Western Times News

Gujarati News

નેપાળમાં નવી બનેલી બાલેન શાહની સરકારને મોટો ફટકો

ઉદ્યોગપતિ દીપક ભટ્ટ સાથે વ્યાપારી ભાગીદારી હોવાના અને માઈક્રો ઈન્સ્યોરન્સ કંપનીઓમાં શંકાસ્પદ રોકાણ કરવાના ગંભીર આરોપો લાગ્યા હતા.

(એજન્સી)કાઠમાંડુ, નેપાળના રાજકારણમાં એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. નેપાળના ગૃહ મંત્રી સુધન ગુરુંગે ભારે વિવાદો અને ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે બુધવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

આશ્ચર્યની વાત એ છે કે તેઓ માત્ર ૨૬ દિવસ પહેલા જ મંત્રી પદ પર નિયુક્ત થયા હતા. ટૂંકા ગાળામાં જ તેમને ગંભીર આરોપોને કારણે સત્તા છોડવાની ફરજ પડી છે, જેને વડાપ્રધાન બાલેન શાહની સરકાર માટે મોટો આંચકો માનવામાં આવે છે. સુધન ગુરુંગ પર વિવાદાસ્પદ ઉદ્યોગપતિ દીપક ભટ્ટ સાથે વ્યાપારી ભાગીદારી હોવાના અને માઈક્રો ઈન્સ્યોરન્સ કંપનીઓમાં શંકાસ્પદ રોકાણ કરવાના ગંભીર આરોપો લાગ્યા હતા.

તપાસમાં બહાર આવ્યું હતું કે મંત્રી બન્યા પહેલા અને તે દરમિયાન તેમના નાણાકીય વ્યવહારો શંકાસ્પદ હતા. આ વિગતો જાહેર થતા જ વિપક્ષ અને નાગરિક સંગઠનોએ તેમના રાજીનામાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા.

ગૃહ મંત્રી પદ સંભાળ્યા બાદ સુધન ગુરુંગે ભ્રષ્ટાચાર સામે આક્રમક વલણ અપનાવવાની અને સિસ્ટમ સાફ કરવાની મોટી વાતો કરી હતી. જોકે, જ્યારે તેમના પોતાના જ અંગત રોકાણો અને વેપારી સંબંધો પર સવાલો ઉઠ્યા, ત્યારે તેઓ ચારેબાજુથી ઘેરાઈ ગયા હતા. પોતાની છબી ખરડાતા અને સરકાર પર દબાણ વધતા આખરે તેમણે પદ પરથી હટી જવાનો નિર્ણય લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.