Western Times News

Gujarati News

કારમી હાર બાદ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખપદેથી જશપાલસિંહે આપ્યું રાજીનામું

વડોદરા શહેર પ્રમુખ ઋત્વિક જોષીની સામે કેટલાક કોગ્રેસી કાર્યકરોએ સોશિયલ મીડિયા પર આક્રોશ ઠાલવીને રાજીનામાની માગણી કરી હતી

વડોદરા, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતાં વડોદરા શહેર અને જિલ્લામાં કોંગ્રેસના નબળા પ્રદર્શનની સીધી અસર સંગઠન પર જોવા મળી છે. ચૂંટણીમાં પક્ષના નિરાશાજનક પરિણામોની નૈતિક જવાબદારી સ્વીકારી વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જશપાલસિંહ પઢિયારે પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે.

જ્યારે શહેર પ્રમુખ ઋત્વિક જોષીની સામે કેટલાક કોગ્રેસી કાર્યકરોએ સોશિયલ મીડિયા પર આક્રોશ ઠાલવીને રાજીનામાની માગણી કરતાં તેઓએ પ્રદેશના આગેવાનોનો આદેશ શિરોમાન્ય રહેશે તેવી સ્પષ્ટતા કરી હતી.

મળતી માહિતી મુજબ કોંગ્રેસનો ગઢ ગણાતા વિસ્તારોમાં પણ પક્ષને કારમી હારનો સામનો કરવો પડયો છે. ખાસ કરીને વડોદરા જિલ્લા પ્રમુખ જશપાલસિંહ પઢિયારના પોતાના મતવિસ્તાર પાદરામાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત એમ ત્રણેય સ્તરે કોંગ્રેસના ઉમેદવારો પરાજિત થતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.

પોતાના વિસ્તારમાં પક્ષને જીત અપાવવામાં નિષ્ફળ રહેતા તેમણે નૈતિક જવાબદારી સ્વીકારી પદ છોડવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ચૂંટણી પરિણામો બાદ જ્યાં એક તરફ વિજયોત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યાં બીજી તરફ કોંગ્રેસમાં આંતરિક અસંતોષ અને રાજીનામાનો દોર શરૂ થયો છે. જિલ્લા પ્રમુખના રાજીનામાને પક્ષ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

બીજી તરફ વડોદરા શહેરમાં કોગ્રેસની નાલેશીભરી હાર થઈ છે જેના પગલે કોંગ્રેસના કેટલાક સંતિષ્ઠ કાર્યકરોએ ખુલ્લેઆમ શહેર પ્રમુખ ઋત્વિક જોષીની સામે સોશિયલ મીડિયા પર અભિયાન છેડી દીધું છે. જેમાં તેમના રાજીનામાંની પણ માગણી કરવામાં આવી છે. તેનો પ્રત્યુત્તર આપતાં ઋત્વિજ જોષીએ આખો મામલો પ્રદેશના આગેવાનો પર છોડી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.