Western Times News

Gujarati News

વડોદરામાં 150 કરોડના ખર્ચે નિર્મિત “સરદારધામ ભવન-૩”નું લોકાર્પણ PM મોદી 11મી મે, 2026ના રોજ કરશે

સંકુલમાં ૨૭૮ રૂમો, ૪૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતાવાળી ઈ-લાઈબ્રેરી, ૧૦૦૦ વ્યક્તિઓની ક્ષમતાનો હોલ, જીપીએસસી-યુપીએસસી અને સંરક્ષણ-ન્યાયતંત્રની તાલીમ માટે ૫ કેન્દ્રો,

વડોદરા: સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈ ‘સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’ના ધ્યેય સાથે કાર્યરત સરદારધામ દ્વારા વડોદરા ખાતે નિર્મિત ભવ્ય ‘ડો. દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલ’નો લોકાર્પણ સમારોહ આગામી ૧૧ મે ૨૦૨૬, સોમવારના રોજ સાંજે ૪:૩૦ કલાકે યોજાશે.

વડોદરામાં નેશનલ હાઈવે-૪૮ પર વાઘોડિયા ક્રોસિંગ પાસે, L&T નોલેજ સિટીની બાજુમાં નિર્મિત આ સંકુલનું લોકાર્પણ અને અભિવાદન સમારોહ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્દહસ્તે સંપન્ન થશે.

રૂપિયા ૧૫૦ કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ભવન:
મધ્ય ગુજરાત ઝોનમાં પાટીદાર સમાજના ૨૦૦૦ દીકરા-દીકરીઓ માટે રૂપિયા ૧૫૦ કરોડના ખર્ચે નિર્મિત આ સરદારધામ ભવન-૩માં અનેક વિશેષતાઓ છે. આશરે ૪,૭૫,૦૦૦ સ્ક્વેર ફીટમાં ફેલાયેલા આ સંકુલમાં ૧૦૦૦ દીકરાઓ અને ૧૦૦૦ દીકરીઓ માટે અલગ હોસ્ટેલ-કમ-ઈન્સ્ટિટ્યૂટની વ્યવસ્થા છે.

સંકુલમાં ૨૭૮ રૂમો, ૪૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતાવાળી ઈ-લાઈબ્રેરી, ૧૦૦૦ વ્યક્તિઓની ક્ષમતાનો હોલ, જીપીએસસી-યુપીએસસી અને સંરક્ષણ-ન્યાયતંત્રની તાલીમ માટે ૫ કેન્દ્રો, એનઆરઆઈ સર્વિસ સેન્ટર, સ્ટુડન્ટ કાઉન્સેલિંગ સેન્ટર અને યોગ-મેડિટેશન સેન્ટર જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.

આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહેશે. સમારોહમાં વિશેષ ઉપસ્થિત તરીકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે. અન્ય આમંત્રિતોમાં ઝાયડસ ગ્રુપના ચેરમેન પદ્મભૂષણ પંકજભાઈ પટેલ, કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, ઋષિકેશભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, જીતુભાઈ વાઘાણી, દિલીપભાઈ સંઘાણી

અને રાજ્યસભા સાંસદ નરહરિભાઈ અમીનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડ, સાંસદ મિતેશભાઈ પટેલ, હેમાંગભાઈ જોષી, ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, બાલકૃષ્ણભાઈ શુક્લા અને વડોદરાના કલેક્ટર અનિલભાઈ ધામેલિયા તેમજ પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર પણ ઉપસ્થિત રહેશે.

ગૌરવવંતા દાતાઓ અને ટીમ સરદારધામનો સહયોગ: આ ભવન સાકાર કરવામાં પાટીદાર સમાજના અનેક ભામાશાશ્રીઓએ આર્થિક યોગદાન આપ્યું છે. જેમાં મુખ્ય નામકરણ દાતા દુષ્યંતભાઈ આર. પટેલ (ઊર્જા ગ્લોબલ), ભવન ઉદ્ઘાટક દાતા પ્રભુલાલભાઈ એમ. ધોળુ અને છગનભાઈ એમ. ધોળુ (પી.સી. પટેલ ઈન્ફ્રા), તેમજ મહાભૂમિદાતા શાંતિલાલ એસ. ધોળુ અને નવીનચંદ્ર એસ. ધોળુનો સમાવેશ થાય છે.

અન્ય દાતાઓમાં વિનોદભાઈ બી. પટેલ (ઉદાભક્ત), ગિરીશભાઈ એલ. ચોવટિયા (અમી લાઈફ સાયન્સ), સંજયભાઈ વી. પટેલ, ઘનશ્યામભાઈ સી. બોરડ અને ઘનશ્યામભાઈ બી. પટેલનો પણ મહત્વનો ફાળો છે.

ટીમ સરદારધામના પ્રમુખસેવક ગગજી સુતરિયાના માર્ગદર્શન હેઠળ મધ્ય ગુજરાત ઝોનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ, રમેશભાઈ પટેલ (ઉપપ્રમુખ), ઘનશ્યામભાઈ બોરડ (નાણાંમંત્રી), અને રમેશભાઈ લીંબાણી (માનદમંત્રી) સહિતના હોદ્દેદારો આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

મિશન-૨૦૨૬ અંતર્ગત સરદારધામનું લક્ષ્ય ૧૦,૦૦૦ ઉદ્યોગપતિઓનું સંગઠન (GPBO), ૧૦,૦૦૦ દીકરા-દીકરીઓને સરકારી સેવામાં મોકલવા અને ૧,૦૦,૦૦૦ રાષ્ટ્રપ્રેમી યુવાઓનું સંગઠન બનાવવાનું છે. સમારોહના અંતે તમામ મહેમાનો માટે સરદાર પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.