Western Times News

Gujarati News

અમદાવાદ શહેરમાં મતદાર જાગૃતિ માટે પ્રભાત ફેરીનો અનોખો પ્રયોગ

(માહિતી) અમદાવાદ, ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ યોજાઈ રહી છે ત્યારે ‘અવસર લોકશાહીનો’ અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન સંદર્ભે જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારીશ્રી ડો. ધવલ પટેલના માર્ગદર્શનમાં સ્વીપ હેઠળ અમદાવાદ શહેરના પોળ વિસ્તારમાં અને ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર સહિતના કુલ ૧૧ સ્થાનો પર મતદાન જાગૃતિના પ્રભાતિયા થકી પ્રભાત ફેરી યોજવામાં આવી હતી.

વિદ્યાર્થીઓ દ્વારા આજે સવારે ૫.૦૦ કલાકેથી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ ‘વોટ આપવાનું ભૂલતા નહિ’, ‘રગરગમાં લોકશાહી રગરગમાં જવાબદારી’, ‘અમે યુવાનો બની સજાગ દરેક ચૂંટણીમાં લઈશું ભાગ’ના બેનરો સાથે પ્રભાત ફેરીમાં જાેડાયા હતા. આ સાથે નાગરિકોને અમદાવાદ જિલ્લા ચૂંટણી દ્વારા મતદાનની વિવિધ સુવિધાઓ સહિતની મતદાન સંબંધિત વિવિધ માહિતી દર્શાવતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ડો. ધવલ પટેલએ આ નવતર પ્રયાસને બિરદાવતા જણાવ્યું હતું કે અચૂક નૈતિક મતદાન કરવા અને અન્યોને નૈતિક રીતે અચૂક મતદાન કરવા પ્રેરિત કરવા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. યુથ નોડલ ઓફિસર ડો. યોગેશ પારેખ દ્વારા પ્રભાત ફેરીનું સુચારુ સંચાલન કરવામાં આવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.