હાઈકોર્ટની લાલ આંખ પછી ગજેરા બંધુની કંપનીના બેન્કના ખાતા ફ્રીઝ થવાનો સંકેત
AI Image
સુરત, ગજેરા બંધુઓની શાંતિ રેસિડેન્સીસ પ્રાઈવેટ લિમિટેડમાં ચાલી રહેલા મેનેજમેન્ટ વિવાદ અને નાણાંકીય ગેરરીતિઓના મામલે હવેક કાયદાકીય ગાળિયો કસાયો છે.
કંપનીના મુખ્ય શેરહોલ્ડર પ્રવિણ દેવકીનંદન અગ્રવાલે ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ સુરચની આઈસીઆઈસીઆઈ બેન્કને પત્ર લખીને કંપનીના કરંટ એકાઉન્ટમાંથી તમામ પ્રકારના ડેબિટ વ્યવહારો તાત્કાલિક અસરથી સ્થગિત કરવાની તાકીદ કરી છે. અન્યથા બેન્ક પણ કાનૂની રીતે મુશ્કેલીમાં મૂકાઈ શકે તેમ છે. આ મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લઈને પોલીસને તાત્કાલિક એફઆઈઆર નોંધવા નિર્દેશ આપ્યો છે.
મુંબઈ સ્થિત શાંતિ રેસિડેન્સીસ પ્રાઈવેટ લિમિટેડના શેરહોલ્ડર પ્રવિણ અગ્રવાલે આક્ષેપ કર્યો છે કે કંપનીમાં મોટાપાયે છેતરપિંડી, દસ્તાવેજોમાં ફેક સહીઓ અને બેન્કીંગ સાધનોનો દુરૂપયોગ કરવામાં આવ્યો છે. કંપનીમાં અંદાજે ૪ર% હિસ્સો ધરાવતા અગ્રવાલ પરિવારનો આરોપ છે કે, મેનેજમેન્ટો પર કબજો જમાવી બેઠેલી અમુક વ્યક્તિઓ દ્વારા કંપનીના ભંડોળની ઉચાપત કરવામાં આવી રહી છે.
આ વિવાદ હાલમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કંપની એકટની કલમ ર૪૧ અને ર૪ર હેઠળ ચાલી રહ્યો છે. તા.૧પ-૦ર-ર૦ર૬ના રોજ ગુજરાતની વડી અદાલતે એક મહત્ત્વનો આદેશ પસાર કરીને આ કથિત નાણાંકીય ગુનાઓ બદલ પ્રથમ માહિતી અહેવાલ નોંધવા પોલીસ સત્તાધીશોને આદેશ આપ્યો છે.
આ આદેશને પગલે કંપનીના હિતોનું રક્ષણ કરવા માટે બેન્કીંગ વ્યવહારો પર રોક લાગવવી અનિવાર્ય બની છે. એ જોતાં ફરિયાદી પ્રવિણ અગ્રવાલે સુરતની ટેકસટાઈલ માર્કેટ શાખા સ્થિત આઈસીઆઈસીઆઈ બેન્કના મેનેજરને લેખિત જાણ કરી છે કે શાંતિ રેસિડેન્સી પ્રા.લિ.ના કરંટ એકાઉન્ટ નં. ૧૩૮૭૦પ૦૦૧૪૯ર માંથી ચેક આરટીજીએસ કે ઓનલાઈન ટ્રાન્સફર જેવા તમામ ડેબિટ વ્યવહારો તાત્કાલિક બંધ કરવામાં આવે.
ખાતામાં રહેલી બેલેન્સ બાબતે યથાસ્થિત જાળવવામાં આવે. કંપનીના હિતોના અને અસ્કયામતોના રક્ષણ માટે તેમજ વધુ નણાકીય નુકસાન અટકાવવા માટે આ પગલાં લેવા જરૂરી છે. તપાસ ચાલુ હોવાથી જો બેન્ક કોઈ અનધિકૃત વ્યવહાર થવા દેશે તો બેન્ક પણ કાયદાકીય ગૂંચવણમાં આવી શકે તેવી કાનૂની જોગવાઈ પણ પત્રમાં ઉચ્ચારવામાં આવી છે. આ વિવાદમાં આગામી દિવસોમાં પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવી શક્યતા છે.
