Western Times News

Gujarati News

આલિયા-પ્રિયંકાનો ‘નેશનલ જિયોગ્રાફિક’ની ગ્લોબલ ચેન્જમેકર્સ યાદીમાં સમાવેશ

મુંબઈ, નેશનલ જિયોગ્રાફિકે ૨૦૨૬ માટેની નેશનલ જિયોગ્રાફિક ૩૩ યાદી જાહેર કરી છે, જેમાં વર્ષના ગ્લોબલ ચેન્જમેકર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા ભારતમાંથી વૈશ્વિક સ્તરે અસર કરનાર પ્રભાવશાળી અવાજ તરીકે સામેલ થઈ છે.

આ યાદી ૧૭ માર્ચે જાહેર કરવામાં આવી હતી. નેશનલ જિયોગ્રાફિકના નિવેદન મુજબ, આ યાદીમાં એવા ૩૩ પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવ્યું છે, જે આજના સમયના સૌથી મહત્વના પડકારોને પહોંચી વળવા આગળ આવી રહ્યાં છે, નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યાં છે અને મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી રહ્યાં છે.

નિવેદનમાં જણાવાયું હતું, “આ વિશ્વભરના એવા સાહસિક વિચારકો અને સમસ્યા ઉકેલનારાં લોકો છે, જે માને છે કે આપણા વિશ્વને કલ્પનાશીલ ઉકેલો અને તાત્કાલિક પગલાંની જરૂર છે અને પરિવર્તન માટે આગળ વધી રહ્યાં છે.”

આલિયા ભટ્ટને તેનાં પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ક્લાઈમેટ અંગે જાગૃતિ મુખ્ય પ્રવાહમાં લાવવા, પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા અને નવી પેઢીને પર્યાવરણીય મુદ્દાઓ સાથે જોડવા માટે સ્થાન આપવામાં આવ્યું છે.

નિવેદન મુજબ, “તેની પ્રોડક્શન કંપની ‘ઇટર્નલ સનશાઇન’એ હાથીઓના શિકાર અંગેની તપાસ પર આધારિત મિનિ-સીરીઝને પ્રોડ્યુસ કરવામાં મદદ કરી છે અને એક ભારતીય ઈકો-ફિલ્મ ફેસ્ટિવલ સાથે ભાગીદારી દ્વારા પર્યાવરણ આધારિત ફિલ્મમેકિંગને સમર્થન આપતી રહે છે.

તેનાં બાળકો માટેનાં પુસ્તક ‘એડ ફાઈન્ડ્‌સ અ હોમ’ બાળકોને પ્રાણીઓનાં દત્તક લેવાનાં મહત્વ વિશે સમજાવે છે. ‘મી વોર્ડરોબ ઇઝ સુ વોર્ડરોબ’ નામની તેની ફેશન રિસેલ પહેલ પર્યાવરણમિત્ર ચેરિટીઝ માટે ફંડ એકત્ર કરે છે અને વેસ્ટ ઘટાડે છે. ‘કોએક્ઝિસ્ટ’ નામનું તેમનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ પ્રાણી અધિકાર માટે કાર્યરત સંસ્થાઓને પ્રોત્સાહન આપે છે.”

પ્રિયંકા ચોપરાને આરોગ્ય સેવાઓની પહોંચ વધારવા અને ડાયાબિટીસ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર જાગૃતિ લાવવા માટેના તેનાં સતત પ્રયાસો બદલ સ્થાન આપવામાં આવ્યું છે. નિવેદનમાં જણાવાયું છે, “તેણે તેનાં પતિ નિક જોનાસને મળ્યા બાદ ટાઇપ ૧ ડાયાબિટીસ વિશે સમજ્યું, જેને ૧૩ વર્ષની ઉંમરે આ રોગનું નિદાન થયું હતું. ‘આ રોગ સાથે જીવી શકાય છે અને સફળ પણ થઈ શકાય છે’ એમ પ્રિયંકા કહે છે.

છેલ્લા પાંચ વર્ષથી, તે ‘બિયાન્ડ ટાઇપ ૧’ નામની નોન-પ્રોફિટ સંસ્થા સાથે જોડાઈને ભારતમાં જાગૃતિ ફેલાવી રહી છે. વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં, તે એક મહત્વપૂર્ણ પરિવર્તનકારી શક્તિ બની છે.” આ યાદીમાં અન્ય નામોમાં હેરિસન ફોર્ડ, રસેલ વેસ્ટબ્‰ક, શૈલીન વૂડલી, ઇવાન મેકગ્રેગર અને ઇડ્રિસ એલ્બાનો સમાવેશ થાય છે, જે પોતાના ક્ષેત્રમાં પરિવર્તન લાવવા માટે કાર્ય કરી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.