Western Times News

Gujarati News

પ્રદેશમાંથી કુપોષણ નાબુદી અભિયાન ચલાવવામાં આવશે ઃ સાંસદ મોહન ડેલકર

(પ્રતિનિધિ) વલસાડ, સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં કુપોષણના રોગથી ઘણી ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધ માતાઓ તથા બાળકો અસરગ્રસ્ત હોવાના રિપોર્ટ છે. જેને કારણે પ્રદેશની મહિલાઓ, માતાઓ અને બાળકોના સ્વાસ્થ્ય પર માઠી અસર થવા પામી છે. ખાસ કરીને કુપોષણને કારણે બાળકોના મગજ પર માઠી અસર થતી હોય છે જે બાળકોના શિક્ષણને પણ બાધિત કરે છે. ગંભીર બીમારી પ્રદેશમાંથી કાયમી ધોરણે નાબુદ થાય તે માટે અભિયાન ચલાવવામાં આવશે તેવું નિવેદન પ્રદેશના સાંસદ શ્રી મોહનભાઈ ડેલકરે આપ્યું છે.

પ્રદેશમાં ખાસ કરીને ગરીબ આદિવાસી પરિવારો કુપોષણનો ભોગ બનેલા હોય, આવા ગરીબ પરિવારોની ગર્ભવતી મહિલાઓ અને માતાઓને પૌષ્ટીક અને સંતુલિત આહાર માટે પ્રેરિત કરવામાં આવશે, અને તેના માટેની વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. બાળકો માટે ખાસ કરીને કેલ્શિયમ અને આયર્ન જેવા તત્વો તથા અન્ય વિટામિન જેવા પોષક ત¥વો નિયમિત મળે તેવી સગવડ કરાવવામાં આવશે. ગરીબ પરિવારો માટે સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ અને જરૂરી ચીજવસ્તુઓ સમયસર મળે તેવી વ્યવસ્થા ઉભી કરાશે અને ગુજરાત અને મહારાષ્ટ્ર રાજયની તર્જ પર સસ્તા અનાજની ચીજવસ્તુઓ પ્રદેશના ગરીબ પરિવારોને મળી રહે તેવી વ્યવસ્થા કરાવવામાં આવશે.

શાળાઓમાં પ્રોટીનયુક્ત ભોજન બાળકોને કાયમ માટે મળતુ રહે તેના પર ભાર આપવામાં આવશે. આ અભિયાન માટે ખાસ કરીને મહિલા સંગઠનોને જવાબદારી સોંપવામાં આવશે અને પ્રશાસનનો પણ જરૂરી સહયોગ લેવામાં આવશે. સમતોલ આહારના સેવન માટે મહિલાઓ ખાસ કાળજી રાખે તે આ અભિયાનનો મુખ્ય ઉદેશ્ય છે. કારણ કે એક તંદુરસ્ત મહિલા જ તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે છે. બાળક શરૂઆતથી જ તંદુરસ્ત જન્મી તંદુરસ્તી તરફ જ આગળ વધશે અને કુપોષણ મુક્ત પ્રદેશ થઈ શકશે તેવી લાગણી સાંસદ શ્રી મોહન ડેલકરે વ્યક્ત કરી છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.