Western Times News

Gujarati News

આતંકવાદીઓના નાપાક ઈરાદા ક્યારેય સફળ નહીં થાય: PM

File Photo

પહેલગામ આતંકવાદી હુમલાની વરસી પર પીએમ મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી

(એજન્સી)નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકી હુમલાને એક વર્ષ પૂર્ણ થયું છે. આ વરસી પૂર્વે કાશ્મીરમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે. ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ શ્રીનગરથી ૯૫ કિમી દૂર બૈસરન ખીણમાં આતંકીઓએ ૨૬ નિર્દોષ લોકોની હત્યા કરી હતી, ત્યારથી આ ખીણ પ્રવાસીઓ માટે બંધ છે.

પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના બરાબર એક વર્ષ પછી, રાષ્ટ્ર આ દુર્ઘટનામાં માર્યા ગયેલા નિર્દોષ જીવોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપે છે. આ પ્રસંગે, પીએમ મોદીએ ઠ પર એક સંદેશ પોસ્ટ કર્યો જેમાં જણાવ્યું હતું કે, હુમલામાં માર્યા ગયેલા લોકોને ક્્યારેય ભૂલાશે નહીં, આ દુઃખની ઘડીમાં, સમગ્ર રાષ્ટ્ર શોકગ્રસ્ત પરિવારો સાથે ઊભો છે.

પીએમ મોદીએ એક્સ પર સંદેશ પોસ્ટ કરીને લખ્યું છે કે, એક રાષ્ટ્રના રૂપમાં આપણે શોક અને દ્રઢ સંકલ્પથી એકજૂટ છીએ. ભારત આતંકવાદના કોઈપણ રૂપની આગળ ક્્યારેય નહીં ઝૂકે. આતંકવાદીઓના નાપાક ઈરાદા ક્્યારેય સફળ નહીં થાય.

અત્યારે જમ્મુ-કાશ્મીરના પહલગામની બૈસરન ખીણમાં પ્રવેશબંધી છે. જોકે, બેતાબ વેલી અને ચંદનવાડી જેવા સ્થળો ખુલ્લા છે. આ હુમલા બાદ પ્રવાસીઓની સંખ્યામાં ૩૦-૪૦ ટકાનો ઘટાડો થયો છે, જેને લીધે સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પર ‘ઓપરેશન સિંદૂર’ની થીમ સાથે આતંકીઓને કડક ચેતવણી આપી છે.

સેનાએ લખ્યું કે, ભારત કંઈ ભૂલ્યું નથી. જ્યારે માનવતાની હદ પાર થાય છે, ત્યારે જડબાતોડ જવાબ અપાય છે. ન્યાય થઈ ચૂક્્યો છે. ઉલ્લેખનીય છે કે, પહલગામ હુમલાનો બદલો લેવા વાયુસેનાએ ૬-૭મી મે ૨૦૨૫ની મધ્યરાત્રિએ પાકિસ્તાન અને પીઓકેમાં એર સ્ટ્રાઈક કરી હતી.

માત્ર ૨૫ મિનિટ ચાલેલા આ ઓપરેશનમાં ૭ શહેરોમાં આતંકીઓના ૯ અડ્ડા ધ્વસ્ત કરાયા હતા. પ્રવાસીઓની સુરક્ષા માટે વહીવટીતંત્રે અનેક આધુનિક પગલાં લીધા છે. દરેક સર્વિસ પ્રોવાઈડર, ટેક્સી ડ્રાઈવર અને ગાઈડની તપાસ કરી તેમને વિશિષ્ટ ‘QR કોડ’ આપવામાં આવ્યા છે. ‘સ્કેન મી’ સુવિધા દ્વારા અત્યાર સુધીમાં ૭ હજાર લોકોની ઓળખ સુનિશ્ચિત કરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.