Western Times News

Gujarati News

દીપડાની હાજરીને કારણે પાવાગઢ ડુંગર પર દર્શનાર્થે આવતા યાત્રાળુઓમાં ભયની લાગણી વ્યાપી

પાવાગઢમાં દીપડાની દહેશત વચ્ચે વન વિભાગ સતર્ક, રોપ-વે મારફતે ડુંગર પર પાંજરું ગોઠવાયું

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પાવાગઢ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની હલચલ જોવા મળતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જંગલ વિસ્તાર તેમજ છાસિયા તળાવ આસપાસ સાંજના સમયે દીપડો ફરતો હોવાના દૃશ્યો કેટલાક સ્થાનિકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચિંતા અને દહેશત ફેલાઈ ગઈ હતી.

દીપડાની હાજરીને કારણે ખાસ કરીને પાવાગઢ ડુંગર પર દર્શનાર્થે આવતા યાત્રાળુઓ અને સ્થાનિક લોકોમાં ભયની લાગણી વ્યાપી ગઈ હતી. સાંજ બાદ લોકો એકલા બહાર નીકળતા પણ ગભરાઈ રહ્યા હતા. યાત્રાધામ વિસ્તારમાં દીપડાની અવરજવર અંગે ચર્ચાઓ તેજ બનતાં સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા હતા.

વીડિયો વાયરલ થતાં જ વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. વન વિભાગની ટીમે પાવાગઢ ડુંગર પર સ્થળ મુલાકાત લઈને સમગ્ર પરિસ્થિતિની તપાસ હાથ ધરી હતી. ટીમ દ્વારા સ્થાનિક લોકો, ગામના સરપંચ અને યાત્રાધામ વિસ્તારના સેવકો સાથે ચર્ચા કરીને દીપડાની હલચલ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી હતી.

પરિસ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે ખાસ પાંજરું ગોઠવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડુંગરાળ અને કઠિન વિસ્તાર હોવાને કારણે પાંજરું ઉપર પહોંચાડવામાં મુશ્કેલી સર્જાઈ હતી. જેના કારણે માલસામાન પરિવહન માટે કાર્યરત રોપ-વેની મદદ લેવામાં આવી હતી. રોપ-વે મારફતે પાંજરું ડુંગર ઉપર પહોંચાડવામાં આવ્યું હતું.

ત્યારબાદ સ્થાનિક લોકો અને વન કર્મચારીઓની મદદથી પાંજરાને ધકેલીને મંદિરના પાછળના ભાગે આવેલા સમાધિ વિસ્તાર સુધી લઈ જવામાં આવ્યું અને ત્યાં યોગ્ય સ્થળે ગોઠવવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ દીપડાની હલચલ પર નજર રાખવામાં આવી રહી છે.

વન વિભાગની આ તાત્કાલિક કામગીરી બાદ સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી હતી. લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે કે દીપડાને વહેલી તકે પકડી લેવામાં આવશે, જેથી યાત્રાળુઓ અને સ્થાનિકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.