Western Times News

Gujarati News

અમદાવાદની જાહેર પરિવહન સેવા “સાક્ષાત યમદુત” સમાનઃ પાંચ મહિનામાં ૧૩ના જીવ લીધા

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ)અમદાવાદ, એ.એમ.ટી.એસ તથા બી.આર.ટી.એસ.ની બસો અમદાવાદ શહેરના રોડ પર “ફરતાં યમદુત” સમાન બની રહેલ છે. ૩૦ અથવા ૪૦ની સામાન્ય સ્પીડમાં અકસ્માત થાય અને લોકો જાન ગુમાવે તેવી દુઃખદ ધટના બને ત્યારે પ્રજાની સલામતી માટે શું ?

તેવા સવાલ પણ થઈ રહ્યા છે. એ.એમ.ટી.એસ તથા બી.આર.ટી.એસ.ની બસોના ડ્રાઇવર દ્વારા વારંવાર અકસ્માત થવાની ધટના ચિતાંજનક છે આવા બનાવો બનતા અટકાવવા માટે ડ્રાઇવર બસો સંયમપૂર્વક અને સ્પીડ પર કાબુ રહે તેવી રીતે ચલાવે અને બેફામ ચલાવતાં

અને બસો ચલાવવા બાબતે બેદરકારી રાખતાં ડ્રાઇવરો તથા તે ખાનગી બસના ઓપરેટર કોન્ટ્રાકટર સામે પગલાં લેવા અને અકસ્માતગ્રસ્તને પુરતું યોગ્ય વળતર ચૂકવવા તાકીદે કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષ ઘ્વારા માંગણી કરવામાં આવી છે.

મ્યુનિ. કોંગ્રેસ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણે આ અંગે જણાવ્યું હતું કે અમદાવાદના નગરજનોને સારી અને સમયસરની પરિવહન સેવા પુરી પાડવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકારની જે.એન.એન.યુ.આર.એમ.ની આર્થિક મદદથી બી.આર.ટી.એસ. બસો ખરીદવામાં આવેલ હતી. તે બસો તદન નવી અને અદ્યતન ટેકનોલોજી વાળી બસો છે.

જ્યારે એ.એમ.ટી.એસ.ની મોટા ભાગની બસો કોન્ટ્રાકટર દ્વારા સંચાલન કરવામાં આવે છે તેમ છતાં છેલ્લા ૫ માસમાં એ.એમ.ટી.એસ.ની બસો દ્વારા નાના મોટા અકસ્માતો મળી કુલ ૧૦૨ થયેલ તેમાં ૯ વ્યકિતઓના મૃત્યુ થયેલ છે તથા બી.આર.ટી.એસ.ની બસો દ્વારા નાના મોટા અકસ્માતો મળી કુલ ૧૫૭ થયેલ તેમાં ૪ વ્યકિતઓના મૃત્યુ થયેલ છે

છેલ્લા ૫ માસમાં બી.આર.ટી.એસ. તથા એ.એમ.ટી.એસ.ની બસોના નાના મોટા અકસ્માતો મળી કુલ ૨૫૯ અકસ્માત થવાના બનાવો બનેલ છે તેમાં કુલ ૧૩ વ્યકિતઓના મૃત્યુ થયાં છે. પરંતુ તેમાં મોટાભાગના અકસ્માતોમાં પોલીસ ફરિયાદ નહી થતાં મામલો રફેદફે કરી દેવાય છે

બી બી.આર.ટી.એસ. તથા એ.એમ.ટી.એસ.ની બસો ખાનગી ઓપરેટરોને ચલાવવા માટે આપેલ છે તે બસોના ધણા ડ્રાઇવરો શિખાઉ અથવા લાયસન્સ ધરાવતાં નથી ચાલુ બસે મોબાઇલ પર વાતો કરતાં હોય છે દારૂ પીને બસો ચલાવતાં હોય છે.

જેથી અસામાન્ય સ્પીડમાં ડ્રાઇવર દ્વારા કંટ્રોલ ના થતો હોઇ અકસ્માત કરી બેસે તેવી ઘટના અવારનવાર બનવા પામે છે તેને કારણે આ બસો અમદાવાદ શહેરના રોડ પર “ફરતાં યમદુત” સમાન બની રહેલ છે. સાથે સાથે ખાનગી બસના ડ્રાઇવરો દ્વારા બેફામ બસો ચલાવવા બાબતે અનેક વાર ફરિયાદો ઉઠવા પામેલ છે.

વાહનચાલકોને સતત હાલાકીમાં અને ટ્રાફિકજામની વચ્ચે માનસિક તંગદીલીમાં રાખનારી બાબતને વિકાસ કઇ રીતે કહેવાય ? આવા અણધડ આયોજનનો કદાચ વિશ્વમાં જાેટો નહી જડે ! હયાત રસ્તા ટ્રાફિક અને બી.આર.ટી.એસ.ને કારણે સાંકડા થઇ ગયાં છે જેને કારણે વારંવાર ટ્રાફિકજામ તથા નાના-મોટા અકસ્માતો થવાનાં બનાવો સામાન્ય થઇ ગયાં છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.