Western Times News

Gujarati News

ભારતનો ફાર્મા. ઉદ્યોગ વૈશ્વિક સ્તરે મજબૂત: 2030 સુધીમાં 12 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ

પ્રતિકાત્મક

  • વર્તમાન મૂલ્ય ૬૦ અબજ ડોલર છે જે 2030 સુધીમાં 130 અબજ ડોલર (અંદાજે ૧ USD = ૯૪.૦૫ INR) 12 લાખ કરોડ  પહોંચે તેવો અંદાજ
  • FY 2025 માં, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રનું વાર્ષિક ટર્નઓવર રૂ. ૪.૭૨ લાખ કરોડ પર પહોંચ્યું છે.

નવી દિલ્હી, ૨૧ માર્ચ શનિવારે જાહેર કરવામાં આવેલી એક સત્તાવાર ફેક્ટશીટ (માહિતી પત્રિકા) મુજબ, ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ એક વૈશ્વિક સ્તરે સંકલિત અને નીતિ-આધારિત સિસ્ટમમાં વિકસિત થયો છે. ૩,૦૦૦ થી વધુ કંપનીઓ અને ૧૦,૫૦૦ ઉત્પાદન એકમો સાથે ભારત જથ્થાની દ્રષ્ટિએ વિશ્વમાં ત્રીજા અને મૂલ્યની દ્રષ્ટિએ ૧૧મા ક્રમે છે.

ભારતીય ફાર્માસ્યુટિકલ બજારનું વર્તમાન મૂલ્ય ૬૦ અબજ ડોલર છે, જે ૨૦૩૦ સુધીમાં વધીને ૧૩૦ અબજ ડોલર સુધી પહોંચવાની ધારણા છે.

આર્થિક સર્વેક્ષણ ૨૦૨૫-૨૬ ના મુખ્ય અંશો:

  • નાણાકીય વર્ષ ૨૦૨૫ માં, આ ક્ષેત્રનું વાર્ષિક ટર્નઓવર રૂ. ૪.૭૨ લાખ કરોડ પર પહોંચ્યું છે.

  • છેલ્લા દાયકા (નાણાકીય વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૫) દરમિયાન નિકાસમાં ૭ ટકાનો ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) નોંધાયો છે.

  • ભારત જેનરિક દવાઓનો વિશ્વનો સૌથી મોટો સપ્લાયર છે, જે વૈશ્વિક પુરવઠામાં આશરે ૨૦ ટકા હિસ્સો ધરાવે છે.

  • ભારત ૬૦ જેટલી રોગનિવારક શ્રેણીઓમાં (therapeutic categories) અંદાજે ૬૦,૦૦૦ જેનરિક બ્રાન્ડ્સનું ઉત્પાદન કરે છે.

મજબૂત ઉત્પાદન ક્ષમતા, વધતી જતી નિકાસ, વિદેશી રોકાણમાં વધારો અને સરકારની લક્ષિત યોજનાઓએ સંયુક્ત રીતે સ્થાનિક ઉત્પાદનને મજબૂત બનાવ્યું છે, આયાત પરની નિર્ભરતા ઘટાડી છે અને વૈશ્વિક બજારમાં ભારતની હાજરી વધારી છે.

આંતરરાષ્ટ્રીય વેપાર અને ગુણવત્તા:

ફેક્ટશીટ મુજબ, યુરોપિયન યુનિયન, યુનાઇટેડ કિંગડમ અને ન્યુઝીલેન્ડ સાથેના સૂચિત અને તાજેતરમાં થયેલા વેપાર કરારો ભારતની ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ડિવાઇસ ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે. આ કરારો બજારમાં પહોંચ વધારશે અને વૈશ્વિક વેપાર સંબંધોને ગાઢ બનાવશે.

નોંધનીય છે કે, અમેરિકા બહાર યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) દ્વારા માન્યતા પ્રાપ્ત સૌથી વધુ ઉત્પાદન પ્લાન્ટ્સ ભારતમાં છે, જે ભારતીય દવાઓની સુરક્ષા અને ગુણવત્તામાં આંતરરાષ્ટ્રીય વિશ્વાસને વધુ મજબૂત કરે છે.

રસી અને API ક્ષેત્રમાં નેતૃત્વ:

  • ભારતમાં અંદાજે ૫૦૦ સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટક (API) ઉત્પાદકો છે, જે વૈશ્વિક API ઉદ્યોગમાં લગભગ ૮ ટકા હિસ્સો ધરાવે છે.

  • ભારત DPT (ડિપ્થેરિયા, ટેટનસ અને પર્ટુસિસ), BCG અને ઓરી (Measles) ની રસીના સપ્લાયમાં વિશ્વમાં અગ્રેસર છે.

  • ભારતીય ઉત્પાદકો યુનિસેફ (UNICEF) ને રસીના કુલ પુરવઠાના આશરે ૬૦ ટકા પૂરો પાડે છે.

  • વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ની ઓરીની રસીની ૯૦ ટકા માંગ ભારત પૂર્ણ કરે છે.

નિકાસના આંકડા જોઈએ તો, ૨૦૨૪-૨૫માં ફાર્માસ્યુટિકલ નિકાસ ૩૦.૫ અબજ ડોલર રહી હતી, જે ૨૦૦૦-૦૧ માં ૧.૯ અબજ ડોલર હતી. આમ, છેલ્લા ૨૪ વર્ષમાં નિકાસમાં લગભગ ૧૬ ગણો વધારો જોવા મળ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.