતે ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓ પોતાનો અમૂલ્ય મત આપવા માટે તૈયારી બતાવે છે.ચૂંટણી બાબતે તેઓ કહે છે કે,‘મત તો દરેકે આપવો જાેઈએ. એ આપણી ફરજ છે.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.