જાપાનથી સોનાનો ઢોળ ચઢાવેલી કિંમતી પેનો લાવી યુવક અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો
ઉચ્ચ અધિકારીઓ, મોટા ઉદ્યોગપતિઓ અને પેન કલેક્ટર્સ દ્વારા ‘સ્ટેટસ સિમ્બોલ’ તરીકે વાપરવામાં આવે છે.
અમદાવાદ, સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ૨૬મી એપ્રિલ ૨૦૨૬ના રોજ વિયેટજેટ ફ્લાઇટ નંબર VJ 1805 દ્વારા જાપાનથી હો ચી મિન્હ સિટી થઈને અમદાવાદ ઉતરેલા એક મુસાફર પાસેથી ઉચ્ચ ગુણવત્તાની અંદાજીત 30 લાખ રૂપિયાની ૬૧ ડિઝાઈનર ઇંક પેન જપ્ત કરવામાં આવી છે. આ કિંમતી પેન કસ્ટમ્સ ડ્યુટી ચૂકવ્યા વગર અને જાહેર કર્યા વગર (Declaration વગર) ભારતમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
કસ્ટમ્સ વિભાગના પ્રાથમિક અંદાજ મુજબ, આ જપ્ત કરાયેલી પેનોની કુલ કિંમત અંદાજે ૩૦ લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. વિભાગે કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મુસાફરની સઘન પૂછપરછ શરૂ કરી છે. આ મામલે તપાસ ચાલી રહી છે કે આટલી મોટી સંખ્યામાં કિંમતી પેન લાવવા પાછળનો હેતુ શું હતો અને શું આ કોઈ મોટા સ્મગલિંગ નેટવર્કનો ભાગ છે?
જપ્ત કરાયેલી દુર્લભ પેનોની યાદી
ઝડપાયેલા જથ્થામાં વિશ્વની કેટલીક સૌથી મોંઘી અને લિમિટેડ એડિશન પેનનો સમાવેશ થાય છે:
-
વિસ્કોન્ટી હોમો સેપિયન્સ લંડન ફોગ (Visconti Homo Sapiens London Fog): વિશ્વમાં માત્ર ૮૮૮ નંગ જ બનેલી આ પેન ૨૩ કેરેટ પેલેડિયમ નિબ અને સ્ટર્લિંગ સિલ્વરથી બનેલી છે. તેની કિંમત ૮૦ હજારથી ૧ લાખ રૂપિયા સુધીની હોય છે.
-
મોંબ્લા માસ્ટરસ્ટુક લે-ગ્રાન્ડ (Montblanc Meisterstück LeGrand): ૯૨૫ સ્ટર્લિંગ સિલ્વર બોડી અને ૧૮ કેરેટ સોનાના ઢોળવાળી આ પેન કલેક્ટર્સ માટે દુર્લભ ગણાય છે. તેની બજાર કિંમત ૧ લાખથી ૨.૫૦ લાખ રૂપિયા સુધીની છે.
-
નાકાયા સાકુરા – લિમિટેડ એડિશન (Nakaya Sakura): એબોનાઇટમાંથી બનેલી આ પેન પર હાથથી ‘માકી-એ’ (Maki-e) કળા દ્વારા અદભૂત ડિઝાઇન કરવામાં આવે છે. તેની કિંમત ૮૦ હજારથી ૨ લાખ રૂપિયાની વચ્ચે હોય છે.
-
પાર્કર ડ્યુઓફોલ્ડ મેન્ડરિન (Parker Duofold Mandarin): ૧૯૨૭ના પીળા રંગ માટે જાણીતી આ પેન ઉચ્ચ ગુણવત્તાવાળા એક્રેલિક રેઝિન અને ૧૮ કેરેટ સોનાની નિબથી બનેલી છે. તેની કિંમત અંદાજે ૫૦,૦૦૦થી ૯૦,૦૦૦ રૂપિયાની વચ્ચે છે.
કેમ ખાસ છે આ પેન?
આ પ્રકારની લક્ઝરી પેન સામાન્ય રીતે માત્ર લખવા માટે નહીં, પરંતુ ઉચ્ચ અધિકારીઓ, મોટા ઉદ્યોગપતિઓ અને પેન કલેક્ટર્સ દ્વારા ‘સ્ટેટસ સિમ્બોલ’ તરીકે વાપરવામાં આવે છે. આ પેનો તેના કલાત્મક મૂલ્ય અને મર્યાદિત ઉત્પાદનને કારણે વૈશ્વિક બજારમાં ખૂબ ઊંચી કિંમતે વેચાય છે.
કસ્ટમ્સ વિભાગ હવે એ દિશામાં તપાસ કરી રહ્યો છે કે આ જથ્થો કોને ડિલિવર કરવાનો હતો અને આ પ્રકારના સ્મગલિંગ પાછળ કોણ સંકળાયેલું છે.
