Western Times News

Gujarati News

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વડોદરામાં અંડરપાસ બંધ થતાં 10 હજાર રહીશોને મુશ્કેલીઓ વધી

File photo

(એજન્સી)વડોદરા, વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા રેલ્વે સ્ટેશન નજીક આવેલ પ્રિય લક્ષ્મી મિલ ખાતે બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ કામગીરીના ભાગ રૂપે ફેબ્રુઆરી મહિનામાં પ્રિય લક્ષ્મી મિલ અંડરપાસ બંધ કરવામાં આવ્યો હતો.

ત્યારથી ત્રણ મહિના વીતી ગયા છે, છતાં અંડરપાસ હજુ સુધી ખોલવામાં આવ્યો નથી. આ સ્થિતિથી ત્રસ્ત રહીશોએ આજે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડની ઓફિસે રજૂઆત કરવા મોરચો કાઢ્યો હતો. અંડરપાસ બંધ થવાના કારણે સૌથી વધુ અસર નજીકના વિસ્તારોના રહીશોને પડી છે.

પ્રિય લક્ષ્મી મિલની ચાલ, ડૉ.છગનલાલની ચાલ, એમ.કે.નગર, ગાયકવાડી ચાલ અને રેલ્વે કોલોની સહિતના વિસ્તારોમાં વસતા ૧૦ હજારથી વધુ લોકો રોજ સવાર-સાંજ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રોજિંદા કામ-ધંધા માટે તેમ જ જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ માટે અવરજવર કરવી અત્યંત કઠિન બની ગઈ છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, અંડરપાસ બંધ હોવાના કારણે તમામ વાહનચાલકોએ પંડ્‌યા બ્રિજ પરથી લાંબો ચક્કર ફરવો પડે છે. આ બ્રિજ પર અગાઉથી જ ટ્રાફિક વધારે રહેતો હોવાથી, અંડરપાસ બંધ થયા બાદ ભીડ અને ટ્રાફિક જામની સ્થિતિ અવારનવાર સર્જાય છે, જેના કારણે રોજ સમય અને ઇંધણ બંનેનો વ્યય થઈ રહ્યો છે.

રહીશોના જણાવ્યા મુજબ, અંડરપાસ બંધ કરતી વખતે માત્ર બે મહિનામાં કામ પૂર્ણ કરી ફરી ખોલી દેવાનો વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ ત્રણ મહિના વીતી જવા છતાં અંડરપાસ ખાતે કોઈ નક્કર કામગીરી થઈ નથી અને અંડરપાસ ખોલવામાં આવ્યો નથી. આ સ્થિતિ સ્થાનિક લોકોમાં ભારે રોષ ઊભો કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.