Western Times News

Gujarati News

વામિકાએ આયુષ્યમાન સાથે કામ કરવું સહેલું ગણાવ્યું

મુંબઈ, વામિકા ગબ્બી ફિલ્મની ૧૫ મેની રિલીઝ પહેલા આયુષ્યમાન ખુરાના અને દિગ્દર્શક મુદસ્સર અઝીઝ સાથેના સેટ પરના અનુભવ અંગે વાત કરી છે. પતિ પત્ની ઔર વો દોને લઈને પ્રમોશન સતત વધી રહ્યું છે.

ફિલ્મનું ટીઝર અને ‘રૂપ દી રાની’ તથા ‘દિલ વાલે ચોર’ જેવા ગીતોએ દર્શકોમાં સારો રસ જગાવ્યો છે. ટ્રેલર રિલીઝ પહેલાં, વામિકા ગબ્બીએ ફિલ્મમાં કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યાે અને સેટ પરનું વાતાવરણ કેવું હતું તેની ઝલક આપી.દિગ્દર્શક મુદસ્સર અઝીઝ અને કા-એક્ટર આયુષ્માન ખુરાનાની સાથે પહેલી વાર કામ કરવાની વાત કરતાં વામિકાએ જણાવ્યું કે તેમની વચ્ચે સરળતા અને સકારાત્મકતા હતી.

તેણે જણાવ્યું, “આ મારો બંને સાથે કામ કરવાનો પહેલો અનુભવ હતો. મને લાગે છે કે બંનેમાં એક જેવી બાબત એ છે કે તેઓ ખૂબ જ જમીન સાથે જોડાયેલા અને સહજ અને હળવા સ્વભાવના છે.

તેમની સાથે કામ કરવું ખૂબ સહેલું છે અને સેટ પર હંમેશા સારો માહોલ રહે છે. જ્યારે સેટ પર સારો માહોલ હોય ત્યારે તમે તમારું શ્રેષ્ઠ આપી શકો છો અને મને લાગે છે કે એમણે મને એ જ અનુભવ આપ્યો. મારા માટે સેટ પર સૌથી મહત્વના લોકો મારા દિગ્દર્શક અને કા-એક્ટર્સ હોય છે અને મને ખુશી છે કે મને બંને સાથે કામ કરવાની તક મળી.”

આગળ વાત કરતાં અભિનેત્રીએ મુદસ્સર અઝીઝની સ્ટોરીટેલિંગ અને કોમિક ટાઈમિંગનાં પણ વખાણ કર્યાં.“મુદસ્સર સરની અંદર જે ડ્રામા છે અને તેઓ તેને પોતાની ફિલ્મોમાં જે રીતે રજૂ કરે છે તે અદ્ભુત છે. તેઓ જે કોમેડી લઈને આવે છે તેને ખૂબ સુંદર રીતે સ્ક્રિપ્ટમાં ઉતારે છે. આયુષ્માન વિશે કહું તો, તે પણ ચંડીગઢનો છે અને હું પણ ચંડીગઢની છું, એટલે શરૂઆતથી જ અમારી વચ્ચે એક સહજ જોડાણ બની ગયું.”

વામિકા સિવાય, ફિલ્મમાં સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહ પણ આયુષ્માન ખુરાનાની સાથે મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ એક સિટ્યુએશનલ કોમેડી તરીકે રજૂ થઈ રહી છે, જેમાં આધુનિક સંબંધોને હાસ્ય, ગૂંચવણ અને અનપેક્ષિત વળાંકો સાથે રજૂ કરવામાં આવશે. પતિ પત્ની ઔર વો દો ૧૫ મે, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે અને સમર બોક્સ ઓફિસ માટે હળવી મનોરંજક ફિલ્મ તરીકે રજૂ થવા તૈયાર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.