Western Times News

Gujarati News

ભારતમાંથી પ્રેરણા લઈને વૈશ્વિક સ્તરે ઘાનાએ પણ ‘એક પેડ મા કે નામ’  અભિયાનનો કર્યો પ્રારંભ

વૃક્ષના ઉછેર-જતન માટે વન વિભાગ દ્વારા અલગ અલગ યોજના હેઠળ રૂ.૧૦૦ થી ૨૫૦૦ સુધીના ખર્ચની જોગવાઈ

Gandhinagar, વૃક્ષના યોગ્ય જતન અને ઉછેર માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત દેશભરમાં ભાવનાત્મક રીતે ‘એક પેડ મા કે નામ’ અભિયાન સફળ રીતે ચાલી રહ્યું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના ઘાના પ્રવાસ દરમિયાન ત્યાંની એક શાળાની મુલાકાતમાં વૃક્ષારોપણ સમયે આ અભિયાનનો ઉલ્લેખ કરતાં ગાઢ જંગલ ધરાવતા ઘાનાએ પણ ભારતમાંથી પ્રેરણા લઈને આ ‘એક પેડ મા કે નામ’ અભિયાનનો તેના દેશમાં પ્રારંભ કર્યો છે, જે આપણા સૌ માટે ગૌરવ સમાન છે તેમ, વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું.

વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયાએ વધુ વિગતો આપતાં કહ્યું કે, ગુજરાતના ગ્રીન કવરમાં વધુને વધુ વધારો થાય તેવા શુભ આશયથી વૃક્ષોના ઉછેર અને જતન માટે વન વિભાગ દ્વારા વિવિધ યોજના હેઠળ રૂ.૧૦૦ થી રૂ.૨,૫૦૦ સુધીના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.

જેમાં ટ્રી ગાર્ડ લગાવવું, પાણી આપવું સહિત ત્રણ વર્ષ સુધી આ વૃક્ષની ઉછેર માટે કાળજી લેવામાં આવે છે.આ ઉપરાંત રાજ્યમાં જૂના હેરિટેજ વૃક્ષની જાળવણી માટે તેની ઓળખ કરીને ખેડૂતને વર્ષે અંદાજે રૂ. ૫,૦૦૦/- સુધીનું વળતર આપવામાં આવે છે.

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી પ્રવિણ માળીએ ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, રાજ્યમાં જંગલ વિસ્તાર બહાર શહેરી -ગ્રામિણ વિસ્તારમાં વન કવર વધારવા વન વિભાગ દ્વારા ‘વન કવચ’ તૈયાર કરવામાં આવે છે.વન કવચમાં મિયાવાકી પદ્ધતિથી એક હેક્ટરની અંદર અલગ અલગ પ્રકારના ૧૦ હજાર વૃક્ષો વાવીને ગાઢ જંગલ તૈયાર કરવાની યોજના છે. આ વન કવચ નાગરિકો માટે હરવા-ફરવાની સાથે પ્રાકૃતિક શિક્ષણના કેન્દ્ર બની રહ્યા છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે,રાજકોટ જિલ્લામાં સામૂહિક વન નિર્માણ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં કુલ રૂ.૧૧૯૨ લાખના ખર્ચે ૩૮૮ હેક્ટરમાં ૬.૪૭ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાંથી અત્યાર સુધી ૫.૨૯ લાખ રોપાઓ જીવંત છે જે આ યોજનાની સફળતા દર્શાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.