Western Times News

Gujarati News

નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પ યોજાયો

“ડોક્યુમેન્ટેશન” અને “લોન” પ્રક્રિયા સરળ બને તેવી વ્યવસ્થા ગોઠવવવા બેન્કોને અનુરોધ કરતા ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ

(માહિતી) રાજપીપલા, નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબેની અધ્યક્ષતા અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસતંત્ર દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રાષ્ટ્રીયકૃત તથા સહકારી બેન્કોના સંયુક્ત ઉપક્રમે આજરોજ શ્રી છોટુભાઈ પુરાણી હાઈસ્કુલ, રાજપીપલાના સભાખંડમાં લોન-ધિરાણ અંગે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબેના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસતંત્ર એક્શન મોડમાં આવી ચૂક્યું છે. આજરોજ ૪૦૦ થી વધુ લોકોની દબદબાભેર ઉપસ્થિતિ વચ્ચે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબેએ કેમ્પમાં ઉપસ્થિત નાગરિકોને પોતાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે બેન્કો તેમજ રાજ્ય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈને વ્યાજખોરોના માનસિક ત્રાસથી મુક્ત થવા અંગે સમજણ પુરી પાડી હતી. વધુમાં શ્રી સુંબેએ પ્રજાજનોને લોન અંગે સરળતાથી માહિતી અને લાભ મળે તેવી વ્યવસ્થા ગોઠવવા બેન્કોના અધિકારીશ્રીઓ-પ્રતિનિધિઓને આગ્રહ કરી સહયોગ કરી પોલીસ તંત્ર દ્વારા યોગ્ય સહયોગ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે પણ શ્રીસુંબેના મંતવ્યોને અનુમોદિત કરીને નાગરિકોને સરકારશ્રી દ્વારા અમલી અનેકવિધ યોજનાઓ તેમજ અધિકૃત બેન્કો પાસેથી નાણાં મેળવવા અનુરોધ કર્યો હતો. વધુમાં ડો. દેશમુખે જણાવ્યું કે, વ્યાજની ચૂકવણી એક કેન્સર જેવો રોગ છે, તે કદી પણ સમાપ્ત થતી નથી. તદ્‌ઉપરાંત ધારાસભ્યશ્રીએ બેન્કોને “ડોક્યુમેન્ટેશન” પ્રક્રિયાને સરળ બનાવી જરૂરિયાત મંદ લોકોને વહેલી તકે લોન ઉપલબ્ધ કરાવી નાગરિકોની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો.

નર્મદા જિલ્લાની જનતાને માત્ર વ્યાજખોરોની ચુંગલમાંથી જ બહાર કાઢવા નહીં, પરંતુ તેમની પોતાની નાણાકીય જરૂરિયાત કેવી રીતે સંતોષાય તેનાથી માહિતગાર કરવાના ઉમદા આશય સાથે યોજાયેલા માર્ગદર્શન કેમ્પમાં પ્રજાજનોને બેન્કો મારફતે મળનાર યોગ્ય લોન અંગે વિસ્તૃત સમજણ પુરી પાડવામાં આવી હતી. તેમજ આ કેમ્પમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સહિત વિવિધ બેન્કો દ્વારા સ્ટોલ ઉભા કરી લોકોને મળવા પાત્ર સહાય, લોન તેમજ સબસિડી અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ વેળાએ ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, લીડ બેન્ક મેનેજરશ્રી આર.કે.સીંગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના પ્રતિનિધિશ્રી એન.સી.ગાવીત, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સર્વશ્રી વાણી દૂધાત, પી.આર.પટેલ, જી.એ.સરવૈયા, મયુરસિંહ રાજપુત, સબંધિત વિભાગના અધિકારી-કર્મચારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં લોકોની ઉત્સાહભેર ભાગીદારી નજરે પડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.