Western Times News

Gujarati News

BJPના વોટ શેરમાં આંશિક ઘટાડો નોંધાયો છે, જ્યારે કોંગ્રેસ માટે ગ્રામ્ય સ્તરે ‘આપ’ મોટો પડકાર

વોટ શેરના આંકડા જાહેર થતાં રાજનીતિક રણનીતિ સ્પષ્ટ થઈ

(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો બાદ હવે વોટશેરના આંકડા સામે આવ્યા છે. આ આંકડાઓ દર્શાવે છે કે, રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો મજબૂત ગઢ જાળવી રાખ્યો છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બીજા ક્રમ માટે રસાકસી જોવા મળી રહી છે. શહેરી મતદારોમાં ભાજપ પર ખૂબ જ મજબૂત વિશ્વાસ દર્શાવ્યો છે.

મહાનગરપાલિકાઓમાં ભાજપે લગભગ ૫૯.૩૬% વોટશેર સાથે પ્રચંડ જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસને ૨૬.૪૬% પર વોટ જ મળ્યા છે. નોંધનીય છે કે, મહાનગરપાલિકા સ્તરે આમ આદમી પાર્ટીએ ૧૦.૨૭% વોટ મેળવીને શહેરી રાજકારણમાં પોતાની હાજરી મજબૂત કરી રહી છે. શહેરી વિસ્તારોમાં સત્તાધારી પક્ષ ભાજપે પોતાની પકડ વધુ મજબૂત કરી છે.

૨૦૨૧માં ભાજપનો વોટ શેર ૫૨.૯૦% હતો, જે ૨૦૨૬માં ૬.૪૬%ના જંગી વધારા સાથે ૫૯.૩૬% પર પહોંચ્યો છે. તેની સામે કોંગ્રેસનો વોટ શેર ૨૬.૭૫% થી ઘટીને ૨૬.૪૬% થયો છે. સૌથી મોટો ફટકો આમ આદમી પાર્ટીને પડ્યો છે, જેનો વોટ શેર મહાનગરોમાં ૧૩.૯૧%થી ઘટીને ૧૦.૨૭% (૩.૪૬% નો ઘટાડો) થયો છે.

ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય ચિત્ર તદ્દન અલગ જોવા મળ્યું છે. જિલ્લા અને તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટીના વર્ચસ્વમાં મોટો ઉછાળો આવ્યો છે. જિલ્લા પંચાયતમાં આપનો વોટ શેર ૨.૮૯% થી વધીને ૧૨.૦૪% થયો.

તાલુકા પંચાયતમાં આપનો વોટ શેર ૨.૫૬% થી વધીને ૧૨.૬૭% (૧૦.૧૧% નો વધારો) થયો. બીજી તરફ, ગ્રામ્ય સ્તરે ભાજપ અને કોંગ્રેસ બંનેને નુકસાન થયું છે. કોંગ્રેસનો વોટ શેર જિલ્લા પંચાયતમાં ૫.૧૮% અને તાલુકા પંચાયતમાં ૫.૧૪% જેટલો ઘટ્યો છે. ત્રીજા પક્ષ તરીકે આપની મજબૂત એન્ટ્રીને કારણે કોંગ્રેસના પરંપરાગત મતોમાં ગાબડું પડ્યું હોય તેવું જણાય છે.

નગરપાલિકા સ્તરે કોંગ્રેસ માટે સારા સમાચાર છે, જ્યાં તેનો વોટ શેર ૧.૭% વધીને ૩૦.૬૮%થયો છે. જોકે, અહીં સૌથી ચોંકાવનારું પ્રદર્શન અપક્ષોનું રહ્યું છે. ૨૦૨૧માં માત્ર ૧.૧૯% વોટ શેર ધરાવતા અપક્ષો ૨૦૨૬માં ૯.૩૩% મતો મેળવવામાં સફળ રહ્યા છે.

રાજકીય વિશ્લેષકો માને છે કે મુખ્ય પક્ષો દ્વારા ટિકિટ વહેંચણીમાં થયેલા વિવાદોને કારણે જનતાએ અપક્ષ ઉમેદવારો પર પસંદગી ઉતારી છે. સમગ્રપણે જોતા, મહાનગરપાલિકાઓ સિવાયના વિસ્તારોમાં સત્તાધારી ભાજપના વોટ શેરમાં આંશિક ઘટાડો નોંધાયો છે, જ્યારે કોંગ્રેસ માટે ગ્રામ્ય સ્તરે ‘આપ’ મોટો પડકાર બનીને ઉભરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.