કિઆરાએ ટોક્સિકમાં બોલ્ડ સીન ઓછા કરવાની વાતને ફગાવી દીધી
મુંબઈ, કિયારા અડવાણીએ આખરે ‘ટોક્સિકઃ અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ’ વિશે ફેલાયેલી અફવાઓ પર કડક પ્રતિસાદ આપતાં સ્પષ્ટતા કરી છે. એવા અહેવાલો હતાં કે કિઆરાએ યશ સાથેના રોમેન્ટિક સીનમાં અસહજ હોવાનું કહીને તેને ઘટાડવા માટે મેકર્સને જણાવ્યું છે.
આ અંગેના અહેવાલો મુજબ, ગીતા મોહનદાસ દ્વારા નિર્દેશિત આ ફિલ્મની રિલીઝમાં વારંવાર ફેરફાર થયાં છે, પરંતુ તે સતત ચર્ચામાં રહી છે. તાજેતરમાં ‘ઇન્ડસ્ટ્રી બઝ’ પર આધારિત અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે કિયારા અડવાણીએ યશ સાથેના એક રોમેન્ટિક સીનને લઈને અસહજતા વ્યક્ત કરી હતી.
આ અહેવાલ મુજબ, કિયારાએ આ સીન માટે શૂટિંગ કર્યું હતું ત્યારે તેને ખાતરી અપાઈ હતી કે તે તેના કમ્ફર્ટ ઝોનમાં રહેશે. પરંતુ પછી આઉટપુટ જોઈને તેણે પોતાનો વિચાર બદલી અને સીનને કાપવા કે ઓછો કરવા માટે કહ્યું.આ વાત સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ ગઈ. જ્યારે કિયારા અડવાણી એ ઇન્સ્ટાગ્રામ પર આ સંબંધિત પોસ્ટ જોઈ, ત્યારે તેણે તેને ફરી શેર કરી અને સીધું લખ્યું — “બિલકુલ બેકાર!” એટલે કે સંપૂર્ણ બકવાસ. તેણે આ અફવાઓને પૂરેપૂરી રીતે નકારી કાઢી છે.
ફિલ્મની વાત કરીએ તો, ટોક્સિક ડિસેમ્બર ૨૦૨૩માં જાહેર થઈ હતી અને તેનું શૂટિંગ આૅગસ્ટ ૨૦૨૪થી આૅક્ટોબર ૨૦૨૫ વચ્ચે થયું હતું. ફિલ્મ પહેલેથી જ ઘણી વખત મુલતવી રાખવામાં આવી છે. પહેલાં એપ્રિલ ૧૦, ૨૦૨૫ની રિલીઝ ડેટ નક્કી હતી, પછી ૨૦૨૬માં ખસેડાઈ અને પછી માર્ચ ૧૯, ૨૦૨૬ માટે નક્કી થઈ, પરંતુ પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે ફરી મુલતવી રાખવામાં આવી.
તાજેતરમાં ફિલ્મના પ્રમોશનલ મટિરિયલને લઈને પણ ચર્ચા થઈ હતી, ખાસ કરીને તેના સેન્સ્યુઅલ સીનને લઈને. એક ઇન્ટરવ્યુ દરમિયાન યશે ગીતા મોહનદાસ વિશે વાત કરતાં કહ્યું કે તે ખૂબ જ સ્પષ્ટ વિચારો ધરાવે છે અને પોતાનાં કામ વિશે મજબુત અભિપ્રાયો ધરાવે છે. તેણે એમ પણ કહ્યું કે ફિલ્મમાં રોમાન્સ અને ભાવનાઓને એક સ્ત્રીનાં દ્રષ્ટિકોણથી રજૂ કરવાની રીત અલગ હોય છે.
ટોક્સિકઃ અ ફેરિ ટેલ ફોર ગ્રોન-અપ્સ કન્નડ-ઇંગ્લિશ ફિલ્મ છે, જેમાં યશ ડબલ રોલમાં જોવા મળશે અને કિયારા નાદિયા નામના પાત્રમાં છે. ફિલ્મમાં નયનતારા, હુમા કુરેશી, તારા સુતારિયા અને રુકમિણી વસંત પણ મહત્વના રોલમાં છે.SS1MS
